Saslu Ane Vagh - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સસલું અને વાઘ

Saslu Ane Vagh

હરરાય અ. દેસાઈ હરરાય અ. દેસાઈ
સસલું અને વાઘ
હરરાય અ. દેસાઈ

    ગોધરાના જંગલમાં એક મોટો ભૂખ્યો વાઘ આવી પડ્યો. તે રોજ જંગલમાં ફરે અને બેચાર જાનવર મારી નાખે. તે ઘણાં જાનવરોને રોજ મારે. જંગલનાં પ્રાણીઓ ફિકરમાં પડ્યાં. તેમને કાંઈ ઉપાય સૂઝે નહીં. માંહોમાંહે કચપચ ઘણી કરે, પણ કોઈને બચવાનો રસ્તો ન જડે.

    એક ઘરડા શિયાળને કાંઈક સૂઝ્યું. તેમે બધાં જાનવરોની સભા બોલાવી. તે બોલ્યો : ‘જુઓ, ભાઈઓ અને બહેનો, આમ ને આમ આપણે બેસી રહીશું તો બધાંનો નાશ થશે. આપણામાંથી કોઈની મગદૂર નથી કે તે વાઘની સામે થાય. મને એક રસ્તો સૂઝે છે. જુઓ, આપણે આપણી મેળે તેને રોજ એક પ્રાણી મોકલી આપીએ, તો તે વાઘ નિરાંતે તેની બોડમાં પડ્યો પડ્યો ખાય. પછી તે જંગલમાં ભટકીને બીજાં પ્રાણીઓને મારશે નહીં. એથી આપણે આખો દહાડો શાંતિથી હરીફરી શકીશું.’

    લુચ્ચા શિયાળે પોતાના મનમાં નક્કી કર્યું કે પહેલાં બીજાં પ્રાણીઓને મોકલવાં. તેની પોતાની ઇચ્છા કાંઈ મરવાની નહોતી.

    બધાં પ્રાણીઓને આ વાત ગમી. તેમણે વાઘને પણ જાણ કરી. વાઘે પણ એ વાત પસંદ કરી. શાંતિથી ખાવાનું મળે તે કોને ન ગમે? રોજ દોડાદોડ કરીને વાઘ થાક્યો હતો. કોઈક દહાડો તેને ખૂબ મળતું અને તે ખૂબ ખાતો. કોઈક દહાડો તેને ભૂખ્યા રહેવું પડતું. વળી હવે તે ઘરડો પણ થયો હતો. તેની દોડવાની અને કૂદવાની શક્તિ પણ ઘટતી હતી.

    એક પછી એક નાનાં જાનવરોને પેલું શિયાળ તેના તરફ મોકલે. કોઈક દહાડો બકરું જાય, તો કોઈક દહાડો ઘેટું જાય, તો કોઈક દહાડો વાછરડું જાય. તે બીચારાંને વાઘ મારી ખાય. એ દહાડો એક નાના સસલાનો વારો આવ્યો.

    સવારના આઠ વાગ્યા, નવ વાગ્યા, તોપણ સસલું તો જાય જ નહીં. પેલું લુચ્ચું શિયાળ તેને સમજાવે, બીચારાં ઘેટાં અને બકરાં સમજાવે; ડાહી સરખી ગાય સમજાવે; પણ સસલું માને શેનું? તેને વાઘના મોંમાં જવું ગમતું નહોતું. એમ મરવા કોણ જાય? તે એક જ વાત કહે : ‘હું વાઘની પાસે જવાનું જ નથી.’ બધાં બહુ સમજાવે ત્યારે જોશથી અને મોટેથી કહે : ‘ના, ના, કદી નહીં, એ વાઘની પાસે હું કદી જનાર નથી. મારે તો રમવું છે, કૂદવું છે, મોટા થવું છે, મારે આમ મરવું નથી.’ પેલું શિયાળ તેને કહે : ‘અરે ભલા સસલા, વહાલા સસલા, આમ તે કાંઈ થાય? તારો વારો આવ્યો અને તું ન જાય તો પછી બધાંની શી વલે થાય?’

    તે બધાં ગમે તે કહે, પણ સસલું માને નહીં. તે માથું ધુણાવીને ના જ કહે. કોઈક વખત તો સસલું એટલું બધું જોશથી માથું ધુણાવે કે તેના કાનનો ફડફડાટ થાય.

    હવે બીજાં પ્રાણીઓ પણ એકઠાં થયાં. ત્યાં ઊંટ, ભુંડ, ભેંસ, હરણ, સાબર, લોંકડી વગેરે ઘણાં પ્રાણીઓ આવ્યાં. તેમનાં મોં ફિક્કાં હતાં. સસલાની હઠથી તે બધાં ઘણાં ગભરાયાં.

