રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆજે અમિતા ખૂબ ખુશ હતી. તેની બહેનપણી હસીના હવે તેના બાજુના ફ્લેટમાં રહેવા આવવાની હતી. નિશાળમાં તો બન્ને જોડે જ રહેતાં. હવે તો ઘેર પણ સાથે અવાશે. નિશાળે પણ સાથે જવાશે ને પોળમાં પણ સાથે રમાશે – એ વિચારે તે ખૂબ ખુશ હતી. નાચતી-કૂદતી તે ઘેર આવી અને તેણે દાદાજીને કહ્યું : ‘દાદાજી, દાદાજી! મને ખૂબ મજા પડી. મારી કાસ બહેનપણી હસીના ખરી ને. તે હવે આપણી જોડે જ રહેવા આવવાની છે. તેના પપ્પાએ બાજુવાળો ફ્લેટ ખરીદી લીધો છે. મને તો ખૂબ મજા પડશે.’ કહી એ તો દોડતી દોડતી જતી રહી રમવા. દાદાજીની સામુંય જોવા ન રહી.
બીજે દિવસે તે નિશાળે ગઈ કે હસીના કહે : ‘અમિતા, અમે આવતા શુક્રવારથી ત્યાં રહેવા આવીશું. પછી તો મારા પપ્પા સ્કૂટર પર આપણને બેઉને નિશાળે મૂકી જશે. સાંજે નિશાળેથી સાથે ચાલતાં આવીશું. ખૂબ મજા આવશે, નહીં?’
ને એ શુક્રવાર આવ્યો પણ ખરો. હસીનાના પિતા સરસામાન સાથે નવા મકાનમાં રહેવા પણ આવ્યા. પોળમાં કેટલાંકને ગમ્યું, કેટલાંકને ના ગમ્યું; પણ અમિતાને ખૂબ ગમ્યું. એ ઝટપટ દાદાજી પાસે ગઈ ને કહેવા લાગી : ‘દાદાજી, દાદાજી, હસીના લોકો રહેવા આવી ગયા. હસીનાને આપણે ઘેર બોલાવી લાવું?’
દાદાજી એકદમ બરાડ્યા : ‘ના. એમ તું એને આપણે ઘેર ન લાવ. એ લોકો રહ્યાં મુસલમાન. નિશાળમાં બોલવું હોય તો બોલજે. બાકી પોળમાંય એની સાથે રમવાનું નથી. નથી એને આપણે ઘેર બોલાવવાની કે નથી તારે એને ઘેર જવાનું. હવે તું ફરી એનું નામ મારી પાસે ન લેતી. જા, રમવા.’
અમિતા તો ડઘાઈ જ ગઈ. તેને થયું : ‘તે મુસલમાન છે તો શું થઈ ગયું? છે તો મારા જેવી જ.’ થોડી વારે મમ્મીએ તેને સમજાવી-પટાવીને પોળમાં રમવા મોકલી; પણ તેનું ચિત્ત રમતમાં ચોંટે જ નહીં ને! થોડી વારે તે જાતે જ હસીનાને ઘેર ગઈ. હસીના બારણા પાસે જ મોં ચઢાવીને ઊભેલી.
અમિતાને જોઈ તે ખુશ થઈ ગઈ. પછી બોલી : ‘અમી, જો ને આ મારાં દાદીઅમ્મા, કહે છે તું અમિતા અમિતા કરે છે પણ જોજે ને, તને એને ઘેર પણ નહીં બોલાવે. અરે, અમિતાને પણ અહીં નહીં આવવા દે. અમિતા આપણા ઘરનું પાણીયે નહીં પીએ. તે હેં અમી, ખરી વાત એ? તું મારે ઘેર પાણીયે ના પીવે? તો તો મને બહુ દુઃખ થાય.’ આટલું કહેતાં કહેતાં હસીના તો રડવા જેવી થઈ ગઈ. અમિતા શાંત ઊભી રહી. ત્યાં તો અંદરથી એના દાદાઅમ્માનો અવાજ આવ્યો : ‘અરે હસીના, તારી એ અમિતાને અહીં ના લાવતી. મને એવા પરાયા મજહબવાળા ઘરમાં આવે તે ગમતું નથી.’ હસીના અને અમિતા બંને સજ્જડ થઈ ગયાં. થોડી વારે અમિતા બોલી : ‘બધાંય ઘરડાંઓ સરખાં જ હોય છે, નહીં?’ ને બેઉ જણ પોળમાં રમવા જતાં રહ્યાં.
