Vasant aavi...! vasant aavi...!! - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વસંત આવી...! વસંત આવી...!!

Vasant aavi...! vasant aavi...!!

હરીશ નાયક હરીશ નાયક
વસંત આવી...! વસંત આવી...!!
હરીશ નાયક

અન્નની દેવી ભારે કામગરી. ઘડીનોય આરામ ન મળે. પૃથ્વી પરના તમામ લોકોની જવાબદારી તેની ઉપર.

     તે પોતાનો રથ લઈને નીકળતી હતી. તેના રથના આગળના ભાગમાં બિયારણ અને પાછળના ભાગમાં પાણી. ધરતી ઉપરથી દેવીનો રથ દોડે જાય! આગળથી બિયારણ પડે, પાછળથી પાણી પડે. એ ક્રમ ચાલુ જ રહે.

     અન્નની દેવી જ્યાંથી પસાર થઈ જાય ત્યાં લીલીછમ હરિયાળી ઝૂમી ઊઠે. મોટાંમોટાં લાંબાંલાંબાં અનાજનાં ડૂંડલે ડૂંડલાં તેનાં ગીત ગાઈ રહે.

     પણ અન્નની દેવીનું કામ ભારે વિકટ. તે ઘરેથી નીકળી એટલે નીકળી. પાછી ક્યારે ફરશે એ કહેવાય જ નહિ.

     આજે જ્યારે તે પોતાની ફરજ પર જવા લાગી ત્યારે ‘મા...! મા...!’ કરતી તેની દીકરી તેની પાછળ દોડી.

     ‘મા...!’ વાસંતી કહેવા લાગી, ‘તું કદી મને લઈ જતી નથી. મારે દુનિયા જોવી છે. મને સાથે લઈ જા.’

     મા કહે : ‘બેટી! મારું કામ અઘરું છે. તું થાકી જઈશ, કંટાળી જઈશ. તું મારા જેવડી મોટી થઈશ ત્યારે જરૂર તને લઈ જઈશ.’

     ‘મોટી તો છું,’ વાસંતીએ કહ્યું, ‘હજી વળી કેટલા મોટા થવાનું?’

     ‘હવે બહુ વાર નથી,’ અન્નદેવીએ કહ્યું, ‘બેટા વસંત! હવે થોડા જ વખતમાં હું સાથે લઈ જઈશ. પછી મારું આ કામ પણ તું જ કરજે. જા અત્યારે જળપરીઓ સાથે રમ! અને જો બીજે ક્યાંય જઈશ નહિ.’

     મા ગઈ. વાસંતીને એકલું એકલું લાગતું હતું. છેવટે તે કંટાળીને જળકિનારે ગઈ. જળપરીઓને બૂમ પાડીને તે કહેવા લાગી, ‘જળપરીઓ! બહાર આવો. મારી માતાએ મને તમારી સાથે રમવાનું કહ્યું છે.’

     જળપરીઓ ખુશી આનંદમાં પાણીની બહાર આવી. પણ તે બધી ખાલી હાથે આવી ન હતી. અન્નદેવીની પુત્રી પાસે કંઈ ખાલી હાથે જવાય? બધાંના હાથમાં શંખલાં, છીપલાં, કોડીઓ, મોતીનાં રમકડાં હતાં, હાર અને હારડા હતાં.

     બધાંએ વસંતને પોતપોતાની ભેટ અર્પણ કરી. તેઓ કહેવા લાગી : ‘વસંત! અમે તો બહાર આવી શકીશું નહિ. ચાલ, તું પાણીમાં આવી જા. આપણે રમીએ!’ વસંત કહે : ‘વાહ! એમને એમ કેવી રીતે આવું? હું પણ તમને એવી સરસ ભેટ આપીશ ને કે તમે ખુશ થઈ જશો.’