    પણ વાઘ તો રાહ જોતો હતો. તે ઊંચો થાય, નીચો થાય, બોડની બહાર આવે. તે આમ ફરે ને તેમ ફરે. તે જોરથી પૂંછડી પછાડે અને પાછો બોડમાં જાય. તે મોટી મોટી ગર્જનાઓ કરે, પણ સસલાને કોઈ સમજાવી શક્યું નહીં.

    દિવસ ધીમે ધીમે ચઢતો હતો. નવ થઈ ગયા, દસ થઈ ગયા, અગિયાર થઈ ગયા; પણ સસલું એકનું બે ન થાય. સસલાને બીજાં પ્રાણીઓ કંઈક કહે ત્યારે તે કહે : ‘મને બોલાવો ના, મને વિચાર કરવા દો, મારે શું કરવું તે હું સમજું છું.’

    પછી બપોર થયો. સૂર્ય બરાબર માથે આવ્યો. વાઘ ગુસ્સે થઈને મોટી ગર્જના કરતો હતો, પણ તે હાલતો નહોતો. તેની ગર્જના પણ ધીમે ધીમે નરમ થતી હતી. સૂર્ય તપતો ગયો તેમ તેમ જંગલમાં પણ શાંતિ પથરાતી ગઈ. ભૂખ્યા વાઘની આંખ મીંચાવા માંડી. તે સહેજ ઊંઘી પણ ગયો. અહીં શિયાળ, ગાય, ઊંટ વગેરેને પણ ઊંઘવાનું મન થયું.

    એકાદ વાગ્યો એટલે સસલું બૂમ પાડીને બોલ્યું : ‘લો, હું આ ચાલ્યું.’ તે દોડતું દોડતું વાઘની બોડ તરફ ગયું. બધાં પ્રાણીઓના મનમાંથી બીક ઓછી થઈ. હવે તેમને લાગ્યું કે તેઓ એક દિવસ તો નિરાંતે ચરી શકશે. બધાં પોતપોતાનો ખોરાક શોધવા નીકળી પડ્યાં.

    પેલું સસલું ગયું તો વાઘની બોડ તરફ. તે ખૂબ દોડતું દોડતું જતું હતું. રસ્તે જતાં ઘણાં પ્રાણીઓએ તેને દોડતું જોયું પણ ખરું. તેમણે માન્યું કે તે સીધું વાઘના પંજામાં જઈ પડશે, પણ તે મૂરખ નહોતું. તે બોડ પાસે પહોંચ્યું, પણ ત્યાં જ હાંફતું હાંફતું અટકી ઊભું. ઊંઘતા વાઘે સહેજ આંખ ઉઘાડી. તેને કકડીને ભૂખ લાગી હતી. તેણે પોતાનો પંજો લંબાવ્યો અને તે બોલ્યો : ‘આમ આવ નાલાયક સસલા, કેમ તેં મને અત્યાર સુધી ભૂખે માર્યો? હવે શેની વાર કરે છે? તું કેમ મોડું આવ્યું?’

    સસલું ડૂસકાં ખાતું હોય એવો ઢોંગ કરીને બોલ્યું : ‘ઓ મારા રાજા! અરે વાઘ રાજા! મારો ભાઈ કેવો જાડો હતો અને હું કેટલું પાતળું?’

    વાઘ કહે : ‘ત્યારે તે કેમ ન આવ્યો?’

    સસલું કહે : ‘અરે, તે આમ આવતો હતો, પણ રસ્તે તેને બીજા વાઘે પકડ્યો.’

    વાઘ ઘૂરકીને કહે : ‘કો...ઓ...ઓ...ઓ...ણ?’

    સસલું ડૂસકાં ખાતાં ખાતાં કહે : “બીજો વાઘ પેલાં ઝાડવાં પાસેની બખોલમાં રહે છે, તેણે મારા જાડા ભાઈને પકડ્યો. મારા ભાઈએ આપનું નામ દીધું. મારો ભાઈ કહે કે ‘આપ તો અમારા રાજા છો અને મને રોકશો તો આપ ચિડાશો.’ તે કહે કે એવા વાઘડા તો ઘણાય ભટકે છે. મારા ભાઈએ ઘણુંયે કહ્યું, તે કરગર્યો ને રોયો ત્યારે તેને તે વાઘે છોડ્યો ને કહ્યું : ‘જા, બીજા કોઈને એ વાઘડા પાસે મોકલ અને તું અહીં પાછો આવ.’ પછી મારો ભાઈ ઘેર આવ્યો અને મને અહીં મોકલ્યો આપની પાસે. મારા રાજા, પછી તો ગયો પેલા વાઘ પાસે. પેલો વાઘ તો મોટો છે. તે આપને ‘વાઘડા’ ‘વાઘડા’ કહે છે.”

