hamphtan sarghas - Dirgh Kavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હાંફતાં સરઘસ

hamphtan sarghas

રાધેશ્યામ શર્મા રાધેશ્યામ શર્મા
હાંફતાં સરઘસ
રાધેશ્યામ શર્મા

૧.

ભાગતી જતી રીક્ષાઓ ને મોટરોના બેકપાઈપમાંથી

છૂટેલો ઝેરી ધુમાડો, પાછળ પડી ગયેલી, ઘવાયેલા

એક ચરણને અધ્ધર ઉઠાવી ત્રણ પગે ચાલતી ગાયના

નાકમાં ગૂંગળામણ પેદા કરે છે ને તેથી ભૂલથી

ચોથો પગ હેઠે મૂકી દેવાતાં ગાયથી નંખાઈ

ગયેલો ભાંભરડો

તેલઊંજ્યા વગરની સાયકલના બોબડા બબડાટ

સાથે ઘર તરફ વળતા મિલમજૂરોના મુખમાંથી

તમાકુની ગંધથી મિશ્રિત; સરી પડેલાં વાક્યો

મિલની એક લાંબી કાળી ચીમની ઉપર શ્વાસ

ખાવા બેઠેલા ચન્દ્રના મુખ ઉપર અંદરથી

આવતી ધુંવાડી છવાતાં તેની સકલંક છાતીમાંથી

ખાંસીનું એક ઠૂંઠયું નીકળી, ચીમની ઉપરથી

ઠેઠ નીચે પડી આપઘાત કરે છે તેનો ચિત્કાર

‘ઝૂ’માંથી પ્રથમ ઝાડવાંને અફળાઈને, પછી

શહેરમાં પ્રસરતી સિંહની સભ્ય ગર્જનાઓ;

હૉસ્પિટલના ‘ઇનડોર’ પેશન્ટની પીળા ગળફાથી

સોઢાતી ખાંસી

અધરાતે, ડબ્બા વગર જતાં એકલાં એન્જિનોની

તીણી વ્હીસલો

આશ્લેષમાં લેતાં તેના વૃદ્ધ ધણીને વળેલા

પ્રસ્વેદની દુર્ગંધથી ત્રાસ પામેલી જુવાન

સ્ત્રીનો નિ:શ્વાસ

ગાંડા કેદીઓના તીખા ટાઢા ઉદ્ગારો

સ્લોટર હાઉસના ટાઢાં મશીનોની ડહાપણની

દાઢના ભચરડાટ

મોટો વીમો વસૂલ કરવાના ઇરાદે લગાડવામાં આવેલી

આગને બુઝાવવા, હાંળાફાંફ્ળા દોડેલા બંબાઓની કીકિયારીઓ

પાંચ મિનિટ કાયમ પાછળ પડી જતા, ટાવરના ઝોકે

ચઢેલા સેકન્ડ કાંટાને ચામાચીડિયું જોસથી

ભટકાતાં ઘણા વખતે અરધો કલાક પૂરો થવાનો

એક ખરો ટકોરો વાગે છે.