     જળપરીઓને ભેટ આપવા તે ખેતરો તરફ દોડવા લાગી. પૃથ્વી પર તો કેવાં જાતજાતનાં ફૂલો હોય છે! એ બધાં રંગબેરંગી નાનાં-મોટાં ફૂલો મેળવી જળપરીઓ ખુશ થઈ જશે!

     તે એક પછી એક ફૂલો તોડી તોડીને ભેગાં કરવા લાગી. આ નહિ આ, અરે આ વધારે સારાં છે, નહિ આના જેવાં તો ફૂલો જ નહિ, અરે! ફૂલમાં ફૂલ તો આ જ...!

     એમ કરતી તે એક ખીણમાં ઊતરતી ગઈ. એક ઝાડીમાં ઘણાંબધાં ફૂલ હતાં. તે તો એ ફૂલો ખેંચવા લાગી.

     પણ... આ શું?

     તેની માતાએ અગાઉ તેને ચેતવણી આપી હતી કે, ‘બેટા!  ઝાડીમાં જઈશ નહિ, આ ફૂલો તોડીશ નહિ!’

     પણ જળપરીઓ સાથે રમવાના ઉત્સાહમાં તે એ વાત ભૂલી ગઈ. ફૂલો સાથે જ ઝાડી બહાર આવી ગઈ. જાણે કે ધરતીકંપ થયો. નીચેથી ઉપરનો માર્ગ જ ખૂલી ગયો.

     અને એ જ માર્ગે એક રથ બહાર આવ્યો. રથને કોઈક રાજવી જેવો માનવી હાંકતો હતો. એ રાજવી કંઈ બહુ રૂપાળો ન હતો! તેણે બહાર આવતાંની સાથે જ કહ્યું : ‘આવ વાસંતી! હું તને લેવા આવ્યો છું. હું પાતાળદેવ છું. મારી દુનિયા સાવ સૂની છે. તું આવશે તો મારી દુનિયામાં આનંદ-આનંદ ફેલાઈ જશે.’

     વાસંતી ડરી ગઈ. તે ના-ના કહીને ભાગવા લાગી. પણ પાતાળદેવે તેને ભાગવા દીધી નહિ. પકડી પાડી. રથમાં બેસાડી દીધી અને ફરીથી રથ પાતાળની ઊંડી અંધારી દુનિયા તરફ દોડવા લાગ્યો.

     વાસંતી બીજું તો કંઈ કરી શકી નહિ. તેણે થોડાં ફૂલ જમીન પર મૂકીને કહ્યું, ‘ઓ ફૂલ! તમે તાજાં જ રહેજો. મારી માને સંદેશો આપજો.’

     પાતાળની દુનિયા બંધ દુનિયા હતી. ઠેરઠેર ચમક ભારે હતી. હીરા, માણેક, પન્ના, સોના, રૂપા જેવી ધાતુઓનો ઝળહળાટ હતો. કંઈક ચમકતી ખનીજો હતી. પણ બધું કૃત્રિમ. બધું બંધ. ન સ્વચ્છ હવા, ઉજાસ, ન તાજગી.

     રથ એક જગાએ આવીને ઊભો તો પાતાળદેવ કહે : ‘જો આ છે મારો સોનામહેલ. આખો સોનાથી બન્યો છે. વસંત! અમારી પાતાળની દુનિયામાં તને સોનારૂપાની કદી ખોટ નહિ પડે. અમારે ત્યાં દીવાઓની જરૂર જ ઊભી થતી નથી. સોના-ચાંદી-હીરા માણેક પન્નાના ઝળહળાટથી જ અમારી દુનિયામાં પ્રકાશ રહે છે. એટલે અમારે સવાર કે સાંજની જરૂર જ હોતી નથી.’

     ‘હા-ઉ હા-ઉ!’ એક સાવ ભયાનક કૂતરો ભસવા લાગ્યો. એ કૂતરાને ત્રણ મોઢાં હતાં અને એની પૂંછડી સર્પની હતી.

