da ta mumbi ha hayatini tapasno ek sarariyal ahewal - Dirgh Kavya | RekhtaGujarati

દા. ત. મુંબઈ : હયાતીની તપાસનો એક સરરિયલ અહેવાલ

da ta mumbi ha hayatini tapasno ek sarariyal ahewal

સિતાંશુ યશશ્ચંદ્ર સિતાંશુ યશશ્ચંદ્ર
દા. ત. મુંબઈ : હયાતીની તપાસનો એક સરરિયલ અહેવાલ
સિતાંશુ યશશ્ચંદ્ર

1. વહીવંચા

બપોરે બળી જાય, પવન પ્રમત્ત વીંઝાય, બારણાં ભટકાય, કોઈ

વિસ્તાર છોડીને ધાય, કોઈ સીમાડે રઘવાયું થાય, સીમાડે

ખોડીબારામાં રસ્તો ગલોલાય, કટાયલા નકૂચા શિવાલયના ખેંચાય,

લિંગે વળગેલો નાગ ઝબકાય, ફણા પટકાય, જળ ભય-થીજી જાય,

બરફનાં ટીપાંની નિસરણી અધ્ધર રચાય, પરસાળે બેઠેલો પથ્થરનો

નંદી ઊભો થાય, પીઠ થરથરાય, પાછલી ખરી ઊંચકાય, અથડાય,

ટકરાય, ઊંચકાય, પછડાય, ભોંય છોડી કમ્મર ધડ ગરદન નસકોરાં

રાતી પહોળી આંખ ડોલતાં શિંગ છતભેદનતત્પર ઊંચાં ઊંચકાય,

લટકતી પાંચ-સાત સાંકળ વચ્ચેથી વેગભર્યાં વંટોળ બની શિર કર્ણ

શિંગ ઘૂમરાય, સાંકળો ફંગોળાય, વીંઝતા છેડા સાતના સત્તાવીસ

સિત્તોતેર સિત્યાસી સો થાય, સાત સાંકળના ફંગોળાતા સો છેડાએ,

નંદીની બરછટ ગરદન પર, નાગ ડાકલે, વીફર્યા ગગને, વાગ્યા વાગ્યા

વાગ્યા વાગ્યા ઘંટ, પ્રલયકાળના ગાંડા ઘંટ, પ્રલયકાળના ઘંટ.

રક્તઝાળના ઘંટ. પડી ફાળના ઘંટ. હોહા ઉબાળના ઘંટ.

વિકરાળ ભ્રાંતિના ઘંટ. સત્ય વિશાળના ઘંટ.

બપોર, શહેરમાં, એ, ચૂપચાપ, બળી જાય. શહેરમાં, કોઈને, જાણ

પણ થાય. શહેર તો ક્યાંકથી પ્રગટે, વળિયાં પળિયાં સીમસીમાડા

વટોળતું કંઈ નહીં બીજું ને પોતે ફેલ ફેલ ફેલાય.

વહીવંચાઓ પોથાઓને દોરે વીંટી ચાલતા થાય.

વીંટાતી વહીઓને વીંટળાઈ ગઈ વાતો.

વાતો તોતો હતો.

એક હતો પોપટ.

એણે જાણે પકડી હઠ.

હઠ છોડે તો હેઠો

બને બરાબર ઘેટો.

ઘેટાનું શું? તો કે પુલ.

નદીઓ ઉપર સાવ સાંકડી બંધાય તે બાંધી રાખે છે ભૂલ.

ભૂલો. ભૂલો.

ચાલો પડદા ખૂલો!

નીચે ઊંડી નદી છે. ઉપર છે તે સાંકડો પુલ છે.

ફાંકડો છે તે કિનારો છે. લીલું છે તે ઘાસ છે. બાબાલોગ!

સુનિયે કિ ઘેટાને ખાસ, લીલું ભાવે છે ઘાસ! ડાબે કિનારે

છે તે ઘાસ છે. જમણે કિનારે છે તે ઘાસ છે. ઘાસમાં

ઊભો છે તે ઘેટો છે. છે તો એક ને ઊભો છે નદીની બેય

બાજુ. બેબીલોગ! જબરો છે મારો બેટો, બેય બાજુ ઘેટો.

