રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅમદાવાદનો બાદશાહ,
એ બાદશાહનો આ જમાઈ.
બાદશાહના જમાઈને બે માથાં. એક માથું સહુને હોય તેવું. બીજુ માથું મગરૂરીનું, ગર્વનું.
એ માથામાં ભારે રાઈ ભરેલી. કોઈને ગાંઠે નહિ. એને એમ કે હું કોણ? અમદાવાદના બાદશાહનો જમાઈ! મને કહેનાર કોણ?
એ વખતે અમદાવાદનો બાદશાહ અહમદશાહ, અમદાવાદનો વસાવનાર. એ અહમદશાહનો આ જમાઈ.
જમાઈ એટલે શું? તોબાની તાળી.
વાતની વાત છે. એક બટકબોલો માણસ. એને આખેઆખું ને સાચેસાચું કહેવાની ટેવ.
એને જમાઈરાજની વર્તણૂક ખૂંચે.
એ કહે : ‘રાજાનો જમાઈ થયો એટલે શું શેર ઘી લાવ્યો? એણે પણ માણસની રીતે વર્તવું જોઈએ.’
જમાઈરાજનો પિત્તો આ સાંભળી ઊકળી ઊઠે. એ કંઈ કંઈ ગાળો કાઢે.
પેલા બટકબોલા માણસને સહુ સમજાવે : ‘અલ્યા, મોટાની સાથે માથાકૂટ સારી નહિ. મોટા કરે એ લીલા, નાના કરે એ ગુનો.’
પણ પેલોય ન સમજ્યો. જમાઈરાજની કંઈ ભૂલ જુએ કે તરત ટીકા કરે. આમ ન થાય, આમ થાય, આ સારું, આ ખોટું.
ધીરે ધીરે જમાઈરાજને પેલો માણસ આંખના કણા જેવો લાગવા માંડ્યો. એક દિવસ તો એ ખૂબ ગુસ્સામાં આવી ગયો. તલવાર લઈને એણે પેલા માણસનું ડોકું ઉડાવી દીધું.
એક ઘા ને બે કટકા. ધડ અને માથું જુદાં.
જમાઈરાજે ગર્જના કરતાં કહ્યું : ‘આ નાલાયક માણસ છે. એની લાશ કાગડા-કૂતરાને ખાવાલાયક છે. પણ મારું મન ઉદાર છે. જેવાની સાથે તેવા થવું નહિ.’
એ માણસની લાશ એનાં સગાંવહાલાંને સોંપવામાં આવી.
એ માણસના ઘરમાં જુવાન પત્ની!
એ બિચારી તો પોતાના પતિના મડદાને જોઈ બેબાકળી થઈ ગઈ. શું કરવું? કંઈ ન સૂઝ્યું. એને એક વિચાર આવ્યો : ‘રાજા ઈશ્વરનો પડછાયો છે. રાજા પાસે ફરિયાદ કરું.’
એ અમદાવાદના સુલતાનના દરબારમાં પહોંચી ને ગળગળે સાદે બોલી :
‘હજૂર! આપે ચીભડાંના ચોરને ફાંસીની સજા જેવું કર્યું. મારા પતિ બટકબોલા હતા. એ એમની જીભનો વાંક હતો. જીભ કાપી લેવી હતી. હેડમાં પૂરવા હતા. પણ મેં એમનું શું બગાડ્યું હતું કે મને સજા કરી? પતિ વિનાની સ્ત્રીની શી સ્થિતિ?’
સુલતાન અહમદશાહે કાજીને બોલાવ્યા અને કહ્યું :
‘આ મારી અંગત બાબત છે. હું ઇન્સાફ બરાબર તોળી શકીશ નહિ. તમે આ બાઈની ફરિયાદ સાંભળીને ન્યાય આપજો.’
કાજી કેસ ચલાવવા બેઠા.
બાઈ પોતાની ફરિયાદ રજૂ કરી.
જમાઈરાજે પોતાનો બચાવ રજૂ કરતાં કહ્યું : ‘આવી જીભવાળા માણસોને તલવાર સિવાય કોઈ સુધારી શકતું નથી. મને એની ઘરવાળી પર ગુસ્સો નથી.’
જમાઈરાજે ખૂન કર્યું છે એ વાત નક્કી થઈ. હવે કાજી મૂંઝાણા. ‘સુલતાનના જમાઈને સજા થાય કે નહિ?’
