Pachhi sitaji bolya - Dhol | RekhtaGujarati

પછી સીતાજી બોલ્યાં

Pachhi sitaji bolya

દલપતરામ દલપતરામ
પછી સીતાજી બોલ્યાં
દલપતરામ

એવું સાંભળીને સીતાજી કહે, સુણો સુંદર શ્યામ સુજાણ;

પ્યારા મારા પ્રાણ, સાથે રાખો સ્નેહથી;

જુદાં પડવાની વાત વાલા કહો, તે તો બોલ લાગે તીખા બાણ;

રઘુકુળ ભાણ. સાથે...

સ્વામી જ્યાં તમે ત્યાં ઘર માહરું, તમથી વેગળી તે પરદેશ;

હું જાણું હમેશ; સાથે...

તમે જોગીનો વેશ જો ધારશો, તો હું જોગણનો ધરું વેશ;

જટા કરું કેશ. સાથે...

સ્વામી તમે રે સુખી તો સુખ માહરે, તમે દુઃખમાં તો દુ:ખ મારે દેહ,

એમાં શો સંદેહ; સાથે...

જે કોઈ પરણ્યા પછી રહે પીયરમાં, અવતાર બળ્યો ધિક એહ;

મુઆ જેવી તેહ. સાથે...

સ્વામી તમ વિના મંદિર ને માળિયાં, ભાસે પર્વત મોટા સમાન;

વસ્તી તો વેરાન; સાથે...

મહાવનમાં વસ્તી ભરી ભાસશે, જ્યારે પામીશ દરશનદાન;

કૃપાના નિધાન. સાથે...

સાસુ સસરો ને માતપિતા સઉ, ભલે જીવો કરો રૂડાં રાજ;

મને મહારાજ; સાથે...

સ્વામી શું કરું ભાઈ ભોજાઈને, સ્વામી શું કરું સૈયર સમાજ;

કેનું નથી કાજ. સાથે...

સાચું સગપણ જગમાં સ્વામીતણું, બીજો સ્વારથી સઘળો સંસાર;

કુટુંબ પરિવાર; સાથે...

મારાં લાડ પાળણ તમે લાલજી, બીજો નથી આંસુનો લોનાર;

કે એકે આધાર. સાથે...

કાયા પ્રાણથકી જો જુદી રહે, તો હું તમથી જુદી પડી છેક;

જીવું તજી ટેક; સાથે...

જો કોઈ જળથી જુદી પાડી માછલી, રાખો દૂધમાં કરીને વિવેક;

જીવે પળ એક. સાથે...

તમે સુખના સાગર રહો વેગળા, પછી શું કરું રાજ ને પાટ;

હવેલીના ઠાઠ; સાથે...

મને હીરનાં ચીર ગમે નહિ, મને ગમે ઘરેણાંના ઘાટ;

મટાડો ઉચાટ. સાથે...

હું તો તમને દીઠે થાઉં દેખતી, અણદીઠે તો આંધળી ભીંત;

જનમની રીત; સાથે...

મેં તો સ્નેહ તોડ્યો સર્વ લોકથી, બાંધી તમ સંગે પૂરણ પ્રીત;

ચોરાયું છે ચીત. સાથે...

જમવું જીવન તમથી જુદાં પડી, હોય વિધવિધનાં પકવાન;

તે વિખનાં નિશાન; સાથે...

કરીએ ભોજન તમ સંગે ભાવથી, હોય કેવળ શાક કે પાન;

તે મેવા સમાન. સાથે...

પડશે તડકા ને તાપ વૈશાખના, તે તો જાણીશ ચંદ્રપ્રકાશ;

રહી તમ પાસ; સાથે...

મુજને મેલી જો પંથે પધારશો, આવી મળવાની ધરશો આશ;

નિશ્ચે પામું નાશ. સાથે...

કરતી વાત ઢળી પડી ધરણીએ, નારી જાનકી થૈને નિરાશ;

કહે લેતી શ્વાસ; સાથે...

દયા કરી દેવ દલપતરામને, સતી સીતાને દેખી ઉદાસ;

જતાં વનવાસ, સાથે રાખ્યાં સ્નેહથી.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002