બેય બાજુ ઘાસ, ભાવે છે એને ખાસ.

તે જેમણે કાંઠે લીલુંછમ ઘાસ જોઈ ડાબે કાંઠેના ઘેટાએ જે દડબડાટી

લગાવી કે સાંકડા પુલને અડધે તો આમ વટાવી દીધો ફડાક.

તે ડાબે કાંઠે લીલુંછમ ઘાસ જોઈ જમણે કાંઠેના ઘેટાએ જે દડબટાડી

લગાવી કે સાંકડા પુલને અડધે તો આમ વટાવી દીધો ફડાક.

એઈયઅઅ

ઘેટાને ભેટ્યો ઘેટો!

છેટો! છેટો છેટો છેટો!

તે ખરીઓમાં તણખલાં ચોટ્યાં છે.

ને શિંગડે શિંગડાં ઘોંટ્યાં છે.

શિંગડાંનો ભૂકો શહેરની સિમેન્ટ ફેક્ટરીઓમાં વપરાય તો

અકસીર છે ભરોસાલાયક છે ખાતરીપાતરી છે વાપરો વાપરો ને

શહેરનાં કૉંક્રિટનાં બિલ્ડિંગો બનાવો ધરતીકંપપ્રૂફ છે લાવારસ માટેના

સલામત સેફ્ટીના વાલ્વ કિફાયત કિમ્મતે નાખી આપીશું ટ્રેડ માર્ક છે

નકલિયા માલથી સાવધાન સાવધાન રહેજો એક ભાવ રસ્તામાં

એક ભાવ સાવ પવનોના એકાએક ભાવ

સાવ

એકાએક ભાવ

સાવ

એકાએક ભાવ, પવનોમાં સાવ

એકાએક જડે છે મને શહેર.

ઘેરી વળે છે તીવ્ર ગંધની ચણાતી રાતી દીવાલો ચોમેર ઊભી થઈ

અચાનક.

જ્યાં જ્યાં અડકું દીવાલોને

ત્યાં બની જાય એક બારણું. ઠાલું વાસેલું. બારણું બની

ઊઘડી જાય ભીંતો, ચોંકી

ચોંકી પેલી પાર તપાસું છું પવનોને, તો નવા થઈ ઊઘડી ગયેલા

બારણાની પેલી પાર દીવાલ, પાછળ પવન, દ્વાર, દીવાલ

નથી

કંઈ ખીલતું. નથી સડતું પવનોમાં.

છે

અડીખમ દીવાલો. લપટાં બારણાં. પ્રમત્ત પવનો.

નિરાંતે ઊઘડે છે ને વસાય છે નિરાંતે બારણાં આપોઆપ.

સફેદ બારણાં આપોઆપ પ્રગટે છે ને અલોપ થાય છે આપોઆપ.

ભીંતોમાંથી ભીંતોમાં થઈને ભીંતોમાં ભરમાઉં છું હું આપોઆપ.

ને એકાએક

ભેંકાર નિરાંતથી ઊઘડતાં ચટાયલાં સફેદ ને બીડાતાં નિરાંતે

સફેદ બારણાંઓનાં જડબાં હલાવતી, જાસકિયાં જડબલાં હલાવતી,

બેસલાખ ભીંતો, જડબે જકડે મને બારણાં બારણાં.

ચગળાઉં છું ચવાઉં છું વાગોળાઉં છું

ત્રિકાળમાં ધકેલાતો સ્થળોમાં સ્થળોમાં.

ભૂખી ભીંતો ભૂખ્યો શ્વાસ. ભૂખને એકે હોય નહી વાસ.

એને જાણે કે ખાસ

લીલું ભાવે છે ઘાસ. ઘાસ તો મળે ક્યાંથી?

તેથી શહેર

ખાતું નથી, શહેર પીતું નથી,

શહેર પવનોની પાળે, શહેર મરણોની ડાળે.

