દલપતરામ
Dalpatram
(ઉપજાતિ વૃત્ત)
સીતાસતી શોચતિ જે સમામાં, અશોક નામે વન પિંજરામાં;
ન નાસવાનો અવકાશ આવે, દશાસ્ય માંજાર દિલે ડરાવે.
ફરે હરે ત્યાં ફળ ફૂલ ખાઈ; મુખે ન લે અન્ન અને મિઠાઈ;
તપોવને જેમ તપસ્વી તાપે, જીભે જગત્પાલક નામ જાપે.
દિઠો સિતાએ સુડલો સ્વદેશી, સુબોલ બોલ્યો તરૂ શીશ બેસી;
સમે વિચારી શબદો સુહાતા, જરૂર બોલી જનકાત્મ જાતા.
અરે સુડા હું અરજી ઉચારૂં, મટાડ મોટું દુઃખ દેખી મારૂં;
પિયુ વિનાની પરિપૂર્ણ પીડા, કરે દિલે દંશન જેમ કીડા.
વિહંગ સર્વે વર્ષાદ કાળે, વસે કુટુંબી મળી એક માળે;
વસે વિદેશે તજી નારિ નાની, કહો સુડા તે કહું રીત ક્યાંની.
અરે સુડા ઉત્તમ અંગ તારૂં, કહું તને તે કર કામ મારૂં;
વિદેશમાં વલ્લભ જે વસ્યા છે, ઠગી મને ત્યાં થિર થૈ ઠસ્યા છે.
છમાસમાં આવન આશ આપી, તકે ગઈ તે ન મળ્યા તથાપિ;
વિજોગની પીડ વિશેષ વ્યાપી, જતા નથી પ્રાણ તથાપિ પાપી.
હવે જઈ તું પ્રિય નાથ પાસ, પિડાતણી વાત પુરી પ્રકાશ;
તમો વિજોગે તરૂણી તપે છે, પિયુપિયુ જાપ જીભે જપે છે.
કદી કળાપો મનમાં કરે છે, કદી અતીશે દુઃખ ઉચ્ચરે છે;
કદી વધી જાય વિજોગ જ્વાળા, બળીબળી બોલ બકે સુબાળા.
અરે કરે શું અબળા બિચારી, અગાધ લજ્જા જળમાં ઉતારી;
વદી શકે કેમ મુખેથી વાણી, મરે બિચારી મનમાં મુઝાણી.
અપંખ અંગે અકળાય એવી, શુકી પડી પિંજરબંધ જેવી;
ઉપાય એકે ઉરમાં ન આવે, મનોરથો થૈ મનમાં સમાવે.
વિજોગના વાસર કેમ વીતે, રહે સદા ચિંતવતીજ ચિતે;
ભૂખી મરે ભોજન કેમ ભાવે, અધીરતા તો ઉભરાઈ આવે.
જુએ વળી જ્યાં જલદાભ્ર જાતે, રહે નહીં કષ્ટ કશું બકાતે;
કહે વળી વાદળીને કહું કે, મને ઉપાડી પિઉ પાસ મૂકે.
પિયુ વિજોગે વધી પ્રૌઢ પીડા, કહી શકે શું નહિ બાળક્રીડા;
વળી વિશેષે વિજળી ઝબૂકી, મનોજ તેં કાળમણા ન મૂકી.
વિલાસ તે જ્યાં વિજળી કરે છે, સમીપ સ્વામિ સુખ સૌ સરે છે;
વિજોગણી કેમ સહે વિલોકી, રૂચી રૂદેની ન રહેજ રોકી.
તથા વળી મેઘધનુષ તાણ્યું, જરૂર તે કામધનુષ જાણ્યું;
દયા તજી મન્મથ માર દેશે, વિજોગણીનો ઝટ જીવ લેશે.
મયૂર તેવી તક માંહી બોલે, ફરી ફરી કાળજડું જ ફોલે;
ઉઠે શુણી અંતર માંહી ઝાળ, કટારના ઘાવ થકી કરાળ.
સમુદ્ર સામી સરિતા વહે છે, સ્વનાથનો સંગ ચિત્તે ચહે છે;
વિજોગણી સ્ત્રી વરસાદ વારે, વિલોકિને ધીરજ કેમ ધારે.
દિલે દિવાનાથ દયાળુ દીસે, અયોગ્ય દેખી ન શકે અતીશે;
ઉપાય એનાથી બની ન આવે, સ્વવક્ત્ર તે વાદળમાં છુપાવે.
વિજોગણીયો વરસાદ લાગે, કરી સ્તુતી કંથ મિલાપ માગે;
યથા અદાતા સુણિને કવીતા, તથા છુપે વાદળમાં સવિતા.
પ્રવાહ ને નાસ્તિક બોધ ગ્રંથો, સુપંથના જેમ કરે કુપંથો,
પ્રવાહ આંસુ દૃગથી પડે છે, સુધૈર્યના મારગને નડે છે.
વળી વિલોકી વનવાળિ વેલી, તરૂતણે કંઠ તટે મળેલી;
વિજોગણી ઉરવિચાર આવે, મને પિયુ આમ લઈ લગાવે.
દયા હવે તો દિલમધ્ય લાવો, હવે ઘણી થઈ ઘર તર્ફ આવો;
સુવાક્ય એવાં પિયુને સુણાવી, સ્વધામમાં લાવ સુડા મનાવી.
વિજોગણીના દુઃખકેરિ વાણી, વિશેષ સંક્ષેપ કરી વખાણી;
સુદંપતી કારણ છંદ આ મેં, રૂડા રચ્યા છે દલપત્તરામે.
શબદો - વચનો, અપંખ - અપંગ, શુકી - પોપટની માદા, જલદાભ્ર - વર્ષાદની વાદળી, કામધનુષ - તે તો સ્મરચાપ, દિવાનાથ - સૂર્ય, સ્વવક્ત્ર - મુખ
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 73)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