બીજે દિવસે બેઉ પોતપોતાની રીતે જ નિશાળે ગયાં. નિશાળામાં સાથે જ બેઠાં, ભણ્યાં, રમ્યાં, ને નિશાળ છૂટી કે બન્ને સાથે જ ઘેર આવવા નીકળ્યાં. રસ્તામાં તેઓ આવી આવી વાતો કરવા લાગ્યાં : ‘અમી, આપણે જોડે જોડે જ રહીએ ને તોય એકબીજાને ઘેર ન જવાય એવું કેમ?’ હસીના બોલી.
અમિતા : ‘ખરી વાત છે. આમ ના ચાલે. કંઈક કરવું તો પડશે. પણ કરાય શું? દાદાજી મારું બદું કહ્યું માને, લાડ લડાવે, વાર્તાઓ કહે, મમ્મી મને લઢે ત્યારે મારું ઉપરાણું પણ લે; પણ તારી વાત કરી કે એકદમ ખિજાયા. ને તેમની પાસે મારું જોર કેટલું ચાલે? છતાંય કંઈક કરીએ, જેથી તે ખુશ થઈ જાય.’
ચાલતાં ચાલતાં જ તેણે હસીનાનો હાથ પકડી લીધો ને બોલી : ‘જો અહીં આવ, તને કાનમાં કહું એ પ્રમાણે તું કરજે ને હુંય કરીશ. જો બધો તાલ.’ ને પછી તેણે હસીનાના કાનમાં કંઈક કહ્યું. બંને જણ ખુશ થતાં થતાં પોતપોતાને ઘેર ગયાં.
અમિતા ઘેર ગઈ કે તેની મમ્મીએ તેને દૂધ આપ્યું. અમિતાએ તે ના પીધું, ‘ના રે, આવું દૂધ કોણ પીએ?’ દાદાજી ત્યાં હાજર જ હતા. ‘કેમ? રોજ તો આવું દૂધ પિવાય છે ને આજે આમ કેમ? કેવું દૂધ છે?’ દાદાજીએ પૂછ્યું.
‘દાદાજી, તમને ખબર નથી, પણ આપણે જે ભૈયાજી પાસેથી દૂધ લઈએ છીએ ને હસીના-લોકો પણ તેમની પાસેથી જ લે છે. આજે સવારે મેં જોયું હતું. હસીનાના દાદીઅમ્માએ ભૈયાજીના હાથમાં તપેલી આપી, હાથોહાથ, હોં દાદાજી! ને પછી એ ભૈયાજી આપણને દૂધ આપી ગયો. બોલો, જે દૂધવાળો મુસલમાનને અડક્યો હોય, તેની પાસેથી દૂધ લઈએ તે કઈ રીતે પિવાય? એવું ગંધાતું દૂધ મારે નથી પીવું.’ આવું કહી એ તો જતી રહી પોળમાં. દાદાજી અને મમ્મી એને જોઈ જ રહ્યાં.
આ બાજુએ હસીનાએ ઘેર જઈને બધું જ પાણી ઢોળી દીધું. તેની મમ્મી તે વખતે બહાર ગયેલી. ઘરમાં એકલાં દાદીઅમ્મા જ હતાં. દાદીઅમ્મા રાડારાડ કરવા લાગ્યાં : ‘અરે હસીના, આ શું કરે છે? તને કંઈ થયું કે શું? તારા બાપને ના પાડતી કે હિંદુઓના લત્તામાં ઘર ના લે. પણ મારું માને છે કે કોણ? અરે! હસીના. પાણી કેમ ઢોળી નાંખે છે? બધું પાણી ઢોળી દીધું તો હવે પીશ શું? ખાઈશ શું? અરે, પણ આ છોકરી તો સાંભળતીયે નથી?’ આ બાજુ હસીના તો પાણી ઢોળતી ગઈ ને કહેતી ગઈ, ‘તે દાદીઅમ્મા, આગળના હિંદુઓના નળમાંથી આ પાણી આવે છે. તેમના નળની સાથે જ આપણો નળ પણ જોડાયેલો છે. તે પછી એવું પાણી કંઈ રખાય?’ એટલું કહી એ દોડી ગઈ પોળમાં, અમિતાની સાથે રમવાને.
