Sonano Thal - Children Stories | RekhtaGujarati

સોનાનો થાળ

Sonano Thal

હરભાઈ ત્રિવેદી હરભાઈ ત્રિવેદી
સોનાનો થાળ
હરભાઈ ત્રિવેદી

                એક જન્મમાં બોધિસત્ત્વ ફેરિયાનું કામ કરતા હતા. ગામમાં શેરીએ શેરીએ રખડીને ત્રાંબાપિત્તળનાં વાસણોની ફેરી કરતા અને જરૂર પડ્યે ભંગાર પણ લેતા. તે જ ગામમાં તેમના જેવો એક બીજો ફેરિયો પણ રહેતો, પરંતુ તે બહુ લોભી અને લુચ્ચો હતો.

 

                એક વખત આ બંને જણાઓ બીજી કોઈ એક શેરીમાં ફેરી કરવા માટે નીકળેલા ત્યાં એકઠા થઈ ગયા. બોધિસત્ત્વે પેલા વેપારીને કહ્યું : ‘ભાઈ! આપણે બંને એક જ પ્રકારનો ધંધો કરીએ છીએ. જો આપણે એક જ શેરીમાં સાથે ફર્યા કરીએ તો બંનેનો વેપાર ચાલે નહિ. માટે હંમેશાં આપણે શેરીઓ વહેંચી લઈએ અને દરેક પોતપોતાની શેરીમાં ફરે તેમ કરીએ.’

 

                ‘ભલે,’ લોભિયાએ કહ્યું, ‘પરંતુ બીજે દિવસે પાછી શેરીઓની અદલાબદલી કરી શકાય તે શરત કબૂલ છે?’

 

                ‘ભલે, મારે કબૂલ છે, પરંતુ એક દિવસે એક જ શેરીમાં એક સાથે ન ફરવું તે તો કબૂલ છે ને?’

 

                ‘હા, કબૂલ.’

 

                આવી શરત કરી બંને વેપારીઓ શહેરના જુદા જુદા લત્તામાં ફરવા લાગ્યા. હંમેશાં સાંજે લત્તાઓ વહેંચી લે, અને બીજે દિવસે તે પ્રમાણે ફરે.

 

                આ શહેરમાં એક વણિક કુટુંબ રહેતું હતું. પહેલાં તો તે કુટુંબ ખૂબ ધનાઢ્ય હતું, પરંતુ દૈવવશાત્ વેપારમાં ખોટ આવી ને ગરીબ બની ગયેલું. પછી તો બહુ જ થોડા વખતમાં કુટુંબનો મુખી મરણ પામ્યો. નસીબજોગે કુટુંબમાંથી એક પછી એક માણસ મરવા લાગ્યું અને ઘરમાંથી હતું તેટલું ધન પણ ચવાઈ ગયું. છેવટે એક વૃદ્ધ ડોશી અને એક દીકરી એમ બે જણાં માત્ર રહ્યાં. ઘરમાં જે કાંઈ ઠામઠીકરું પડેલું તે વેચી વેચીને આ બંને પોતાનું ગુજરાન ચલાવતાં અને કુટુંબની રહીસહી આબરૂને સાચવી રાખતાં.

 

                આ કુટુંબનો જે મુખી હતો અને જે એક મોટો વેપારી હતો તેને હંમેશાં સોનાનાં વાસણોમાં જમવાની ટેવ હતી. કુટુંબ ગરીબ થઈ ગયા પછી તેણે ધીમે ધીમે આમાંનાં ઘણાં વાસણો તો વેચી નાખેલાં અને તેના મૃત્યુ પછી તો જે કંઈ બાકી રહેલું તે પોતાના નિભાવ માટે આ વૃદ્ધ ડોશીએ વેચી નાખેલું. પરંતુ ઘર મોટું અને વેપારીની સાહેબી પણ ભારે, એટલે આ ભર્યાભદર્યા ઘરમાંથી એમ કંઈ વસ્તુઓ ખૂટી પડે? આખા ઘરનાં વાસણો એક મોટા ઓરડામાં એકઠાં કરેલાં; જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી એકાદ-બે કાઢીને વેચે અને પોતાનું ગુજરાન ચલાવે. આ વાસણોના ઢગલાની અંદર સોનાનો એક મોટો થાળ રહી ગયેલો. ડોશીમાને એની ખબર નહિ રહેલી અને બીજાં ત્રાંબાપિત્તળનાં વાસણો સાથે તે પણ પડ્યો રહેલો. લાંબે દિવસે તેના ઉપર ખૂબ ધૂળ ચડી ગયેલી, અને તે સોનાનો છે તેવી ખબરે ન પડે તેવો તેનો દેખાવ બની ગયેલો.

