popatni udhras - Comic | RekhtaGujarati

પોપટની ઉધરસ

popatni udhras

શ્યામલ મુનશી શ્યામલ મુનશી
પોપટની ઉધરસ
શ્યામલ મુનશી

બંનેના જુદા રંગ છે, બંનેના જુદા હાલ છે,

પીંજરમાં પોપટ લીલો છે, ખુરશીમાં પોપટલાલ છે.

પોપટલાલ નથી માળામાં, ફ્લેટના પહેલા માળે છે,

વર્ષોથી તે નવા નવા લીલા પોપટને પાળે છે.

પોપટલાલ લીલા પોપટ જેવા એવરગ્રીન છે,

છેલ્લો પોપટ લાવ્યા છે ત્યારથી થોડા ગમગીન છે.

ખુરશીમાંનો પોપટ બસ એક વાતથી મૂંઝાય છે,

પીંજરમાંનો પોપટ આખો દિવસ ઉધરસ ખાય છે.

વારેઘડીએ લીલો પોપટ જોરથી એટલું ખાંસે,

લાલ પોપટ લીલા પોપટને લઈ ગયો ડોક્ટર પાસે.

ડોકટર: આવો આવો પોપટલાલ આવો, કંઈ સુધારો છે?

પોપટલાલ: ના સાહેબ, લાલને છોડો, આજે તો લીલાનો વારો છે.

પોપટ ભલે નવો છે, સાવ તાજો છે ને લીલો છે,

આવ્યો ત્યારથી ઉધરસને કારણે થોડો ઢીલો છે.

આની પહેલા પોપટને હતા બાપ ને દાદા,

'મીઠ્ઠુ મીઠ્ઠુ' બોલતા, નો'તા ક્યારેય પડતા માંદા.

પોપટની હમણાંની નવી જનરેશન છે,

ખોંખોંખોંખોં કરે છે, કોઈ વિચિત્ર ઇન્ફેકશન છે.

દાદા જેમ હસી ને સૌને પ્રણામ કહેતો નથી,

ઘેર આવતા મહેમાનોને સીતારામ કહેતો નથી.

ડોક્ટર: પોપટલાલ, તમે પોપટ છો, પણ પોપટ તમારું નામ છે.

બધા પોપટની દવા કરવી ક્યાં મારું કામ છે?

પહેલીવાર પોપટ આવ્યો, બાકી માણસો આવે છે,

હું માણસનો ડોક્ટર છું ને મને માણસો ફાવે છે.

પોપટલાલ: સાહેબ, મામૂલી ઉધરસ છે,આ ક્યાં કોઈ રોગ હઠીલો છે?,

એમ માની લો કે આજે પોપટલાલ લીલો છે.

વજન સહેજે ઘટ્યું નથી, એકદમ ભરાવદાર ગાલ છે,

લોહી ઓછું લાગતું નથી, ચાંચ ખાસ્સી લાલ છે.

તીખું તળેલું બંધ છે, મરચું પણ ખાવા આપતા નથી,

પોપટના પ્યાલામાં ઠંડુ પાણી પણ અમે રાખતા નથી.

વારેવારે ગરમ પાણીના કોગળા અમે કરાવીએ છીએ,

રાતે એના કાંઠલા પર વીકસ બપોરે લગાવીએ છીએ.

નથી રહ્યો ડાળીનો, થઈ ગયો છે જાળીનો.

નથી આંબાની ડાળે, કે સરોવરની પાળે,

નથી હવે ગગનમાં, છે ફ્લેટના માળે.

પાંખો એની નામની છે, ક્યાં એના કામની છે?

આપણી જેમ ઘરમાં છે, હવે પીંજરમાં છે.

કુટુંબનું એક અંગ છે, ક્યાં હવે વિહંગ છે?

તમે ફેમીલી ડોક્ટર છો તો કરો એની સારવાર,

મારા કુટુંબના સભ્ય તરીકે એનો છે અધિકાર.

ડોક્ટર: પોપટને ખાંસી થવાનું કારણ મને ખબર નથી,

ખાંસી હોય તો શું છે એનું મારણ, મને ખબર નથી.

શું કહેવાથી મોં ખોલે શું કહેવાથી 'આ' બોલે?,

એને કાકડા હોય કે નહીં, પણ મને ખબર નથી.

આજે પોપટ લાવ્યા છો ને કહો છો એને ખાંસી છે,

કાલે લાવશો મોર, કહેશો, આંખો એની ત્રાંસી છે.

હું તો હોસ્પિટલમાં ભણ્યો છું, નથી ભણ્યો હું ઝાડ ઉપર,

તો ખરેખર મારી ડીગ્રી ને પ્રેકટીસની હાંસી છે.

પંખીને હું પ્યાર કરું છું,

માણસની સારવાર કરું છું.

પંખીઓ સ્વીટ લાગે છે,

માણસો પાકીટ રાખે છે.”

પોપટલાલ: તમારી પ્રેક્ટીસ માટે અમે કેટલો બધો ભોગ આપ્યો છે !

અમારા કુટુંબના દરેક જણે કોઈ ને કોઈ રોગ રાક્યો છે.

સગાં જે આજે 'સ્વ' છે તે બધાં જયારે શ્રી હતાં,

યાદ કરો સાહેબ કે તેઓ તમારા દર્દી હતાં.

ડ્રોઈંગરૂમમાં એમના ફોટા પર જે હાર લટકે છે,

આમ જોઈએ તો સાહેબ તમારી સારવાર લટકે છે.

ઘરની દરેક બિમારીમાં તમારો સાથ હોય છે,

કુટુંબના દરેક જનમમરણમાં તમારો હાથ હોય છે.

