દલપતરામ
Dalpatram
સ્વસ્તિ શ્રી પુરી લંકા સોહામણી, જ્યાં રાજે છે જનકકુમારી;
પ્રીતમ લખે પ્યારીને.
રહો અખંડ એવાતણ તમતણું, એવી આશીષ વાંચો અમારી. પ્રીતમ...
ગોરી દૈવના જોગે જુદાં પડ્યાં, પણ પ્રાણ મારા તુજ પાસ;
બેસું બાગ બગીચે કે બંગલે, રહું તમ વિના અધિક ઉદાસ. પ્રી...
તારો સ્નેહ ઘડીએ ઘડી સાંભરે, તારો ભાવ ભુલ્યો કેમ જાય;
તારા હેતથી હૈડું ભરાય છે, તે તો લેખણથી ન લખાય; પ્રી...
મારે અર્થે તમે બાળાપણ થકી, તજ્યો સઘળો પીયર પરિવાર;
મારાં લેશ વચન નથી લોપીઆં, નથી કોપીઆં કદીયે લગાર. પ્રી...
તારી નમ્રતા અમ્રતથી ગળી, વળી શોભીતો શાંત સ્વભાવ;
જેથી મનની ઉદાસી તરત મટે, તારા બોલનો એવો બનાવ. પ્રી...
ગોરાદે તારા ગુણ કેમ વીસરે, કેમ વીસરે વાલપ ભર્યાં વેણ;
હેતે હસતું વદન તારું વિનતા, મારાં નિરખવા તલખે છે નેણ. પ્રી...
દિવસે તુજ વિના દીલમાં ગોઠે નહીં, પીવું પાણી કે જમવું અનાજ;
રાતે રોઈ રોઈ આંખો રાતી થઈ, લોક પૂછે તો આવે લાજ. પ્રી...
ગોરી મનમાં ધીરજ ધરી રાખવી, કાલે ભાગશે ભવના વિજોગ;
જેથી રીઝે આપણને જગતપતિ, એવો અહોનિશ કરવો ઉદ્યોગ. પ્રી...
જે જે વ્રધ પાડોશીયો શુદ્ધ છે, તેને પ્રીતથી કહેજો પ્રણામ;
વિભીષણ મારા મિત્ર પવિત્રને, કહેજો જરૂરનું હોય જો કામ. પ્રી...
જોઈતી વસ્તુ જરૂર મંગાવજો, કશી વાતે મુઝાશો ન મંન;
કાલે દેખીશું દિવસ આનંદના, જાશે વીસરી આ દુખભર્યા દંન. પ્રી...
જે જે પ્યારી તમારી સાહેલીયો, તેને પણ મારા કહેજો જુહાર;
સાસુ સસરાની આશીષે સુંદરી, મળશું ભામની ને ભરતાર પ્રી...
વધે સ્નેહ ને સંપ સુજન સાથે, તેવી તનમન રાખજો ટેવ;
અમે થોડી અવધે હવે આવશું, એમ દલપતરામનો દેવ; પ્રીતમ...
એવાતણ = હેવાતન; જે જે વ્રધ પાડોશીયો શુદ્ધ છે = વૃદ્ધ પાડોશીઓ શુદ્ધ હોય જે
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 71)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