મરી ગયેલા સસલાવાળો ચાંજો ઊગ્યો છે એના ચોકમાં જી લોલ,

તેથી ગંધ તો મારે ને, મારા ભાઈયું!

જોકે ખરું પુછાવો તો

આપડને નથી ગમતું શહેર.

વરતાવે છે કાળો કેર.

શહેરનો ઢેકો

ઊને પાટલે શેકો.

ઢેકાની ઊડે ધાણી

તો સફ્ફાચટ્ટ ઉજાણી!

જ્યાફત. વનભોજન. પાલ્ટી-પાલ્ટી!

બે પાંચ દૈત્યો ભેગા કરી

(ને વચમાં વચમાં પરીઓ ખરી!)

ખતમ ખઈ જઈએ જરીએ જરી.

કુમળું પંખી નરમ મજાની દ્રાક્ષ ચાખવા ઊડે!

ખરા-જેવા ચીતરેલા ચિત્રની ખરા-જેવી દ્રાક્ષોના રસબસતા

નથી-રસને જોઈ

વાડ પર બેઠેલું પંખી ફેલાવતુંકને પાંખ ઊડે તરફ, ભોંઠું પડે...

— ના. વાત નથી.

આંગણામાં ચડાવેલા દ્રાક્ષના વેલાઓનો મંડપ

સૂરજના પ્રકાશમાં ઝગે છે લીલો, તરબોળ, મીઠો, સાચો,

તે એટેટલો લીલો, તરબોળ, મીઠો એટેટલો સાચો, કે

ઘરમાં ભીંતે લટકાવેલા ચિત્રનું ચિતરાયેલું પંખી

એને જુએ. ચિત્રમાં રુએ. તીણું ગાય.

ચિત્ર છોડીને ધસવા જાય.

રંખરેખનું જકડે જગત એને રૂંવેરૂંવે, રૂંવુંરૂંવું રંગરેખનું બન્યું,

રુવે પંખી તરસ્યું જુએ પાછી દ્રાક્ષ. ફંગ ફંગ ફંગોળાય.

છેવટ તીણે છેડે પાંખ તણાતી, પીઠ હવામાં હલબલતી,

આંખો ઇચ્છા, ચિત્ર છોડીને ફંગોળાતું હવે હવામાં, તત્પર

તત્પર, ચિત્ર છોડીને દ્રાક્ષ વીંટતા

નભમાં લગભગ

પગ!

એના પગ.

ચિત્ર પાસેની અળગી દુનિયામાં ઘસેલી એની કાયાને છેક છેડે હજીયે

સપાટી છોડી ચૂકેલા પગ ચિતરાયલા મટી શક્યા. તે જ.

સજીવ થઈ હલબલતા પંખીના

ચિતરાયલા મટી શકતા પગ

પર ચાલું છું હું શહેરમાં.

દેહ વડે કદાચ ઊડતો હોઈશ શહેરની બહાર.

તૂટું તૂટું કે ખેંચાઈ જઉં. આકાશે ઊંચકાઉં.

ચિત્રે ચુસાઉં આખે આખો.

એમ મન તો થાય ઘણુંયે ભાઈ, મારા સાયેબ, પણ જુઓ

પેલા આકાશમાંથી મરેલા સસલાના ભારે નીચે નીચે ઊતરતા

ચંદાને

સરવરપાળે ને આંબાની ઊંચી ડાળે હઠ પકડીને બેઠેલો

પોપટ જોઈ ગ્યો. પોતાના દોસ્તાર સસલાને મરેલો જોઈને પોપટ તો

કાળો

ધબ. પોપટ શેનો? હવે તો કાળું પંખી જ.

પંખી સૂનમૂન.

પારધી પ્રપંચી.

એક કાળું પંખી.

પંજો ઝાપટ મુઠ્ઠી બંધ પકડ્યું.

આખે આખા ભૂતકાળના જબરા જોરે જકડ્યું.

સલવાયા છે બે પગ, ખુલ્લી પાંખો, ફટ ફટકારે, કરડે,

મરડે ડોકી પીઠ, ભરડે ભીંસાયા બે બે પગ.