સાહેબ, તમારી પાસે જે સારામાં સારી ગાડી છે,

એનું કારણ અમારા સૌ કુટુંબીજનોની નાડી છે.

તમારા ઘરના ફ્લોર ઉપર જે જે આરસના ટાઈલ્સ છે,

અમારા ઘરનાં સ્ટોન છે, એપેન્ડીક્સ છે ને પાઈલ્સ છે.”

ડોક્ટર: પોપટલાલ, પોપટની ખાંસીની ચર્ચા ફોગટ છે,

તમારે મન દર્દી છે, પણ મારે મન તો પોપટ છે.

એક સલાહ હું આપું કે તમે બતાવો ડોક્ટર બક્ષીને,

મારું એવું માનવું છે, તપાસતા હશે પક્ષીને.

કારણકે ડોક્ટર બક્ષી વિષે એવી વાત સંભળાય છે,

એમના બધા દર્દીઓ ટ્રીટમેન્ટ દરમિયાન ઊડી જાય છે.

જે દર્દીના હાથમાં એમનું પ્રિસ્ક્રીપ્શન જાય છે,

ક્યાં તો નિર્ધન થાય છે ક્યાં એનું નિધન થાય છે.

પોપટલાલ: સાહેબ હું જાણું છું કેવો સ્વભાવ છે ડોક્ટર બક્ષીનો,

આપો નહીં ઈલ્કાબ તમે એમને માનવભક્ષીનો,

જાણી જશે તો માંડી દેશે દાવો બદનક્ષીનો,

એના કરતાં તમે કરો ઉપચાર માંદા પક્ષીનો.

એના નાજુક ગાળામાં જો ઉધરસ ઘર કરી જશે,

તો બિચારો પોપટ એક લીલી કાબર બની જશે.

સાહેબ, તમે તો હોશિયાર છો, કોઈ અકસીર દવા ચટાડો,

ગમે તે કરી ને પોપટની ઉધરસને મટાડો.

જરાય કચાશ ના રાખશો ઉધરસના નિદાનમાં,

ડબલ ફી દઈશું સાહેબ, આપીશું કશુક દાનમાં.”

ડોક્ટર: તમે આટલું કહો છો તો કરીશ હું સારવાર,

પણ મારે ખાંસી માટે કરવો પડશે વિચાર.

આજે ઘેર જઈને બસ હું એના વિષે વિચારું છું,

કાલે આવજો પાછા તમે, હું કોઈ ઉપચાર બતાવું છું.”

ડોક્ટર પહોંચ્યા ઘેર એમને, ત્યાં મહેમાન આવ્યા હતા,

સાથે એમની એમના નાના પીન્ટુને લાવ્યા હતા.

પીન્ટુમાતા બોલી,બેટા, અંકલને ગીતો સંભળાવો,

ઘેર જે પેલો ડાન્સ કરો છો તે આન્ટીને બતાવો.

ટીવી જેમ ચાલુ થઇ ને પીન્ટુ લાગ્યો ગાવા,

જુદી જુદી રીતે માંડ્યો શરીરને હલાવવા.

શબ્દો ભૂલી જાય તો એની મમ્મી યાદ કરાવે છે,

વચ્ચે વચ્ચે 'વેરી ગુડ' કહી બેટાને ચડાવે છે.

જે કંઈ ગાય છે પીન્ટુ, એના અર્થને ક્યાં જાણે છે?

ડાન્સની ચેષ્ટાઓ તો એનાં ડેડી-મમ્મી પીછાણે છે.

અસંકારી, અશ્લીલ છે, એવી ક્યાં એને અક્કલ છે?,

ક્યાં કશુંય સમજે છે?, કરે છે તો નકલ છે.

ચોળી-ચુંદડી, ખટિયા-અટરિયા, કબૂતરનાં ગીતો ગાય છે,

ડોક્ટરની આંખો સામે તો પોપટ ઉધરસ ખાય છે.

પીન્ટુને જોઈ ડોકટરના મનમાં થયો એક ઝબકારો,

પોપટ સાવ નિરોગી છે, ભોળો છે બિચારો.

શું છે પ્રણામ કે ઉધરસ શું છે, એને ક્યાં કંઈ સમજણ છે?

જે ખોં ખોં કરે છે તો આંધળું અનુકરણ છે.

બીજે દિવસે કલીનીક પર જ્યાં આવ્યા પોપટલાલ,

ડોક્ટર સાહેબે એમને સીધો કર્યો એક સવાલ.

પોપટલાલ, મને બસ એક વાત જાણવામાં રસ છે,

પોપટ સિવાય આજુબાજુમાં કોને કોને ઉધરસ છે?

પોપટલાલ: હું ને મારા ઘરના ને આસપાસના જે રહેવાસી છે,

તે સૌમાંથી ઘણા બધાને ઘણા વખતથી ખાંસી છે.

ડોક્ટર: આખો દિવસ એને તો બસ ખોં ખોં ખોં સંભળાય છે,

પ્રણામ, સીતારામ ક્યાંથી બોલે? નકલી ઉધરસ ખાય છે.

ઘરમાં બધાં ખોં ખોં કરે છે, ક્યાં ઉધરસને મટાડે છે,

પોપટને કંઈ થયું નથી, તો બસ ચાળા પાડે છે.

જાઓ જઈ ને ડ્રોઈંગરૂમમાં પોપટને લટકાવો,

આસપાસથી મારો કરતી ઉધરસને અટકાવો.

જે સારું ને સંસ્કારી છે તમામ બોલી શકે છે,

પોપટ 'પ્રણામ' બોલી શકે છે, 'સીતારામ' બોલી શકે છે.

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.