Varghodama - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

    એક વાર રસિકભાઈને દસેક દિવસ માટે બહારગામ જવાનું થયું. જતાં અગાઉ તેઓ શાન્તાબહેનને બધાં કામકાજની સૂચના આપતા ગયા. વળી લગ્નવાળો ચાલતો હતો. તેથી તેમણે ઉમેર્યું, અને હા! કદાચ કોઈની કંકોત્રી આવી પડે તો વરઘોડામાં કનુ અને ભગાભાઈને મોકલજો. જમવાનુ હોય તો જમવા પણ મોકલજો. ‘જમણનું જમણ જાય અને સગું દુભાય’ તેવું કરશો નહિ. ચાંલ્લો કરવો ઘટે, ત્યાં ચાંલ્લો કરાવી દેશો!’

    આમ સૂચના આપી રસિકભાઈ ગયા.

    બીજે જ દિવસે શાન્તાબહેન તાવે પટકાયાં, તેથી રસોડાનો ચાર્જ ભગાભાઈના હાથમાં આવી પડ્યો.

    ભગાભાઈને ફક્કડ રસોઈ આવડતી.

    તેઓ રાંધતા અને બધાં જમતાં.

    એક દિવસ ભગાભાઈ રોટલી વણતા હતા અને કોઈ માણસ કંકોત્રી આપી ગયો.

    અટામણવાળા હાથ લૂછીને તેઓ કંકોત્રી લેવા દોડ્યા... તેઓ રોજ કોઈની કંકોત્રીની વાટ જોયા કરતા હતા. તેમને એમ થયું હતું કે લગ્નમાં કોઈને ત્યાંથી જમવાનું આમંત્રણ મળી જાય તો બસ, મજા! ઘેર હાથે રાંધવું ન પડે અને વળી મિષ્ટાન્ન ઝાપટવાનાં મળે.

    ભગાભાઈએ કંકોત્રી વાંચી અને તેઓ ખુશ ખુશ થઈ ગયા.

    માંદાં શાન્તાબહેન દીવાનખાનામાં સૂતાં હતાં. તેમણે સૂતાં સૂતાં પૂછ્યું, ‘કોની કંકોત્રી છે, ભગાભાઈ?’

    ભગાભાઈએ મલકાઈને જવાબ આપ્યો, ‘કાંતિભાઈના પરેશનાં લગ્ન છે. વરઘોડો સાંજે સાડા પાંચ વાગે છે, હું અને કનુ વરઘોડામાં જઈશું અને શાન્તાબહેન કંકોત્રીની જોડે સહકુટુંબ ભોજન માટેનું આમંત્રણ પણ છે!’

    ‘ઠીક ત્યારે તો ભગાભાઈ! તમે અને કનુ જમવા પણ જજો. બંને જણ જમીને જ આવજો. તમારે સાંજે રાંધવું નહિ પડે!’

    ‘એ ઠીક ગોઠવાઈ ગયું!’ ભગાભાઈ બોલ્યા : ‘પણ તમે સાંજે શું જમશો?’

    શાન્તાબહેન બોલ્યાં : ‘ભગાભાઈ! મને તો તાવ છે ને તેથી સાંજે મને ફક્ત સાબુચોખાની કાંજી કરી આપજો. મારે જમવું નથી.’

    ભગાભાઈ આનંદમાં આવી ગયા! સવારે તેઓ પરવારી ગયા. પણ તેમને વરઘોડાના જ દેખાવો નજર આગળ ખડા થવા માંડ્યા.

    તેમની પાસે ડ્રાય કરાયેલાં ખમીસ અને પેન્ટ તો હતાં જ. પણ તેમને ટાઈ બાંધવાનું મન થઈ આવ્યું. વરઘોડામાં ટાઈવાળાઓ કેવા શોભી ઊઠે છે!

    પણ ટાઈ લાવવી ક્યાંથી?

    તેમણે કનુને પાણી ચઢાવ્યું : ‘દોસ્ત કનુ! તું ગમે ત્યાંથી બે ટાઈ લઈ આવે તો?’

    ‘કેમ?’

    ‘વરઘોડા માટે. આપણે આજે વરઘોડામાં જવાનું છે. આપણે ટાઈ પહેરીને જઈશું તો આપણો વટ પડી જશે!’ કનુનું મન પલળી ગયું.

    તે ચંપકને ત્યાં જઈને બે ટાઈ લઈ આવ્યો. પછી ભગાભાઈને શાન્તિ થઈ.

    તેમના મનમાં આખો દિવસ ચટપટી થયા કરતી હતી કે ક્યારે સાડાચાર વાગે, ને વરઘોડામાં જવા નીકળીએ!

    ત્રણ વાગ્યાથી તો તેમણે કપડાં પહેરવા માંડ્યાં. માથામાં ક્રીમ નાંખી માથું પલાળ્યું... પછી ટાઈ બાંધવા માંડી.

    પણ ભગાભાઈને ટાઈ બાંધતાં આવડે ત્યારે ને?

    હવે શું કરવું?