નીચીનીચી ખાઈઓમાં ખોદાતું ચાલ્યું આભ.

આકાશે પાંખો વીંઝતું જાય જાય જાય

મુઠ્ઠીમાં પગ તોય કશું કંઈ ઝંખી.

એક કાળું પંખી.

એક કાળું પંખી. ભિયા, પોપટ. હા, કેય કોઈ?

હું તને પ્રેમ કરતો અટક્યો તે પછી મેં જોયું છે કે

પ્રથમ સંકેત-મિલન વેળાએ તેં

મને આપી હતી, તે તારી તસવીર

માં તેં પહેરેલા રિસ્ટવોચના કાંટા

હવે નિયમિત ફરવા લાગ્યા છે તસવીરમાં.

તસવીરમાં ખીલેલું આપ્યું હતું તેં,

તે કરમાય લસ્ટીલું ફાઉસ્ટી પુષ્પ.

વળી તારા પગ કને કૂતરું બેઠું હતું

તે ધસમસભસભસાટ, શેતાન!

બાજુની નાની વાડ,

વધતી ચાલી આખરે સપાટી આખીને ઢાંકતી, ને

છબીમાં પથરાયલો દિવસ ઝાંખો થઈ

ઘડિયાળના રેડિયમથી ઝબકતી પડે છે ત્યાં રાત.

ત્યારે મારા ખંડમાં છો હોય બપોર,

છતાં મને આવે છે ઘેનમાં ઊંઘમાં સ્વપ્નમાં બપોર.

તેં છબીમાં આપી હતી તે

બપોર.

એક અને બીજી આ!

હવે, અરે, હું કઈ બપોરનો પાડીશ પડછાયો?

બપોરે બળી જાય.

એકમેકમાં ભળી જાય.

હા જોઈ છે,

બહુ જોઈ છે બપોરોને.

રાજમાર્ગ પર જતી બપોરિયા બસના પડછાયામાં

ખીલા ઠોકું હું

તો ત્યાં ને ત્યાં ખોડાઈ જાય ડબલડેકરો.

ઝળહળતા અરીસાની પાછળ રહી રતિ કરું

તો આયનાની આગળ કેશ સમારતી સુંદરીઓ ગર્ભવતી બની

જાય.

બપોર, પડછાયો, પ્રતિબિંબ, ફેર શો

એમની વચ્ચે?

રીતે જૂનમાં જન્મેલું આંઘળું આકાશ

પાતળી, લાંબી, કાંપતી, વરસાદી આંગળીઓનાં

સ્પર્શીલાં ટેરવાં જ્યારે

વિશ્વાસપૂર્વક લંબાવે છે, ત્યારે

શહેર

ડામર અને ફોરાંને સેળવીભેળવી

હાઈવે, બાયલેન, મેનરોડ, ફૂટપાથોની લીંટીઓ ભરી નાખીને

એક વાત

પોતાની વાત લખી નાખે છે બ્રેલલિપિમાં.

બ્રેલલિપિમાં ઊપસેલી વાત વાંચતું હોય છે, રીતે, ત્યારે જૂનમાં

જન્મેલા

આંધળાં આકાશનું મોં

વીજળીઓથી ભરપૂર છવાઈ જાય છે.

વહીવંચાઓ પોથાઓને દોરે વીંટી ચાલતા થાય.

મળશે મને વરસાદી ટેરવાં હજારો?

મળશે મને ઘનશ્યામ અંધતા એક?

મળનારને શોધ્યા કરું છું શરૂઆતથી શહેરમાં.

કમળ. ખડિયો. ગણપતિ. ઘડિયાળ. શહેરમાં,

શરૂઆતથી જ.

કમળ જેવો ખડિયો ઊંચકી ગાંડા ગણપતિએ ઘાયલ

ઘડિયાળમાં ઢોળ્યો.

લ્યા ગ્લોટિંબ ગ્લોટિંબ!

બ્લોટિંગમાં ચૂસાયાં એટલે ઘડિયાળો ઘબરાયાં લોલ.