 

                એક દિવસ પેલો લોભી ફેરિયો એ શેરીમાં ફેરી માટે નીકળ્યો. ત્રાંબાપિત્તળનાં જુદા જુદા મજાના ઘાટનાં વાસણો દેખીને પેલી છોકરીનું મન એકાદ નવું વાસણ લેવાનું થયું. ફેરિયાને પોતાની શેરીમાં ફરતો જોઈને તે તુરત જ પોતાની દાદીમા પાસે ગઈ અને કહ્યું : ‘મને એક નવો ઘાટીલો કળશો અપાવો ને, મા?’

 

                ‘પણ બેન! આપણી પાસે એટલા પૈસા ક્યાં છે? આપણે તો હવે ગરીબ માણસ કહેવાઈએ તેથી જૂના કળશા વાપરીએ અને મજા કરીએ.’

 

                ‘પણ મા! આપણે એક મોટું જૂનું ઠામ આપીએ તો બદલામાં આ એક નવો કળશો ન આપે?’

 

                ‘ન પણ આપે.’

 

                ‘હું બોલાવીને પૂછી જોઉં?’

 

                ‘પૂછી જો; પણ મને લાગે છે કે તે આપશે નહિ.’

 

                છોકરી દોડતી દોડતી ખડકી બહાર ગઈ અને પેલા ફેરિયાને બોલાવી લાવી. ફેરિયો અંદર આવ્યો અને પોતાનાં વાસણોનો ટોપલો નીચે ઉતારીને બેઠો. તેના મનમાં તો એમ કે આવું મોટું આલેશાન મકાન છે તેથી પોતાનો ઘણો માલ ખપશે. પણ તેને ક્યાંથી ખબર કે આ તો બિચારાં ગરીબનાં પણ ગરીબ હતાં! ફેરિયાને એક પછી એક વાસણનો ઢગલો કરતો જોઈ ડોશીમા બોલ્યાં, ‘ભાઈ! મારે એટલાં બધાં વાસણો જોઈતાં જ નથી. આ દીકરીએ વેન લીધું છે એટલે એક નાનોશો કળશો જોઈએ છે; તેયે રોકડા પૈસાથી નહિ.’

 

                ‘ત્યારે?’

 

                ‘તેના બદલામાં તને એક મોટું જૂનું ઠામ આપીએ. તારી મરજી હોય તો આપ, ભાઈ! આ દીકરીને જોઈએ છે. અમે ગરીબ માણસ છીએ; આપીશ તો પાડ થશે.’

 

                ‘લાવો જોઈએ; ઠામ જોયા પછી કહું.’

 

                ડોશીમા દીકરી તરફ ફર્યા અને કહ્યું : ‘જા બેટા, પેલા ભંગારના ઓરડામાંથી થાળબાળ જેવું કંઈક લઈ આવ જોઈએ.’

 

                દીકરી તો દોડતી ગઈ અને ઓરડામાં જાતજાતનાં ઠામનો મોટો ઢગલો પડ્યો હતો તેમાંથી પેલો સોનાનો થાળ ઉપાડીને લઈ આવી. ડોશીમાએ તે પેલા વેપારીના હાથમાં મૂક્યો અને જવાબની વાટ જોતાં બેઠાં.

 

                થાળ હાથમાં આવતાંવેંત પેલા ફેરિયાને વહેમ ગયો કે રખે ને સોનાનો હોય! તેણે તો ઝટપટ ઉપરથી ધૂળ ખંખેરી કાઢી અને પાશેરિયો હાથમાં લઈ તેના ઉપર મોટો લીંટો કાઢ્યો. થાળ સોનાનો જ હતો તેની તેને ખાતરી થઈ. આ ડોશી કે છોકરી તે જાણતાં નહોતાં એ પણ તેને સમજાયું. બહુ જ થોડા બદલામાં તે પડાવી લેવાની તેની દાનત થઈ, એટલે તેણે ડોશીમાને પૂછ્યું : ‘શું લેવું છે આ ભંગારનું? આ તો સાવ જૂનો અને કટાઈ ગયેલો છે.’

 

                ‘મારે બીજું કંઈ નથી જોઈતું, ભાઈ! એ થાળ તું ઘેર લઈ જા અને તેના બદલામાં આ એક કળશો આપી જા.’

 

ગુસ્સે થયો હોય એવો ડોળ કરી હાથમાંથી થાળ નીચે પછાડી ફેરિયો મોટેથી બોલ્યો : ‘અરે કળશો શું, એક નાની ટબૂડી પણ નહિ આવે! આ તો ચાર આનાનો પણ માલ નથી. કહો તો ચાર આના રોકડા આપું.’

 

                ‘ના રે ભાઈ, મારે તે ચાર આને નથી વેચવો. મારે તો તેના બદલામાં કળશો જોઈએ છે. આપવો હોય તો આપ, નહિતર કંઈ નહિ.’