કાજીએ તરત જ ગામના ચાર ડાહ્યા માણસોને બોલાવ્યા ને વાત વિગતથી કહી, અને સલાહ માગી.
ચાર ડાહ્યા માણસો વિચાર કરવા બેઠા. તેઓએ ખૂબ વિચાર કર્યા પછી કહ્યું,
‘ગુનો થયો છે. જમાઈરાજે કર્યો છે. પણ ગુનેગારની લાયકાત જોવી જોઈએ. ગુનો કરનાર સુલતાનના જમાઈ છે. ગુનાનો ભોગ થનાર સામાન્ય રૈયત છે. રાજા ને રૈયત એક છાબડે ન જોખાય. ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં વેચાય તો એ નગરીનું નામ અમદાવાદ નહિ પણ અંધેરી નગરી કહેવાય.’
કાજીને પણ આ ડાહ્યા માણસોની સલાહ ગળે ઊતરી ગઈ. એણે ચુકાદો આપતાં કહ્યું :
‘બાઈ! તારા પતિનું ખૂન થયું, એ સાચું. એના બદલામાં તને ત્રીસ અરબી ઊંટ આપવાનો જમાઈરાજને હુક્મ કરું છું.’
બાઈ બોલી : ‘આ તમારો ન્યાય કેવો? એક આદમીના જાનની કિંમત માત્ર ત્રીસ અરબી ઊંટ?’
જમાઈરાજે વચ્ચે દખલ કરતાં કહ્યું :
‘વધુ ડાહી ન થા. એ તો માણસે માણસે ફેર છે. એક ટકાના ત્રણ શેર હોય છે, એક લાખે એક હોય છે. છતાં હું મોટો માણસ છું. મોટાઈ મારે છોડવી ન જોઈએ. તને ત્રીસનાં ચાલીસ અરબી ઊંટ આપીશ. હવે રાજી થઈને ઘેર જા.’
બાઈ રાજી તો શું થાય? પોતાના પતિના જાનની કિંમત 40 અરબી ઊંટ?
બાઈ ચાલી ગઈ. જઈને સુલતાનને મળી. બધી વાત કહી.
બીજે દિવસે સુલતાને કાજીને બોલાવ્યો, અને બધો હેવાલ માગ્યો.
કાજીએ પોતાનો ચુકાદો કહી સંભલાવ્યો ને છેવટે ઉમેર્યું :
‘હજૂર, માણસ સામે જોવાનું હોય છે. માણસે માણસે ફેર છે.’
સુલતાન કહે, ‘દુનિયાની બીજી બાબતોમાં માણસ સામે જોવાય, ન્યાયની બાબતમાં નહિ. ન્યાયમાં ગુનો જોવાય. જેવો ગુનો એવી સજા. વારુ, બાઈએ ઊંટ સ્વીકારી લીધાં?’
કાજીએ કહ્યું, ‘બાઈ એના મરનાર ખાવિંદ (ધણી) જેવી જક્કી છે.’
સુલતાને થોડી વાર વિચાર કર્યો. પછી બોલ્યો,
‘ખૂનનો બદલો ફાંસી. હું જમાઈરાજને ફાંસીની સજા ફરમાવું છું. ફરીથી મારાં સગાં મગરમચ્છ જેવાં થઈ મારી રૈયાને ન સતાવે.’
‘હજૂર! રહમ! દયા!’ દરબાર એકદમ પોકારી ઊઠ્યો.
‘રહમ ઇન્સાનને મળે. દયા આદમી માટે હોય. હેવાન પર દયા ન હોય. અને ન્યાયના કાન દયાથી અજાણ્યા છે. હું ગેરઇન્સાફ કરી ખુદાનો ગુનેગાર થવા માગતો નથી.’
‘આપની બેટીના સૌભાગ્યનો વિચાર કરો.’
‘આ બાઈ પણ કોઈ બાપની બેટી તો હશે ને? એના સૌભાગ્યનું શું?’
સુલતાન અહમદશાહ મક્કમ હતો.
એણે શૂળી ખડી કરાવી.
જમાઈરાજને શૂળી આપી.સુલતાને કહ્યું.
‘સિંહાસન ફૂલોની પથારી નથી. રાજા સાચો સાંઈ છે. સાંઈનું સગું આખું જગત.’
એ દહાડે અહમદશાહનો ઇન્સાફ અમર થઈ ગયો. ભલભલા સાંઈના મોંમાંથી ધન્યવાદ નીકળી ગયા.
સ્રોત
- પુસ્તક : જયભિખ્ખુની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 133)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2014