ઘડિયાળો ઘબરાયાં એટલે રેડિયમ ચાંદા બૂઝ્યા લોલ.

રેડિયમ ચાંદા બૂઝ્યા એટલે સસલાંઓ શરમાયાં લોલ.

સસલાંઓ શરમાયાં એટલે શિંગડાંઓ ભરમાયાં લોલ.

ગોળ ઘૂમ્યાં શિંગડાં એટલે મેતાજી ગભરાયા લોલ.

મેતાજી ગભરાયા એટલે બારાખડ બદલાયા લોલ.

બારાખડ બદલાયા એટલે ગણપતિએ ખડિયામાંથી

ઘડિયાળ કાઢી કમળવત્ પેરી લીધું શરૂઆતથી જ.

ધમાલમાં લિપિ તે ક્યાંથી ઊકલે, ભઈલા?

અરે ચોપડિયાયે ખોવાઈ ગઈ મારી તો, ભઈલા.

બે ચોપડિયો ખોવાઈ ગઈ હતી.

પાછી મળી ગઈ મને.

એક બપોરે બે ને આડત્રીસે શેરીમાં જ.

આયનાનું બિંબ એક બાળક ફેંકતું હતું જ્યાં ત્યાં

તેમાં ઝડપાઈ ગઈ.

બીજી ચોપડી પણ મળી ગઈ રાત્રે.

કેટલાક વાગે.

સમયશીશીમાં ઊંટના અસવારોને ડુબાડતી આંધી ઊડતી હતી.

બાકીના અસવારો ઊંટના પેટમાં પાણીમાં ડૂબી મૂઆ.

મળી ગઈ મને ચોપડી તે વખતે, મારા સ્વપ્નના

ખરબચડા ડુંગરાની રતનઝળહળતી ગુફામાં.

પંખીના સફેદ વજનદાર ઈંડાના પીળી ઝાંયવાળા કોચલાને

પોતાની નવી ઊગેલી ચાંચથી ફોડી

જ્યારે બહાર આવતી હતી ત્યારે.

: મળી ગઈ બેય!

હવે મળી ગઈ બેય ચોપડીઓ મને!

પણ કઈ રીતે મેળવું બેને એકમેકને?

ક્યાં મેળવું? ક્યારે મેળવું? કોણ મેળવું?

અરે

ઘઝડધભ ઘઝડઘભ ઘઝડધભ ઘઝડઘભ

ગાંડા હાથીનું ટોળું ભમે છે મારી નસોમાં.

લમણાં ધબકે, ટેરવાં ફાટે, છળી ઊઠે છાતી.

મારું પગલે પગલું ભૂંસી પગલાં પાડે હાથી.

હાથી સોયને ઊંચકે હાથી કિલ્લાને રમઢોળે.

હાથી ચૌટે હાથી ચોરે હાથી પોળે પોળે.

આયનાઓનાં બારણાં આડું પોતાનું પ્રતિબિંબ

રાખી, હાથી ધસી આવતો-ઢિમ્બ!

ક્યાં છે હાથી? ક્યાં છે હાથી? ગોતો રે છાબડીમાં.

ક્યાં છે હાથી? ક્યાં છે હાથી? જુઓ મગરના જડબાની દાબડીમાં.

ક્યાં છે હાથી? અરે બરાબર બારણા પાછળ જુઓ.

ને શહેરમાં ભીંત. શહેરમાં બારણું. શહેરમાં આયનો.

બારણું તો બંધ.

ભાળી, હું તો કૂદી પડું આયનામાં પહેર્યે કપડે.

આયનો ભીંતે લટકે ને આયનો.

ભીંતોની પાછળ ક્યાંને ક્યાંય ભટકે.

આયના મારી આંખો માટે સરજે એક દુનિયા.

પચ્છમના સૂરજને પકડી લાવે પૂરબમાં ને આંખો તો ઝળાંહળાં.

આંખ કાજે આયનામાં રતાશ ને પીળાશ.

‘બાલમિત્ર’ની ઊંઘી લિપિ ઉકેલનારો આંખો માટે આયનો.

આયનામાં ઊંડાણ, ભીંત પાછળ ભ્રમણ.

