sitajina kagalanun ghol - Dhol | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સીતાજીના કાગળનું ઘોળ

sitajina kagalanun ghol

દલપતરામ દલપતરામ
સીતાજીના કાગળનું ઘોળ
દલપતરામ

સ્વસ્તિ શ્રી શુભ સ્થાન સોહામણું જ્યાંહે રાજે સદા રઘુનાથ;

કાગળ લખે કામની.

લખે લંકા થકી સીતા સુંદરી, હેતે વંદે જોડી જોડ હાથ. કાગળo

પત્ર આવ્યો તમારો પ્રીતિ ભર્યો, વહાલા વાંચી થયો વીશરામ;

પણ જીવને તમથી જુદાં પડે, ઘણા દિવસ થયા ઘનશામ. કાo

માટે મળવાને મન અકળાય છે, ઘડીએક તે જુગ જેવી જાય;

મારાં નેણનાં નીરથી નાથજી, સુતાં રજનીમાં સેજ ભીંજાય. કાo

ઘેર ચાલો હવે તો ઘણી થઈ, નહીં તો જીવડો જાશે જરૂર;

દૈવે પાંખો આપી હોય પિંડમાં, ઉડી આવું દેશાવર દૂર. કાo

વાહાલા નિત્ય નવી વારતા વાંચીએ, જેથી પામીએ પૂરો પ્રમોદ;

ચતુરાઈના ચોજ હું ચાળવું, આવી વિદ્યાના કરીએ વિનોદ. કાo

તાંબા કૂંડી ઊંડી રૂડી ઓપતી, ભાવે ભરૂં માંહી નિર્મળાં નીર;

બેસજો બાજોઠે ચડી મારા ચોકમાં, સ્વામી નવરાવું ચોળી શરીર. કાo

કરૂં સરસ રસોઈ રૂડી રીતથી, પ્રીતે પીરશીને બેસું હું પાસ;

એવા દીવસ તે કેંદી દેખાડશો, ક્યારે અંતરની પૂરશો આશ. કાo

સ્વામી તમ વિના પીયર ને સાસરું, સુનો લાગે છે સઘળો સંસાર;

મારા માથાથી મોંઘા પ્રભુ તમે, મારા આતમના છો આધાર. કાo

આવે પરવના દિન સુખ સર્વને, હું તો શોકે ઉદાસી સદાય;

ગાજે મેઘ ને દમકે જો દામની, આખી જામની જંપ થાય. કાo

હું તો સુની દેખું સુખ સેજડી, ખાલી મંદિર ખાવાને ધાય;

ભરી વસ્તી ઉજડ જેવી ભાસે છે, એક તમવિના ત્રિભુવનરાય. કાo

વાહાલા હું તમને કેમ વીસરી, કેમ વીસર્યું દાદાનું વતન;

પત્ર વાંચીને વેહેલા પધારજો, સ્વામી શરીરનાં કરો જતન. કાo

કોઈને દુખીયાં દેખીને દુઃખ પામતા, તેવી નાથ તમારી છે ટેવ;

આવે અવસરે કેમ કઠણ થયા, તમે દલપતરામના દેવ; કાo

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 114)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008