રેડિયો ઉપરથી મધરાતે અજ્ઞાત ભાષાઓમાં વ્હેતાં

થયેલાં ગીતો અને ‘રીલે’ થયેલા ન્યૂઝ

પ્રસૂતિગૃહમાં ખાટલે પડેલી કન્યાઓ

વેણની વેદનાથી કરે છે અસ્પષ્ટ પ્રલાપો

નવજાત શિશુનાં બેસમજ રુદન

અવકાશના કાળમીંઢ ખડકોને ભેદીને ધસતાં વિમાનો

હામ હારીને હવે રોગિષ્ઠ ઉંદરને ગોતતી બિલાડીના

કાચ–આંખોના પલકારા

મોંમાં આવી પડેલાં જંતુઓને મમરાવીને ગળી

ગયા બાદ ઘરડા ઘુવડે ગાયેલું ઘૂ ઘૂ ગીત

ખાઉધરી સ્ત્રીની સોડમાં સૂતેલા શિશુનું માતાના

વજન હેઠળ ચગદાવું ને છોકરીની કાળી રાડ

કાંચળી કાઢી ક્યાંક નીકથી પડેલા સાપનો

સુંવાળો સળવળાટ

વિષવમન કરતા લોહી-લાળ-ઝરતા

મુખમાંથી અંધારામાંયે પ્રકાશ

પ્રસારતી દંતપંક્તિઓના તેજમાં,

હડકાયા કૂતરાના છેલ્લાં ડચકાં

લેતા ડોળા આગળ ક્યાંકથી

ઊડી આવેલા તારક સમા એક

ફુદાનો રેશમી-શુભ્ર સંસાર

‘રોન’ ફરવા નીકળેલા સિપાઈની ઘસાયેલી બૂટજોડીનો

અસ્તવ્યસ્ત આરોહ-અવરોહ

કેટલાંયે બારી-બારણાંને ઉઘાડાં ફટાક કરી

નાસતો ફરતો પવન

ખીલીથી વિખૂટું પડેલું દુકાનનું પાટિયું

આસોપાલવનાં સૂકાંખખ પાંદડાંમાં મોં ઘાલી

વિધવાનાં ડૂસકાં લે તેના રુદનધ્વનિ

ત્રીજા વર્ગના વેશ્યાગૃહમાં પ્રથમ રાતે જ, સંવનન સમયે

ઉછીની માગી આણેલી પેટ્રોમેક્ષનો ઓલવાઈ જતાં પૂર્વેનો

ભપક ભપક અવાજ

મંદિરોના ઊંડા ગર્ભગૃહમાં સોનાના પારણે

પોઢેલા ભગવાન બાલમુકુન્દનાં નસકોરાંની વાગતી

વેણુ-

(જેનાથી ધીમી, સ્થિર વાટે જલતા એક પ્રદીપના કાન

પાકી જાય છે!)

શતાયુ થવા કરતા ને શય્યા ભોગવતા આજાર

વિપ્રનો, ઊંઘમાં અભાનપણે ગળાના હૈડિયાની

આસપાસ જનોઈ વીંટઈ જતાં નીકળી પડેલો

વેદનાસિક્ત ઉદ્દગાર

ખખડી પડેલી એક મસ્જિદના, ફૂલેલા પેટ શા

એક માત્ર સાબૂત ગુંબજ ઉપર કેટલાક તારાઓની–

કોઈ પયગંબર પેદા થશે કે કેમ તેની ચિંતામાં

રાતભર ચાલતી શિખરમંત્રણાના વિશ્રંભ વાર્તાલાપ

કાટ ખાઈ ગયેલી પાઈપોમાં પાણીની સેરના

એકાએક આગમનથી થતો પ્રકંપ-રણકાર

રાતે અવાજોનાં હાંફ્તાં સરઘસ-

ખુલ્લી રહેલી બારી

બંધ બારણાની તિરાડો

વાતાયન

ઊંઘતા ખુલ્લા નળ અને

છાપરાના ચૂવામાંથી

(જ્યાંથી અજવાળિયું હોય ત્યારે ચાંદરડાં પણ અવતરે છે!)

-ઘરના અસબાબ ઉપર

અને ખાસ તો,

કાતિલ ઠંડીથી બચી જવા આપણે ઓઢી લીધેલા

ચોફાળ કે ધાબળા ઉપર ઊતરે છે!

સોડમાં લઈ હૂંફ આપીએ-ના આપીએ

ત્યાં તો એકદમ સવારે

કોર્ટના પટાવાળાની જેમ

છાતી ઉપર ઝગારા મારતો પિત્તળનો બિલ્લો લગાવી

‘ફ્લાણા ફલાણા’ એમ દીર્ધ સ્વરે નામોચ્ચાર કરી

સૌને, સૂર્ય ક્યાંક હાજર કરી દે છે!

(ઝાકળબિંદુઓનાય આવા હાલ નહિ કરતો હોય તેની શી ખાતરી?)

શું કરી રહ્યો છે

તેની એને ખબર હશે કે બસ.....?

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 300)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004