     પાતાળદેવ કહે : ‘આ અમારો રક્ષક શ્વાન છે. તે આવ-આવ બોલી શકે છે. તેને જા-જા કે આવ-જો બોલતાં આવડતું નથી, કેમ કે આ મહેલમાં આવનાર આવી શકે છે. કદી જઈ શકતું નથી.

     વાસંતી પહેલાં વાતાવરણથી ડરી ગઈ હતી, આ કૂતરાને જોઈને વધુ ડરી ગઈ. લાંબી સફરને લઈને તેનું ગળું સુકાતું હતું, નદી પાસે જ હતી. પણ બંધિયાર હોવાથી પાણીમાંથી વિચિત્ર ગંધ આવતી હતી. ઉપરથી પાતાળદેવ કહે : ‘પાતાળનદીનું પાણી પીવાથી માનવીની યાદદાસ્ત કાયમને માટે જતી રહે છે. પછી આ સિવાય બીજી કોઈ દુનિયા છે, એની તેને કલ્પના જ રહેતી નથી!

     ડરેલી વાસંતી વળી વધુ ડરી ગઈ.

     પાતાળદેવ કહે : ‘આવી મારી દુનિયા છે વાસંતી! હું જાતે પણ અહીંથી ત્રાસી કંટાળી ગયો છું, પણ હું અહીંથી ક્યાંય જઈ શકતો નથી. અહીં માત્ર તારી જરૂર હતી. તારા આવવાથી હવે અહીં જરૂર નવું પરિવર્તન આવી જશે. તું અહીં જ રહેજે.’

     અહીં રહેવાના વિચાર માત્રથી વાસંતી ડરી ગઈ. મોકળું મન આવી કેદમાં કેમ રહે? પાતાળનું રાજ મળે તોય શું? તે તો રડવા લાગી. માને યાદ કરવા લાગી. માનું કહ્યું ન માન્યું એટલે જ આ દશા થઈ!

     તેણે ખાવા-પીવાનું છોડી દીધું. પાતાળદેવે તેને ઘણી ઘણી વિનંતીઓ કરી પણ વાસંતીએ ન ખાધું, ન પીધું.

     પાતાળદેવને થયું કે, જો આમ જ ચાલશે તો વાસંતી જીવતી રહેશે નહિ.

     તેણે એક સરસ દાડમ ધર્યું. તેના દાણા જાતે છૂટા પાડ્યા. એ દાણા વધુ રાતા, વધુ કાળા હતા.

     વાસંતી એ દાડમ ખાવા તૈયાર જ ન હતી. પાતાળદેવનો હાથ વાસંતીના મોઢા સામે હતો. તેમાં દાણા હતા.

     ત્યાં જ ભયાનક કૂતરો જોરથી ભસ્યો.

     વાસંતી ડરી ગઈ. ડરના માર્યા તેનું મોઢું ઉઘાડું થઈ ગયું અને બે દાડમના દાણા વાસંતીના મોઢામાં ચાલ્યા ગયા.

     કૂતરો ભસતો રહ્યો. બી ગયેલી વાસંતીને કંઈ ખબર જ ન પડી. એ બંને દાડમના દાણા તેના મોઢાની અંદરથી સીધા પેટમાં જતા રહ્યા. બસ મહિનાઓ બાદ એણે એટલું જ ખાધું -દાડમના બે દાણા. ફરી પાછા ઉપવાસો અને નિઃસાસા શરૂ થઈ ગયા. તે સૂતી પણ નહિ અને આખો દિવસ બોલ્યા કરતી : ‘મા...! મા...! મા...! મા...!’

     પાતાળદેવને લાગ્યું કે આમ તો આ મરી જ જશે. મોતનું કલંક પોતાને માથે પડશે. પૃથ્વી પરથી વસંત મિટાવી દેવાનો અપયશ તેને જ માથે આવશે.

