દલપતરામ
Dalpatram
રાણી વિક્ટોરિયાના રાજ્યમાં;
વિદ્યા રૂપીરે, રૂડો રસાળ, સાહેલીરે આંબો મોરિયો;
આંબો રોપાયો મુંબઈ શહેરમાં; દેશદેશમાંરે, ફેલાઈ ડાળ, સાહેલીરે...
શાણા સાહેબ લોકે તે સીંચિયો; ફુલ્યો ફાલ્યોરે, ઘેર ગંભિર, સાહેલીરે;
એનાં પત્ર ઘરો ઘર પ્હોંચિયાં, દેખી હરખ્યારે, ઉમદા અમીર, સાહેલીરે...
ફુલ સરસ સુધારાનાં પ્રગટિયા; રસ એનોરે, જ્ઞાન ગણાય, સાહેલીરે;
ભાગ્યશાળી જનો તેના ભોગિયા; તે આરોગીરે, આરોગ્ય થાય, સાહેલીરે...
સુખ ઉપજે વિશેષ શ૨ીરમાં; બહુ બુદ્ધિરે, પ્રગટે પ્રચંડ, સાહેલીરે;
તોડે આળસ હોય જે અંગમાં; અતિ આપેરે, જ્ઞાન અખંડ, સાહેલીરે...
આંબો અચરજકારી એવો થયો; વધ્યો દેશમાં રે, દીસે વિશેષ, સાહેલીરે;
એની છાયા શીતળ શુભ છે સદા; એતો જનનારે, કાપે છે ક્લેશ, સાહેલી...
પત્રે પત્રે દીવા દીસે પ્રગટિયા; તેતો ટાળેરે, ઉર અંધકાર, સાહેલીરે;
અજવાળું થયું આખા દેશમાં; સમજાયુંરે, સાર અસાર, સાહેલીરે...
સખી જોને તું આજ સંસારમાં; તેના ફળથીરે, થયો ફેરફાર, સાહેલીરે;
થઈ સડકો ને રસ્તા રૂડા થયા; ઘણી વિદ્યારે, વધી ઘેર ઘેર. સાહેલીરે...
દવાખાનાં નિશાળો થઈ ઘણી; સારી પુસ્તક રે, શાળા સ્થપાઈ, સાહેલીરે;
આવ્યા સાંચા વસ્ત્રો વણવાતણા; પાઠ પોથિયો રે, છબિયો છપાઈ, સાહેલી...
રાજકુંવરો રૂડી વિદ્યા ભણ્યા; શીખ્યા શીખ્યારે, નિર્મળ ન્યાય, સાહેલીરે;
અજવાળું આંબાનું પડ્યા થકી; શાણા સજ્જનરે, પરદેશ જાય, સાહેલીરે...
આંબો ઈશ્વરે આપણા દેશને, કૃપા કરીને, બક્ષીસ કીધ, સાહેલીરે;
જેથી સુખ સંપત્તિ સર્વ જામશે, નિશ્ચે મળશે રે, નવી નવ નીઘ, સાહેલીરે...
આંબો જેણે વિવેકથી વાવિયો, એને આપિયે રે, ઉરથી આશિષ, સાહેલીરે;
આંબો રે'જો જુગો જુગ જીવતો, ડાળો વધજોરે, વળી દશે દીશ, સાહેલીરે...
એવા આંબાનો રસ જેણે અનુભવ્યો, તે તો કરશેરે, ઉત્તમ કામ; સાહેલીરે;
એવા જનને જગતમાં જોઈને, દીલે રીઝશેરે, દલપતરામ, સાહેલીરે...
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 137)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