આયનો તો અગાધ.

આયનામાં આંખો કરે ખુદ કાચનું અતિક્રમણ!

—આવાં આવાં સત્યો સર્જે ભલો આયનો

આંખો માટે, ત્યારે

સત્યોની સૃષ્ટિમાં સરવા માટે હું, હું હો,

મારી આંગળીઓ વડે અડકવા જાઉં સત્યોને.

ત્યાં તો મારો લંબાતો હાથ રોકવા અચૂક ધસે અંદરથી એક હાથ.

ને અડીખમ ભીંત થઈ ખડો થઈ જાય આયનો વચ્ચોવચ્ચ

સત્યોનો સંત્રી... વજર રહી જાય આયનામાં

હાથ રહી જાય

બહાર.

ટેરવાંની છાપ ઊપસે લીસા કાચ પર. ક્યાં?

હું ક્યાં?

મારી આંખ માટે સર્જાયેલા સત્યમાં

સર્જી ચૂક્યો છે મારા હાથ માટે વૈતથ્ય

આયનો!

બાબરી ઓળતો, લિપિ ઉકેલતો, સહુને બેવડાવતો આયનો!

આયનો!

સહુને બેવડાવતો, સહુને બેવડાવતો કોને?

કોને બેવડાવતો? આયનો.

મારા ક્રુદ્ધ હાથે શહેરમાંથી પકડીને અથડાવેલા

પથ્થરોમાંથી પ્રગટી ઊઠેલો તણખો,

આયને સરજેલા વિસ્તારમાં પહોંચી જાય. પછી

આપમેળે ફેલાય. બળી જાય. ઊનો પવન વાય.

બારણાં ભટકાય. વહીવંચાઓ પોથાઓને દોરે વીંટી ચાલતા થાય.

શહેર ક્યાંકથી પ્રગટે. બેવડાય.

2.

હું પસાર થયો જેમાંથી, શું હતું,

આયનો કે બારણું?

3. ડટંતર

વિક્ટોરિયા ટર્મિનસના તેરે પ્લૅટફૉર્મો પરથી સામટો

સહસા સેંકડો પૈડાંની ગડેટાડી કરતો

વીજળીની ડબલ ફાસ્ટ તેર ટ્રેનો થઈને

હું નાઠો છું જ્યારે જ્યારે

ત્યારે અચૂક

તેર શહેરો થઈ મુંબઈ વસી ગયું છે

તેર લોહ-પથોને પેલે છેડે.

વિશાળ છે શહેર.

શહેરમાં જગ્યાની તંગી ઘણી.

તે ઘણા માણસો મારી જેમ આયનાઓમાં રહે છે.

કહે છે :

પછી મને ખાજે. પછી મને ખાજે.

આયનાઓમાંના ખંડોમાં ચોપડીઓ હોય. કબાટ હોય. પેટીઓ હોય.

બારીઓ હોય.

ખોલતો નથી કદી હું એમને.

બહાર કદાચ શહેર હોય.

કદાચ હોય શહેર,

શહેર આયનાઓની હોવા-બારીઓની બહાર કદાચ હોય.

કદાચ હોય, હોય.

ને ખોલેલી બારીઓમાંથી જો

તે

આયનાઓની અંદર પ્રવેશે તો

ઓસરી જાય બહારથી આખુંયે શહેર,

જેને ઝીલીને તો ચોપડિયાળા, પેટિયાળા, બારિયાળા છે

ભર્યાભાદર્યા આયના!

ને જો ખોલેલી બારીઓમાંથી પ્રવેશે જો

આયનાઓમાં શહેર તો બહાર કંઈ રહેતાં

આયનાઓમાં ઝિલાયલું શહેર ભૂંસાઈ જાય, જો અંદર

પ્રવેશી ચૂકે આયનાઓમાં શહેર.

તેથી બારીઓ ખોલ્યા વગર રહું છું.

આયનાઓમાં વસી ચૂકેલા, ભૂંસાયલા

ક્યારેયે પ્રવેશ્યું નથી ખરેખર તો બારીઓમાંથી આયનાઓમાં

તેવા શહેરનો શહેરી છું.