     તેણે વાસંતીને કહી દીધું : ‘તારે જવું હોય તો જા. પણ આ દુનિયા તેં જોઈ છે. અહીં પણ તારી જરૂર છે. ખાસ કરીને મારે તો તારી જરૂર છે જ. તારા વગર હું નહિ રહી શકું, નહિ રહુ શકું.’

     એ થઈ પાતાળની વાત. આ બાજુ અન્નની દેવી પાછી ફરી. જોયું તો વાસંતી ન મળે. તેને હૈયે ફાળ પડી. તે ચારે બાજુ દોડાદોડ કરીને શોધવા લાગી : ‘વાસંતી! બેટી વસંત! ક્યાં છે તું ક્યાં છે?’

     વાસંતી પૃથ્વી પર હોય તો મળે ને? છેવટે જળપરીઓએ માહિતી આપી : ‘વાસંતી અમારે માટે ભેટ લેવા ગઈ હતી. એ ગઈ તે ગઈ...’ જળપરીઓએ દિશા બતાવી. અન્નદેવી એ તરફ દોડી ગયાં. ત્યાં બારમાસીના પૂલ મળ્યાં. ગુચ્છાદાર ફૂલો ઝૂકીઝૂકીને બતાવવા લાગ્યાં, પેલી ઝાડી... પેલી ખાડી...!

     અન્નદેવી બૂમો પાડતી જ રહી : ‘વસંત...! બેટી વસંત!’ તેના હાય નિસાસાથી પૃથ્વી હચમચી ઊઠી. ઝાડનાં પાંદડાંઓ પીળાં પડી પડીને ખરી પડ્યાં. પવન જોરજોરથી સુસવાટા મારવા લાગ્યો. સર્વત્ર વિરાન વિરાન થઈ રહ્યું.

     પવન અને સૂકાં પાંદડાંના ખડખડાટ જાણે કે માતાનાં ધ્રુસકાં બની ગયાં.

     પણ વસંતનો ક્યાંયથી અવાજ આવ્યો નહિ. તેણે કોઈ જવાબ આપ્યો નહિ.

     અન્નદેવી દોડતી ભાગતી બધાંને પૂછવા લાગી : ‘તમે વસંતને જોઈ? તમે...? તમે...?’

     અંતમાં તેણે સૂર્યને પૂછ્યું : ‘તમે વસંતને જોઈ? બધાં કહે છે કે એ પાતાળમાં ગઈ છે.’

     સૂરજદેવ કહે : ‘પાતાળમાં? ત્યાં કેવી રીતે જઈ શકું?’

     અન્નદેવી કહે : ‘સૂરજદેવ! તમારે જવું પડશે.તમારે ત્યાં પણ જવું જ પડશે.’ કહ્યું છે કે જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહેંચે કવિ.

     પણ બાવરી માતાને વળી કવિ કોણ શોધી દે? તેણે જાતે જ બૂમો પાડવા માંડી:  ‘વસંત આવ... વસંત આવી જા... આવી જા વસંત... આવી જા...’

     અને માતાની વેદના કવિતામાં ફેરવાઈ ગઈ. રવિ અને કવિ એક થઈ ગયા.

     પહાડોની પોલી જગાઓમાં થઈને સૂરજદાદાએ માર્ગ કર્યો. વેદનાની કવિતાથી આખો પાતાળલોક કંપી ઊઠ્યો.

     પાતાળદેવ પહેલેથી જ વાસંતીને જા-જા કહેતા હતા, હવે રહી શક્યા નહિ. તેઓ બોલી ઊઠ્યા : ‘જા વાસંતી જા! તારી મા તને બોલાવે છે. તેને સૂરજદેવનો સાથ છે. તું નહિ જાય તો સૂરજદેવ પાતાળની દુનિયાને ખતમ કરી નાખશે.’

     ‘મા...! મા...!’ કરતી વાસંતી દોડવા લાગી.