 

                પેલા લોભિયાને મનમાં થયું કે આમ આજે આ ડોશી નહિ માને; અને થાળમાં કંઈ માલ નથી તેમ આજે તેના મન ઉપર ઠસાવું તો બે દિવસ પછી તે જરૂર સસ્તામાં આપી દેશે. આમ વિચારી તેણે ફરીથી થાળને આમતેમ ફેરવીને તપાસી જોયો ને અંતે મોઢું બગાડીને બોલ્યો : ‘ડોશીમા આ તો સાવ ગયેલું ઠામ છે; હવે તેમાં બહુ લોભ ન કરો. કહો તો આ નાની ટબૂડી બદલામાં આપું.’

 

                પણ ડોશીમા એકનાં બે ન થયાં. પેલાએ જાણીજોઈને વધારે ગુસ્સો બતાવ્યો અને થાળને પછાડીને બેદરકારીથી ખડકી બહાર નીકળી ગયો.

 

                બીજે દિવસે શરત પ્રમાણે બોધિસત્ત્વ એ શેરીમાં ઠામવાસણની ફેરી કરવા નીકળ્યા. પેલી છોકરીએ બીજે દિવસે પણ ફેરિયાને જોયો તેથી ફરીથી તેની મરજી નવો કળશો લેવાની થઈ. દોડતી દોડતી તે મા પાસે ગઈ અને ફેરિયાને બોલાવી લાવવાનું પૂછવા લાગી.

 

                ‘પણ બહેન, બેટા! ગઈ કાલે જ એણે તો ના કહી હતી ને વળી આજે શું માનવાનો છે? હવે જવા દે એ વાત. વળી…’

 

                ‘પણ મા! આ કાલવાળો ફેરિયો નથી. આ તો કોઈ બીજો છે.’

 

                ‘એમ? તો એને પણ બોલાવીને પૂછી જો. એ પણ એનો ભાઈ જ હશે તો!’

 

                છોકરીને તો નવો કળશો લેવાની હોંશ હતી તેથી તે દોડતી દોડતી ઘર બહાર ગઈ અને પોતાની મા બોલાવે છે તેમ કહીને ફેરિયાને અંદર લઈ આવી.

 

                બોધિસત્ત્વ પણ એક પછી એક ઠામનો ઢગલો કરવા લાગ્યા. તેમના મનમાં પણ આશા હતી કે અહીં માલ ઠીક વેચાશે. પણ ત્યાં ડોશીમા બોલ્યાં : ‘ભાઈ! મારે આટલાં બધાં ઠામ નથી જોઈતાં. મારે તો એક નવો કળશો જોઈએ છે, તે આ જૂના થાળના બદલામાં આપી શકતો હો તો આપ. આ તો મારી દીકરીએ વેન લીધું છે. બાકી મારી પાસે તો નવાં વાસણો ખરીદવાના પૈસા છે જ નહિ.’

 

                આટલું કહીને તેણે છોકરીને થાળ લાવવાનું કહ્યું. દોડતી જઈને છોકરી થાળ લઈ આવી. ડોશીમાએ તે ફેરિયાના હાથમાં મૂક્યો. થાળ ઊપર નજર પડવાની સાથે જ બોધિસત્ત્વ કળી ગયા કે થાળ સોનાનો છે. તેમને થયું : ‘કહો ન કહો પણ આ કોઈ ગરીબ થઈ ગયેલું ધનાઢ્ય કુટુંબ લાગે છે. આજે તેમને ભાન નથી કે આ થાળ તો ભારે કીમતી છે.’ થાળને તેમણે ચારેકોરથી તપાસી લીધો અને તે સોનાનો છે તેની ખાતરી થતાં તેમણે ડોશીમાને કહ્યું : ‘માતા! આ થાળ તો સોનાનો છે, અને તેની કિંમત લગભગ એક હજાર રૂપિયા થવા જાય તેમ છે. મારી પાસે તો એટલા બધા પૈસા છે પણ નહિ.’

 

                ડોશીમા તો સાંભળીને દિઙ્મૂઢ બની ગયાં! તેને થયું કે આ ફેરિયો કદાચ પોતાની મશ્કરી કરતો હશે. તેણે કહ્યું : પણ ભાઈ! ગઈ કાલે એક તારા જેવો કોઈ આવ્યો હતો. એ તો કહેતો હતો કે આની કિંમત ચાર આના જેટલી પણ નથી! તેણે ચાર આના પણ આપ્યા નહિ અને થાળ ફગાવીને ચાલ્યો ગયો!’