ઘણી વારે બંને પોતપોતાને ઘેર ગયાં. અમિતા, તેના પપ્પા, દાદાજી બધાં જમવા બેઠાં. જમતાં જમતાં અમિતાએ કહ્યું : ‘મમ્મી, આપણે જે દુકાનેથી અનાજ લાવે છીએ તે જ દુકાનેથી હસીનાના પપ્પા પણ લાવે છે. તો પછી તેને ઘેર કેમ ના ખવાય?’ દાદાજી આ બધું સાંભળતાં જ હતા. મનમાં ને મનમાં મલકાયા : ‘હઅઅઅ... તો આ છોકરી હસીનાને ઘેર જવા માટે બધી ગોઠવણ કરે છે!
પેલી બાજુ હસીનાની મમ્મીએ તેને જમવા બેસાડી. દાદીઅમ્માની રાડારાડ હજીયે ચાલુ હતી. હસીના કહે : ‘તે હેં દાદીઅમ્મા, આ અનાજ ક્યાં ઊગે? જમીનમાં જ ને! ને જ અનાજ વેપારીને ત્યાં હોય ને! અમિતાના પપ્પા પણ આપણે જ્યાંથી અનાજ લાવીએ છીએ ત્યાંથી જ લે છે, તો પછી મારાથી તેને ઘેર કેમ ના ખવાય? તેને ઘેર કેમ ના જવાય!’ દાદીઅમ્મા તેની સામું જોઈ રહ્યાં. ‘એક તો બધું પાણી ઢોળ્યું. આ તારી માને આવીને બધું ભરવું પડ્યું, ત્યારે આ રસોઈ થઈ; ને હવે પાછી આ ટપટપ કરે?’ એના પપ્પા આ બધો તાલ જોયા કરતા હતા ને ધીમું ધીમું હસતા હતા. હસીનાને કહે : ‘બેટા, તારી વાત સાચી છે હોં. અમિતાને આપણે ઘેર બોલાવજે, જરૂર બોલાવજે.’ ને પછી દાદીઅમ્માને કહે : ‘મા, અમિતાય હસીના જેવી જ છોકરી છે. નાહક તું શું કામ અકળાય છે?’ હસીના દાદીઅમ્માને વળગી પડી ને લાડથી બોલી : ‘હેં દાદીઅમ્મા, હું પછી અમિતાને બોલાવું ને!’ દાદીઅમ્મા છેવટે કહે : ‘હારી, બાપ હારી. હા, જા; બોલાવ અમિતાને.’ ને હસીના જમીને તરત અનિતાને બોલાવવા દોડી.
અમિતાને ઘેર ગઈ તો તેનું બારણું બંધ. તેણે બારણું ઠકઠકાવ્યું. અમિતાએ જમીને ઘરનાં બધાં જ બારીબારણાં બંધ કરી દીધેલાં. તેનાં મમ્મી-પપ્પા ને દાદાજી પણ ખૂબ અકળાયાં. મમ્મીએ ખિજાઈને કહ્યું : ‘અમિતા, આ તેં શું માંડયું છે? આ બધાં બારીબારણાં બંધ કેમ કર્યાં? ગૂંગળામણ થાય છે, જા બારીઓ ખોલી આવ.’
અમિતા કહે : ‘ના, નહીં ખોલું. આપણા ઘર પર પવન આવે છે તે તો બાજુવાળા મુસલમાનના ઘર પર થઈને આવે છે. એવી હવાને હવે આ ઘરમાં નહીં આવવા દઉં.’ ને તે મુખ્ય બારણા પાસે ઊભી રહી. તે જ વખતે બહાર હસીના બારણું ઠકઠકાવતી હતી. ને બોલતી હતી : ‘અમિતા; ઓ અમિતા! બારણું ખોલ.’ અમિતા અંદર રહ્યે રહ્યે કહે : ‘એ ના. અમે તો હિંદૂ છીએ. અમે મુસલમાન સાથે વાત ના કરીએ. જા, પાછી જા.’ કહેતી જાય ને દાદા સામે જોઈ હસતી જાય. પેલી બાજુ હસીના બારણું ઠકઠકાવતી જ રહી.
ત્યાં તો દાદાજી જ બારણા પાસે ગયા. અમિતાને ધીમે રહી બાજુએ ખસેડી, ને પોતે જ બારણું ખોલ્યું. અમિતા દાદાજીને વળગી પડી.
‘મારા વહાલા દાદાજી.’ ને દાદાજીએ બીજે હાથે હસીનાને પણ પોતાની પાસે ખેંચી લીધી, વહાલથી માથે હાથ ફેરવવા!
સ્રોત
- પુસ્તક : શ્રદ્ધા ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 44)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022