     તે જ્યાંથી પસાર થતી ત્યાં પૃથ્વી લીલીછમ બની રહેતી. પવનમાં સુગંધ ફેલાઈ જતી. ચારે બાજુ મીઠી બંસરીના ધ્વનિ ગુંજી ઊઠતા. હજી વસંત દૂર હતી. અન્નની દેવીને નવાઈ લાગી : ‘મારા અંતરમાં આટલી વેદના? અને પૃથ્વી આમ ખુશી શેની મનાવે છે?’

     તે પૃથ્વીને શાપ આપવા યૈતાર થઈ, ત્યાં જ સૂરજદેવે કહ્યું : ‘અન્નદેવી! એ તો વાસંતી આવવાની ખુશાલી પ્રગટ કરે છે!’

     ‘મા... મા...!’ વસંત દોડતી આવતી હતી. વન, વૃક્ષો અને વાયરો જૂમી ઝૂમીને ગાતાં હતાં : ‘વસંત આવી...! વસંત આવી...!! વસંત આવી...!!!’

     અન્નદેવી દોડીને વસંતને મળ્યાં. મા-બેટી પૂરા ઉમળકાથી ભેટ્યાં. એકબીજાને પ્રેમથી મળ્યાં. વાતોએ ચઢ્યાં.

     મા કહે : ‘ભલે, જે થવાનું હતું તે થયું પણ કહે તો, તેં પાતાળપ્રદેશનું કંઈ ખાધું તો નથી ને?’

     ‘ના મા!’ વાસંતીએ કહ્યું : ‘હું તો ઉપવાસ પર ઉપવાસ જ કરતી હતી. પણ... પણ... મા! એક દિવસ... એક દિવસ... પાતાળદેવે મને ડરાવી દઈને દાડમના બે દાણા...’

     મા કહે : ‘ઘણું ખોટું થયું બેટી! ઘણું ખોટું થયું. હવે તું અહીં માત્ર બે જ મહિના રહી શકશે. એ બાદ તારે પાછા પાતાળલોક જવું જ પડશે!’

     બે મહિના વાસંતી માતા પાસે રહી. પૃથ્વીએ મા-દીકરીના મિલનની અનેરી ખુશી મનાવી. સર્વત્ર વાતાવરણ લીલુંછમ, ઝાડપામ, ફળફૂલ, અનાજનાં ડૂંડલાં તથા પવન એકસાથે જૂમી ઝૂમીને વસંતનું ગાન ગાવા લાગ્યાં.

     પણ પછી વસંતને જવું પડ્યું. તે જવા લાગી. તેને જઈને દશ મહિના થયાં.અન્નદેવી દુઃખી દુઃખી થઈ ગઈ.

     અંતમાં પાતાળદેવે વરદાન આપ્યું : ‘જાવ અન્નદેવી! દર વરસે તમારી વસંત બે મહિના જરૂર તમારી પાસે આવશે, પૃથ્વી પર આવશે.’

     ત્યારથી દર વર્ષે બે મહિના વસંત આવે છે, ત્યારે આખી પૃથ્વી ખુશખુશાલ થઈ જાય છે. વાતાવરણનું અણુએ અણુ કવિતા જ ગાઈ ઊઠે છે : વસંત આવી... વસંત આવી...!

     બાળમિત્ર! આ છે ગ્રીક પુરાણકથા. મુખ્યત્વે  ભૂગોળકથા છે. પાતાળ-દેવ તે પ્લૂટો, વસંત તે પ્રોસરપીના, અન્નદેવી તે સીરીજ. હેમંત, શિશર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ જેવા ઋતુના છ ભાગ છે. દશ મહિના વસંત ફરતી ફરે છે, બે મહિના આપણે ત્યાં મુકામ વસાવે છે, અન વસંત તો વસંત જ છે ને! ગમી ને કથા?

સ્રોત

  • પુસ્તક : હરીશ નાયકની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014