lutaya vishe - Dhol | RekhtaGujarati

લુટાયા વિષે

lutaya vishe

નરભેરામ નરભેરામ
લુટાયા વિષે
નરભેરામ

ધરમે ધોળાં નિત્યે ગાઈએ, ડાકોરવાળો ડાહ્યો વ્હાલા;

આંબા તળેથી બે જણ ઊઠ્યા, બ્રાહ્મણ દેખી ધાયો વ્હાલા.

'ઊભો રહે અલ્યા બ્રાહ્મણ તું તો' ત્યારે લાગી બીક વ્હાલા;

જુગત કરીને જોડો લીધો, ઠાકોર રે છે ઠીક વ્હાલા.

'ભાંજ આપને ભાંજ આપને,' એવું આવી કહે છે વ્હાલા;

અચરજ સરખું મુજને ભાસ્યું, લૂગડાં તો ઝટ લે છે વ્હાલા.

પાઘડીને પહેલી લીધી, માથું કરિયું બોડું વ્હાલા;

હીંડી હાલી ઠાકોર આવ્યા, પાસે નહોતું ઘોડું વ્હાલા.

દોટીમાં શું એવું કહીને, પછેડી પણ લીધી વ્હાલા;

જૂનાં લઈને નવાં આપશે, કૃપા હરિએ કીધી વ્હાલા.

જે જોઈએ તે માગી લોને, ના કહ્યાનો નેમ વ્હાલા;

હાથપગને દોરી તુંબડી, રહી છે કુશળ ખેમ વ્હાલા.

ચોખાનીનો કકડો પહેર્યો, સર્વે દાન કરીને વ્હાલા;

ઉમળકો આણીને સોંપ્યું, નરભે તો હરિને વ્હાલા.

જૂનાંપૂનાં વસ્તર મારાં, લાજ રહી તે માટે વ્હાલા;

રામકૃષ્ણ ગોર્વિદ કરતા, ચાલ્યા ઊભી વાટે વ્હાલા.

લોક મળે તે એવું પૂછે, કહે બ્રાહ્મણ ક્યાં લૂંટ્યો વ્હાલા;

જીહ્વા મુખમાં સાજી છે તો, છોગાળોજી ત્રૂઠ્યો વ્હાલા.

નાને ભડકે દિવાળી ને, મોટે ભડકે હોળી વ્હાલા;

જન નરભાનાં વસ્તર લીધાં, લોક કહે છે કોળી વ્હાલા.

પણસોરાને ચોરે આવ્યા, ખબર કરી છે ખાંતે વ્હાલા;

બ્રાહ્મણ પટેલ દેસાઈ કહે, 'ભગત રહો નિરાંતે વ્હાલા.'

દ્વારકાં દેસાઈને જોરે, ભાઈએ કરિયું જોર વ્હાલા;

'દો રણશિંગ વહાર કરોને, ઝાલી લાવો ચોર વ્હાલા.'

નરભો કહે એવું નવ કરવું, સમજાવ્યા નિરવાણ વ્હાલા;

નિત્યે પૂનમે મારે જાવું, ખોશો મારા પ્રાણ વ્હાલા.

પછેડી તો તુર્ત મગાવી, હાથ ભરીને લીધી વ્હાલા;

જૂનાં લઈને નવાં આપ્યાં, કૃપા હરિએ કીધી વ્હાલા;

બે ચાર દિવસ જો રહો તો, બાજરી લખાય વ્હાલા;

જન નરભાને હેતે રાખ્યો, ગુણ હરિના ગાય વ્હાલા.

પાંચે દિવસ કીરતન કરિયાં, બાજરી થૈ મણ બાર વ્હાલા;

વેઠિયાનાં મન દુખાયાં, નરભે મેલ્યો પાર વ્હાલા.

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941