મત આપું કર છુપાવું દાણચોરીનો માલ ઘુસાડું વેચી નાખું

હોશિયારીથી

નિકાસો કરું દીઠેલા આફ્રિકાઓમાં.

ને આયનાઓની સામે આઠ કે દસ ફૂટ દૂર

જે દીવાલ છે બહાર

તેને તાક્યા કરું અંદર રહ્યે રહ્યે.

તાકું કે મોં સામેની દીવાલ ખસે તો!

લો, ખસે પીઠ પાછળની દીવાલ આપોઆપ.

જરા મોકળાશ થાય

આયનાના વિસ્તાર માંહ્ય.

દીવાલ ખસેડવા લંબાવેલો હાથ ક્યાંક તો કાઢવો પડે બહાર

આયનામાંથી.

તો તોડવી પડે એની થોડીક પણ સપાટી.

ને આયનાની તૂટતાં સપાટી તૂટે પીઠ પાછળની દીવાલ

તો દીવાલનું ગાબડું કેમે કરે પૂરું?

હાથ વડે ધકેલેલી સામેની દીવાલ તો નક્કર

ને આયનાની દીવાલમાં જો પડે ગાબડું

તો ગાબડું કેમે પૂરું? ક્યે હાથે? ક્યો હું? કઈ દીવાલમાં?

અકબંધ દીવાલો પર લટકતા તૂટલા આયનામાં આવેલી

ઈમારતોની દીવાલોનાં ગાબડાંઓમાં થઈ

નાઠો છું ઘણી વાર, પણ જો

હું ભાગી છૂટું તો ક્યાં?

શહેરમાંના આયનાઓની તરાડો

ની સામેના

ભૂંસાયલા શહેરના ચમકતા આયનાઓમાં?

મને થાય.

આખા શહેરને અંધારામાં રાખી

મેન લાઇનનો ફ્યૂઝ બની હું ઊડી જાઉં.

પણ નિયંતાએ શહેરના ખડક પર

આકાશી વીજળીને વહેવા શક્તિમાન એવો તાર બનાવી

મને શાપે બાંધ્યો છે.

કોલાહલોના લંબાયલા ઉત્તુંગ ખડકોની ખાણોમાં

મેં ઠેરઠેર ઠાંસી રાખેલા સ્વકીય સંકેતોના ડાયનામાઇટો

વખતોવખત ફૂંફૂડતા ફાટે છે.

ત્યારે ઊછળતી શિલાઓથી

ઘવાતું નથી કોઈ.

હવે વ્યવસ્થિત હિજરત કરી ગયા છે લોકો પ્રદેશમાંથી.

અને ત્યાં

જાણીતાં પૂતળાં બની બેઠેલા

અજાણ્યા પથ્થરોથી ઘડાયું છે આ.

જ્યાં ચાલવાથી લીસી થતી ફૂટપાથો ટંકાવી લેવી પડે છે ચાલવા

માટે.

પેલા પાસેના ને આઘેના વિસ્તારોમાં

કોલંબસના ખલાસી થઈ ઘણીયે વાર

મારે જહાજ હંકારવું પડ્યું છે.

એક હલેસું ઔર લગાવતાં

ગબડી પડાશે હવે તો સમુદ્રનો છેડો આવતાં

આવકાશમાં,

એવો ભય ત્યારે મારી માંસપેશીઓને ઓગળી નાખે છે.

પણ,

ના, સમુદ્રનો છેડો છે નહીં, એવું

કોલંબસનું નિયત વાક્ય ત્યારે સંભળાય છે.

અરે, મને આશ્વાસન નથી મળતું.

મળે છે ભય.

આયનાઓના ખડકો વચ્ચે

આયનાઓનાં પાણી.

આયનાઓની પેલી સીમ

રહી ગઈ છેક અજાણી.

કોલંબસના જહાજ નીચે પાંચ નદીઓ વહે,

પાંચેમાં છે જુદાં પાણી, કોણ જઈ એને કહે?