 

                ‘એમ કે? બોધિસત્ત્વે કહ્યું : ‘પણ માજી! આ થાળ સોનાનો છે અને તેની કિંમત ખરેખર હજાર રૂપિયા જેટલી છે.’

 

                ‘ભાઈ!’ ડોશીમાએ કહ્યું, ‘થાળ તો કંઈ સોનાનો નહોતો, પરંતુ તારા જેવા ભલા માણસનાં પગલાંથી તે સોનાનો થઈ ગયો હશે! ભલે તે સોનાનો હોય, મારે તેનું કંઈ નથી. મને તો આ વાસણોમાંથી તને ઠીક લાગે તે એક કળશો આપ અને આ થાળ લઈ જા; મારે તેની જરૂર નથી. મારે તો છોકરીને રાજી કરવી છે.’

 

                પણ બોધિસત્ત્વ તેમ કરે તેવા ન હતા. તેમણે કહ્યું : ‘મારી પાસે પાંચસો રૂપિયા રોકડા છે અને બસો જેટલાનાં વાસણો છે. તે બધું જો તમે રાખી લો તો જ આ થાળ હું લઈ જાઉં.’

 

                ‘ના ભાઈ! મારે એટલું બધું નથી જોઈતું.’

 

                ‘પણ તમારે લેવું જ પડશે.’ એમ કરીને બોધિસત્ત્વે પાંચસો રૂપિયા અને બધાં વાસણોનો ઢગલો કર્યો. ઘણી આનાકાની પછી ડોશીમાએ તે સ્વીકાર્યું અને આખરે તેમાંથી દસ રૂપિયા રોકડા તથા પોતાનાં ત્રાજવાં તોલાં લઈ બાકીનું બધું ત્યાં મૂકી બોધિસત્ત્વ ચાલ્યા ગયા.

 

                બીજે દિવસે પેલા લોભિયા ફેરિયાથી રહેવાયું નહિ; તેથી શરતનો ભંગ કરીને પણ સાંજના વખતે તે શેરીમાં પાછો આવ્યો અને કહ્યું : ‘લાવો હવે પેલી થાળી! તેમાં માલ તો નથી, પણ તમારી છોકરીની દયા આવે છે તે લ્યો આ કળશો.’

 

                ‘લુચ્ચા, લોભી!’ ડોશીમા તાડૂક્યાં. ‘મને છેતરી જવા ધારતો હતો? એ થાળ તો સોનાનો હતો. બિચારો પેલો ફેરિયો આવ્યો ત્યારે જ મેં તો જાણ્યું. ચાલ્યો જા અહીંથી. એ થાળના તો મને હજાર રૂપિયા ઊપજ્યા!’

 

                ડોશીમાએ બધી હકીકત આ લોભી ફેરિયાને કહી દીધી અને તેની લુચ્ચાઈ માટે ખૂબ ઠપકો આપી તેને હાંકી કાઢ્યો.

       

                લોભી ફેરિયો મનમાં પામી ગયો કે નક્કી આ કામ બીજા ફેરિયાનું જ. હાથમાં આવેનું ધન આમ એકાએક ચાલ્યું ગયેલું જોઈને તે ગાંડા જેવો થઈ ગયો. તેના મનમાં બોધિસત્ત્વ ઉપર વેર લેવાના વિચારે ઘોળાવા લાગ્યા અને પોતાનાં બધાં ઠામ ડોશીમાના ઘર પાસે ફેંકી દઈ એક ગાંડાની માફક તે બોધિસત્ત્વ પાછળ દોડ્યો. બોધિસત્ત્વને આ લોભી ફેરિયાના સ્વભાવની અને તેની વૈરવૃત્તિની ખબર હતી, તેથી એ તો સોનાનો થાળ લઈને પોતાના ગામ તરફ ચાલી ગયા હતા. લોભી ફેરિયાએ બોધિસત્ત્વની શોધમાં આખું ગામ ઢૂંઢ્યું પણ ક્યાંએ પત્તો ખાધો નહિ. તેથી તે બહુ નિરાશ થયો અને મન ઉપરનો કાબૂ વધારે ખોઈ બેઠો. ગામની શેરીએ શેરીએ અને ચૌટે ચૌટે તે ગાંડાની માફક રખડવા લાગ્યો. ન રહ્યું તેને ભાન ખાવા-પીવાનું કે ન રહ્યું પહેરવા-ઓઢવાનું. ગામના લોકો તેને ગાંડો ગણીને તેની દયા ખાવા લાગ્યા. તેને ખવરાવે, પિવરાવે, પહેરાવે, ઓઢાડે; પણ ફોગટ! તેના દિવસો ભરાઈ ચૂક્યા હતા. ગાંડપણમાં ને ગાંડપણમાં જ માથાં પછાડી ઝૂરીઝૂરીને તે મરણ પામ્યો.

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020