
એક હતો રાજા. એનું નામ ઓડકારસિંહ. એની મૂછો અણીદાર. એની તીણી તલવાર. જમવાનો એને ભારે શોખ. એ જમવા બેસે ત્યારે દાસદાસીઓ ભાત ભાતનાં ભોજન પીરસે. સફેદ કપડાં પહેરેલા સેવકો ચામર ઢોળે, છત્તર ધરે. ભાટચારણો સારી સારી વાતો કહે. રાણીઓ પંખા નાંખે અને રાજા ઓડકારસિંહ આનંદે જમે.
જમ્યા પછી સોનાનાં લોટામાંથી ઘટક ઘટક ઠંડું પાણી પીએ. ત્યાં એમને જોરથી ઓડકાર આવે ત્રણ વાર : ઓહિયાં ઓહિયાં ઓહિયાં.
રાજાને ઓહિયાં આવે એટલે રાણીઓને ઓહિયાં આવે. રાણીઓને ઓહિયાં આવે ટલકે દાસદાસીઓને ઓહિયાં આવે. એટલે બહાર ઊભેલા ચોકીદારોને ઓહિયાં આવે. ચોકીદારોને ઓહિયાં આવે એટલે ગામ આખાના લોકોને ઓહિયાં આવે. અને એનો એટલો મોટો અવાજ થાય કે દરિયો માથોડું માથોડું ઊંચો થાય ને પછડાય, માથોડું માથોડું ઊંચો થાય અને પછડાય. લોકો કહે કે દરિયો ખડ ખડ હસે છે. હસવાની એવી એની રીત છે.
રાજા ઓડકારસિંહ રોજ આમ જમીને ઓડકાર ખાય અને દરિયાને ગલીપચી કરીને હસાવે. હવે એક દિવસ એવું બન્યું કે રાજા ભાત ભાતનાં પકવાન જમ્યા. દાસદાસીઓએ ભોજન પીરસ્યાં. સેવકોએ ચામર ઢોળી. ભાટચારણોએ સુંદર વાતો કહી, રાણીઓએ વીંઝણા વાયા. રાજા પેટ ભરીને જમ્યા. ઉપર સોનાના લોટામાંથી ઠંડું પાણી પીધું! પણ એમને તે દિવસે ઓડકાર ના આવ્યો. રોજ ત્રણ ત્રણ વાર ઓહિયાં થાય ને આજે એક વાર પણ નહીં. રાજાએ ઘણા ખોંખારા ખાધા પણ એક વાર પણ ઓહિયાં ના થયું. રાજાને ઓડકાર ના આવ્યો. એટલે રાણીઓને ઓડકાર ના આવ્યો. રાણીઓને ઓડકાર ના આવ્યો એટલે દાસદાસીઓને ઓડકાર ના આવ્યો. દાસદાસીઓને ઓડકાર ના આવ્યો એટલે બહાર ઊભેલા ચોકીદારોને ઓડકાર ના આવ્યો. ચોકીદારોને ઓડકાર ના આલ્યો એટલે આખા ગામના લોકોને ઓડકાર ના આવ્યો. ઓડકાર ના આવ્યો એટલે રાજાને તો છાતીમાં દુખવા આવ્યું. રાણીઓને, દાસદાસીઓને, ભાટચારણોને, ચોકીદારોને, આખા ગામના લોકોને છાતીમાં સખત દુખવા આવ્યું. બધા લોકો બીચારા છાતી પકડીને બેસી રહ્યા. રાજાની બીમારી જોઈ વૈદહકીમો મહેલમાં દોડી આવ્યા. કોઈએ પડીકીઓ ચટાડી, કોઈએ ગોળીઓ ગળાવી. કોઈએ કડવી દવા ગળામાં રેડી, કોઈએ ઉપવાસ કરાવડાવ્યા,. કોઈએ પેટછાતીએ પાટા બંધાવ્યા; પણ રાજાને ઓડકાર આવે નહીં, ને છાતીમાં દુખવાનું મટે નહીં. રાજાને દુખે એટલે રાણીને દુખે એટલે... અને બધા લોકો પાંસળીઓ પકડીને બેસી રહે.
