matrustavan - Dhol | RekhtaGujarati

જ્યારે હું હતું પશું અજ્ઞાન રે,

નહોતું ખાન કે પાનનું ભાન રે;

ત્યારે કોણ મારી સારી સંભાળ,

કરતું ધરી વા'લ? તે તો તું માવડી...

કોણ ઊંઘતું હેતે ઊંઘાડીને,

કોણ અંગનું હીર ધવડાવીને;

થતું હુંથી અધિક પ્રસંન,

પોતાને મંન? તે તો તું માવડી...

માથું મારી, ઉછાળી હું લાતરે,

ધાવું તેમ તેમ થઈ રળિયાતરે;

કોણ મીઠડાં લેતું મુખ,

પામી મહા સુખ! તે તો તું માવડી...

મને કોણ ઉઠાડી બેસતું?

મને કોણ રિઝાવી રમાડતું?

કોણ ગાતું ઊંઘાડવા ગીત,

પ્રફુલ્લિત ચિત્ત? તે તો તું માવડી...

જરા માથું દુખે કદી માહરું,

કોણ ચોંકી થતું દેખી બ્હાવરું?

કરી કરીને કડવા કવાથ,

પીતું ખુશી સાથ? તે તો તું માવડી...

કોણ શીખવતું બોલતાં ચાલતાં,

કોણ ક્હેતું મનહર વારતા;

દીઠા દા'ડી અસંખ્ય દોષ,

તોયે કર્યો રોષ. તે તો તું માવડી...

તારા પ્રેમના પાર પમાય ના,

તારાં કર્યાં તે–કોએ કરાય ના;

અરે તેં મળમૂત્ર અથાગ,

વહ્યાં લહ્યાં ભાગ્ય! ધન! ધન! મારી માવડી...

તારો પાડ શું વાળું વળાય ના,

મૂકી માથું ખોળામાં હું માયના;

બોલું નવલ ગગળો થઈ વાણ,

“તારું છે કલ્યાણ, જય! જય! મારી માવડી...

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 146)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