    ભગાભાઈને વિચાર સૂઝ્યો. તેમણે કહ્યું : ‘કનુ! તું ચંપકભાઈ પાસે જા અને તારે ગળે ટાઈ બંધાવી આવ. મને બાંધતાં નહિ ફાવે.’

    કનુને પણ આ વિચાર ગમી ગયો. તે ચંપકને ત્યાં ગયો અને વરઘોડામાં જવાનું છે કહી તે ટાઈ બંધાવી આવ્યો.

    સાડાચાર વાગ્યે બંને જણા ત્યાંથી વરઘોડામાં જવા માટે નીકળ્યા પણ હવે જ ખરી ગમ્મત થઈ.  કાન્તિભાઈને ત્યાં તે દિવસે લગ્ન જ ન હતાં!

    પરેશનાં લગ્ન તો બીજે દિવસે હતાં! ભગાભાઈએ કંકોત્રીમાં તારીખ તો વાંચી જ નહિ! વરઘોડો મહાલવાની ઉતાવળમાં અને મિષ્ટાન્ન ઉડાવવાની લાલચમાં તેઓ તારીખ વાર વાંચવાનું જ ભૂલી ગયા!

    તેમના મનમાં એમ કે કાન્તિભાઈના આંગણામાં મોટો મંડપ બાંધ્યો હશે! ઇલેક્ટ્રિકની લાઇટો ઝગમગાટ થતી હશે! લાઉડ સ્પીકરમાંથી મોટા અવાજે રેકર્ડો સંભળાતી હશે! બેન્ડવાળા આવીને એક બાજુ ઊભા રહી ‘બોબી’ ફિલ્મનું ‘જૂઠ બોલે કૌઆ કાટે!’નું ગાયન વગાડતા હશે!

    પણ આંગણામાં આમાંનું કંઈ જ ન હતું!

    તેઓ ચમક્યા! તેમણે કનુને કહ્યું : ‘દોસ્ત કનુ! અહીં તો બધું ટાઢું ટપ છે! મામલો ઠંડો કેમ?’

    કનુ કહે : ‘તમે ઘર તો નથી ભૂલ્યા ને?’

    ભગાભાઈ બોલ્યા : ‘ના...ના! આ જ મકાન! જો પેલી ખુરશીમાં કાન્તિકાકા બેઠા!’

    અચાનક કાન્તિભાઈની નજર ભગાભાઈ અને કનુ ઉપર પડી. કાન્તિભાઈ આગલા દીવાનખાનામાં સગાવહાલાથી વીંટળાઈને બેઠા હતા. ભગાભાઈને જોતાં જ તેઓ ઊભા થયા અને કહેવા લાગ્યા : ‘આવો ભગાભાઈ...કેમ છે કનુ? રસિકભાઈ કાલે પરેશના લગ્નમાં આવવાના છે ને? જો જો ભૂલ થાય નહિ! કહેજો કે જરૂર આવે. હાં, પણ તમે લોકો આ તરફ કેમ નીકળ્યા છો?’

    ભગાભાઈ સમજી ગયા કે આબાદ ભાંગરો વટાઈ ગયો.

    ભગાભાઈને કંઈ જવાબ સૂઝ્યો નહિ. તેઓ ચાટ પડી ગયા. તેમનાથી બોલી જવાયું ગયું : ‘અમે તો સમજ્યા કે આજે વરઘોડો છે! તેથી વરઘોડામાં જવા આવ્યા હતા!’

    ‘વરઘોડામાં જવા આવ્યા હતા? હા...હા...હા...હા....હા.....!’ ત્યાં એકઠા થયેલાં બધાં સગાંવહાલાં પણ ખડખડાટ હસી પડ્યાં!

    છેવટે કાન્તિભાઈએ બંને જણને બેસાડીને મુખવાસ માટે થોડી થોડી ધાણાની દાળ આપી. જરા વાર બેસીને બંને પાછા ફર્યા.

    તેમને તરત જ પાછા આવેલા જોઈને શાન્તાબહેનને ભારે અજાયબી થઈ.

    તેમણે પૂછ્યું : ‘કેમ? શું થયું?’

    કનુએ નાક ફુલાવીને જવાબ આપ્યો : ‘લીલે તોરણે પાછા!’

    ભગાભાઈએ જે બફાટ કરી નાખ્યો હતો, તે બફાટ વિગતવાર શાન્તાબહેનને કહી સંભળાવ્યો અને માંદાં માંદાં શાન્તાબહેન પણ મોટેથી હસી પડ્યાં...!

    તેઓ બોલ્યાં : ‘મેં તો જાણ્યું કે તમે જમીને આવશો એટલે આપણે ત્યાં સાંજે રાંધવાનું રહેશે નહિ, હવે તો ભગાભાઈ! ભાખરી અને શાક બનાવી નાંખો.’

    અને ભગાભાઈએ શરમાતાં શરમાતાં ટાઈ છોડી નાખી અને પછી રસોડામાં ભાખરીનો લોટ બાંધવા માંડ્યો.

સ્રોત

  • પુસ્તક : હરિપ્રસાદ વ્યાસની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023