    પોતાને ‘વાઘડો’ કહ્યો સાંભળી તે વાઘ ઘણો ગુસ્સે થયો. તે બોલ્યો : “ચાલ, મને તેની પાસે લઈ જા. તારા જાડાભાઈને પકડી રાખનાર વાઘને માર્યા વગર નહીં રહું. તેમે મને ‘વાઘડો’ કહ્યો! હમણાં જ દેખાડી આપું છું કે હું વાઘ છું કે વાઘડો.”

    સસલું ડૂસકાં ખાતું જાય અને આગળ ચાલતું જાય. તે કહે : ‘વાઘરાજા! વાઘરાજા! આપ ચેતીને ચાલજો. તે વાઘ ઘણો મોટો છે. હું આપને તેની બોડ પાસે લઈ તો જઈશ, પણ મને બહુ ડર લાગે છે.’

    વાઘને હવે આથમણી દિશા તરફ જવાનું હતું. નીચા નમતા સૂર્યનાં કિરણો તેની આંખમાં આવતાં હતાં. તેનાથી બરાબર દેખાતું નહોતું. વાઘ, સિંહ, બિલાડી વગેરે પ્રાણીઓને તડકામાં બરાબર દેખાય નહીં. તેણે અડધી આંખ મીંચી રાખી હતી. પેલું સસલું ઝાડીમાંથી નીકળી ગયું. તે ખુલ્લા મેદાનમાં આવ્યું. ત્યાં તેની પાછળ વાઘ પણ ગયો. ત્યાં એક ઊંડો કૂવો હતો. તેની પાસે જઈને પેલું સસલું ઊભું રહ્યું. વાઘ પણ કૂવાના થાળા પર ગયો. તે કૂવો પાણીથી ભરેલો હતો. સસલાએ કૂવામાં દેખાડી કહ્યું કે, ‘રાજા! જુઓ, ઓ રહ્યો એ મોટો વાઘ!’ પેલા વાઘે કૂવામાં જોયું. એક વાઘ તેની સામે જોતો હોય એમ તેને લાગ્યું. તેની આંખો વિકરાળ બની. તેને ખૂબ ગુસ્સો ચઢ્યો. આ વાઘે ગર્જના કરી, કૂવાની અંદરથી પણ સામો અવાજ આવ્યો.

    પેલા સસલાએ સહેજ ડોક લંબાવી. તે કહે : ‘વાઘરાજા! પેલો રહ્યો મારો ભાઈ.’

    ભૂખ્યો વાઘ ખૂબ ગુસ્સે થયો. તેણે મોટી ગર્જના કરી કૂવામાંથી પણ મોટો અવાજ આવ્યો. પછી વાઘ બોલ્યો : ‘હરામખોર, લુચ્ચા, મને તેં વાઘડો કહ્યો? મારું સસલું આપી દે છે કે નહીં? નહીં તો હમણાં જ તારા ગાભા કાઢી નાખું છું.’

    આટલું બોલી કૂદકો મારી તે કૂવામાં પડ્યો. તે કૂવો ઊંડો હતો. તેમાં ખૂબ પાણી હતું. તેમાં જે વાઘ દેખાયો તે પોતાનું જ મોં હતું. આરસીમાં જેમ પોતાનું મોં દેખાય તેમ વાઘે પોતાનું જ મોં આ પાણીમાં જોયેલું. તે કૂવામાં પડ્યો એટલે ડૂબી મર્યો.

    વાઘ મર્યો એટલે સસલું ખુશ ખુશ થઈ ગયું. તે નાચતું અને કૂદતું જંગલમાં ગયું. તે હવે મોટેથી ગાતું જાય ને કૂદતું જાય.

‘ધમાક ધમ, ધમાક ધમ,
ચાલો ભાઈઓ જોર કદમ;
ધમાક ધમ, ધમાક ધમ,
વાઘ પડ્યો કૂવામાં ભમ.
ધમાક ધમ...
નજરે વાઘ પડતો ભાળ્યો,
જાતે કહેવા અહીંયાં આવ્યો.
હેઈ ધમાક ધમ...

    તેનો અવાજ સાભળી બધાં પ્રાણીઓને અચંબો થયો. તેનું ગીત સાંભળી બધાં ખુશ થયાં અને બધાં પાછલા પગે ઊભાં થઈ ખુશીથી ગાવા લાગ્યાં :

સસલે વાઘ પડતો ભાયો,
તે કહેવાને અહીંયાં આવ્યો.
ધમાક ધમ...

    તેમના હર્ષનો પાર નહોતો. પોતાનો દુશ્મન મરી જાય તો હર્ષ કોને ન થાય? રાત પડી ત્યાં સુધી બધાંએ આ ગીત ગાયું. ગાતાં ગાતાં તેમના ઘાંટા પણ બેસી ગયા.

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020