રામ તથા લક્ષ્મણ વનમાં જતાં સીતાને રામે કહેલું
Ram tatha lakshman van ma jata sitane rame kahelu
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
('મામેરું મોંઘા મૂલનું' - એ રાગ)
રામ લક્ષ્મણ વનમાં સીધાવતાં, સતી સીતાને આવતાં સાથ;
કહે રઘુનાથ, પધારો પીયર ભણી.
નહીં તો અહીં રહો સાસરાના રાજમાં,
હેતે હળી મળી સાસુ સંગાત; નહીં તો જોડી હાથ. પધારો...
અમે વસ્તીમાં નહીં વસીએ વનિતા, અમે કરશું જઈ વનવાસ,
તમો પામો ત્રાસ; પધારો...
સાથે રથ કે ઘોડું નહીં રાખીએ, નહીં રાખીએ દાસી કે દાસ;
કોઈ અમ પાસ. પધારો...
તમે કોશનો પંથ કીધો નથી, ચરણે ચાલવાથી પામો થાક;
લીટી ખેંચો નાક; પધારો...
અમે વનફળ ખાઈ ખુશીમાં રેહેશું, કોઈ દિવસે તો કેવળ શાક;
વિના લૂણ પાક. પધારો...
વનમાં નથી મંદિર નથી માળીયાં, નથી પોઢવા કાજ પલંગ;
રંગિત નવ રંગ; પધારો...
કરશું ઘાસ કે પાનની ઝૂંપડી, સુવા સાથરો તે ખુંચે અંગ;
એમાં શો ઉમંગ. પધારો...
વનમાં હીરનાં ચીર તો નહીં મળે વનમાં નહીં મળે ફરતાં ફૂલેલ
કે તેલ ધુપેલ; પધારો...
વનમાં નહિ મળે શાણી સાહેલીઓ, કરશો કો સંગે ખાંતથી ખેલ;
ઉમંગ ભરેલ. પધારો...
ઉષ્ણકાળે વાશે ઉના વાયરા, એવું દેખીને થાશો ઉદાસ;
જ્યારે જેઠ માસ; પધારો...
વરસે મેઘ ને ઝબકશે વીજળી, તેવે ટાણે તો તરુ તળે વાસ;
નહીં છત્ર પાસ. પધારો...
વનમાં ઘાતકી રહે છે રાક્ષસ ઘણા, ચારે તરફ ફરે બહુ ચોર;
જેનું ઘણું જોર; પધારો...
વનમાં વાઘ વરૂ ને વાંદર જેવાં, ઘણાં વિચરે જનાવર ઘોર;
બચે નહીં ઢોર. પધારો...
મોટા પર્વત દેખીને માનની, તમે નજરે જોયા નહિ જાય;
દીઠે ખાવા ધાય; પધારો...
તમે રાજકન્યા કાયા કોમળી, વનવાસનાં દુઃખ ન વેઠાય;
કાયા કરમાય. પધારો...
ઘરમાં અંધારું દેખી ડરો ઘણાં, નથી નિસર્યાં કદી ઘરબાર;
છો નાજુક નાર; પધારો...
તમે છોટી ઉંમર વર્ષ સોળનાં, નથી સંકટ વેઠ્યાં લગાર;
તમે કોઈ વાર. પધારો...
પરણી આવીને પીયર ગયાં નથી, તમને મળવાને ઇચ્છે છે માય;
ચોંપે ચિત ચાય; પધારો...
રાજા જનકજી તમને ઝંખે ઘણું, તેના સંદેશા આવે સદાય;
તેડાં પાછાં જાય. પધારો...
ભાત ભાતનાં ભોજન ભાવતાં, તમને મોકલશે મહીપાળ;
પુરાવીને થાળ; પધારો...
અમે અવધે ફરી જ્યારે આવશું, લેશું પ્રેમે તમારી સંભાળ;
ત્યારે તતકાળ. પધારો...
રૂડી મિથિલાપુરી મનમાનતી, તેમાં પામશો પરમ વિરામ;
છે બાપનું ગામ. પધારો...
ગોરી તમને ગમે તેમ હું કરૂં, એમ દલપતરામનો શ્યામ;
કહે રાજારામ. પધારો...
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 67)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