ફંટાશે જે વાર પ્રવાહો ત્યારે મોરા-પૂતળું

એની લક્કડિયા આંખોથી શું જોશે બેબાકળું?

આવું હોવાથી

એરકંડિશન યંત્રોમાં ગાળી ગાળીને પીઉં છું,

પણ જીભ પર કડવું લાગે છે શહેર.

જોકે ફોર્ટની અનેક ગલીઓમાં ભૂલા પડી જવું બહુ દુઃખદ નથી.

ભૂલા પડી ભટકતાં એકમાંથી બીજે રસ્તે ચડી જવું. નો એન્ટ્રીના નાકે

પગ થોભી જતાં પગલાં થઈને આગળ ચાલ્યાં જવું ને ફૂટપાથો

પર ફેરિયા પાસે રસ્તામાં પગ ખરીદી દુકાનમાંથી ભરોસાપાત્ર ધડ

ખરીદી સ્પેર માથું ઉપર ચડાવી લઈ આગળ ચાલવું, કંઈ દુઃખદ

નથી.

ઇવન ડેટના પાર્કિંગોમાં ઓડ ડેટે પાર્કિંગ કરીએ એટલે થયું.

પૃથ્વીને સૂરજની ફરતે ફરવામાં કોઈ વાંધો આવે. નાડીઓ પર

રીસ્ટવોચો ધબકી શકે. દસ બાર ગલીઓમાં પગલાં થઈ આગળ

વધી જવાતાં છતાં ધડ ખરીદી સ્પેર માથું ઉપર ચડાવી આગળ વધી

શકાય.

4. ડટંતર નથી ડટંતર નથી એ.

પણ ફોર્ટની દસબાર ગલીઓમાં દસબાર થઈ ભટકતાં

જો ભૂલથી

વચ્ચેના એક અજાણ્યા

ચોકમાં

જ્યાં ગલીઓમાં પેલા ‘નો-એન્ટ્રી’ બરાબર લખેલા

કેટલાક છેડાઓ અહીં ‘એક્ઝિટ ઓન્લી’ એમ બબડીને

પડે છે,

પહેર્યે કપડે,

ત્યાં જો આવી પડાય તો,

ચોકમાં,

એકમેકની સામે તાકવું જરા દુઃખદ છે.

જરા દુઃખદ છે અજાણ્યા શાંત વિચિત્ર પંચકોણ ચોકને ખૂણે ખૂણે

ફોર્ટની ગલીઓનાં ઉજ્જડ નાકાંઓ પર ઊભા રહી અનેકમેકની સામે

સહસા આવી

જવાતાં તાકવું તે.

ત્યાં રંગહીણા સિગ્નલો અચૂક લયમાં ઝબક ઝબક થયા કરે છે.

ત્યાં ધીમેથી, બહુધા, ‘કિતના બજા!’ પૂછી છૂટા પડવું.

નાડીઓ પર ધબકતાં ઘડિયાળો મેળવી શકાય, નયે

મેળવી શકાય, ફેર પડે ત્યાં કશાથીય

જાણે કે.

ડિસેમ્બર, 1967

નોંધ :

1. ઈ. 1956માં ગુજરાતી ભાષાના ચતુર્વિધ લય સંવાદોને પહેલી પ્રક્રિયાથી એક કાવ્યમાં રચનાર કવિ ઉમાશંકર જોશીને મારું કાવ્ય અર્પણ.

2. આ સરરિયલ કાવ્ય છે. ચિત્તનિર્માણના સાતત્યથી ઈતર કોઈ સાતત્ય આમાં શોધવા જવું. ચિત્ત પણ ઓગણીસ મોઢા ઝુલાવતું. સાત સાત અંગ વિશેષોથી સંકુલ. અંતઃપ્રજ્ઞ અને સ્વપ્નના પીળી ઝાંયવાળા ઈંડાના રસમાં ડૂબેલું.

સ્રોત

  • પુસ્તક : ઓડિસ્યુસનું હલેસું (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સર્જક : સિતાંશુ યશશ્ચંદ્ર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2009
  • આવૃત્તિ : 2