આમ કરતાં સાત સાત દિવસનાં વહાણાં વાયાં,. રાજાએ ઢંઢેરો પિટાવ્યો કે જે કોઈ રાજાને ઓડકાર લાવશે, ઓહિયાં કરાવશે એને અડધું રાજપાટ ને રાજકુંવરી પરણાવવામાં આવશે.
આ સાંભળી જાત જાતના લોકો આવ્યા. દેશ દેશથી જાદુગર આવ્યા. ભૂવાજતિ આવ્યા, સાધુમુનિ આવ્યા, વૈદહકીમો આવ્યા. પણ કેમે કરતાં ઓડકાર ના આવ્યો તે ના આવ્યો.
ત્યાં એક નાનો સાત વરસનો છોકરો મહેલ પાસે આવ્યો. એનું નામ કિરાત. આંખો મોટી કોડી જેવી, દેખાવે ફાંકોડી. વાળનાં લટિયાં ઊડે છે, આંખો વિચારે ડૂબે છે. એણે તો મહેલની બહાર ઊભા ઊભા જોર જોરથી ડંફાશ મારવા માંડી : ‘અરે એક ચપટીમાં રાજાને સાજા કરી દઉં. એમાં શી મોથ મરવાની છે?’
ચોકીદારો એને કાઢી મૂકતા હતા ત્યાં રાજાએ અંદરથી બૂમ મારી : “કોણ છે એ? જે હોય એને અંદર લાવો.”
કિરાત અંદર ગયો.
“બોલ, તું શું કહેતો હતો?”
“તમને એક ચપટીમાં સાજા કરી દઉં, રાજાજી.”
“નહીં કરે તો?”
“તો મારું માથું ને તમારી તલવાર. પણ એક શરત કે હું કહું તે બધું તમારે કરવું પડશે.”
રાજાએ કહ્યું, “ભલે.”
કિરાતે સિપાઈઓને હુક્મ કર્યો, “મલ્લશાળામાંથી બે તગડામાં તગડા મલ્લોને બોલાવી લાવો.”
થોડી વારમાં મદનિયા જેવા બે મલ્લો મહેલમાં ડોલતા ડોલતા આવ્યા. કિરાતે જોરથી કહ્યું : “રાજાને બે પગેથી પકડીને ઊંધા લટકાવો.”
આ સાંભળીને મલ્લો બીકથી થર થર ધ્રૂજવા માંડ્યા.
કિરાતે રાજા સામે જોયું.
રાજાએ કહ્યું, “ભલે.”
મલ્લોએ રાજાને પગેથી પકડીને ઊંધા લટકાવ્યા.
કિરાતે નજીક જઈને રાજાની ઝૂલતી ચોટલી પકડી. પછી બીજો હાથ રાજાની છાતી ઉપર મૂકી ચોટલી જોરથી કડ કડ કરતાં ખેંચી. અને ઓડકાર તો લખોટીની જેમ ગબડતો ગબડતો મોઢા બહાર નીકળ્યો અને નીચે ખણણણ કરતો પડ્યો.
રાજાએ તો જોરથી ઓડકાર ખાધો :
ઓહિયાં, ઓહિયાં, ઓહિયાં.
રાજાને ઓહિયાં આવ્યાં, એટલે રાણીઓને ઓહિયાં આવ્યાં. રાણીઓને ઓહિયાં આવ્યાં એટલે દાસદાસીઓને ઓહિયાં આવ્યાં. એટલે ભાટચારણોને ઓહિયાં આવ્યાં એટલે ચોકીદારીને ઓહિયાં આવ્યાં એટલે આખા ગામના બધા લોકોને જોર જોરથી ઓહિયાં આવ્યાં.
ઓહિયાં, ઓહિયાં, ઓહિયાં.
એટલો મોટો અવાજ થયો કે ઝાડ બધાં ડોલ્યાં. દરિયો માથોડું માથોડું ઊંચો થઈને પછડાયો. લોકો કહે છે કે જુઓ દરિયો હસ્યો, દરિયો હસ્યો. હસવાની એની એવી રીત છે.
સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 369)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020