Na Khijavani Sharat - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ન ખિજાવાની શરત

Na Khijavani Sharat

વસંત નાયક વસંત નાયક
ન ખિજાવાની શરત
વસંત નાયક

    યુરોપની એક દક્ષિણે આવેલા ઇટાલી નામના દેશની આ વાત છે. આ વાતને ઘણાં ઘણાં વર્ષો થઈ ગયાં પણ હજી એ લોકજીભેથી ખસતી નથી.

    ઇટાલીમાં એક ખેડૂત હતો. ખેડૂત ગરીબ હતો ને બે બાળકોને મૂકી ગુજરી ગયો હતો. માએ પેટે પાટા બાંધી દીકરાને ઉછેર્યા.

    હવે આ બેઉ ભાઈઓ મોટા થયા. એમને આ ગરીબી હઠાવવા કંઈક કરવું જ જોઈએ એમ થવા માંડ્યું. પછી નક્કી કર્યું કે મોટાએ પરદેશ કમાવા જવું ને નાનાએ ડોસી પાસે રહેવું.

    તૈયારી કરી મોટો ઊપડ્યો પરદેશ જવા. તે જમાનામાં મુસાફરીનાં વાહનો જેવું કંઈ હતું જ નહિ અને કંઈ હોય તોયે એ માટેના પૈસાયે આની પાસે ન હતા. એણે તો પગે ચાલવા માંડ્યું. ચાલતો ચાલતો જતો હતો.

    એમ દિવસો સુધી ચાલ્યા પછી એ વાડી આવી. ખૂબ થાકેલો હતો એટલે કૂવા પાસેના ઝાડ નીચે જરા આડો પડ્યો. પછી તો એ ત્યાં ઊંઘી ગયો.

    બીજે દિવસે સવારે વાડીના માલિકે એને જગાડ્યો.

    બધી વાત જાણી મોટાને એણે નોકરીએ રાખવાની ઇચ્છા બતાવી. એની શરતો આકરી હતી : જ્યારે કહે ત્યારે ને જે કહે તે કામ કરવાનું. બન્ને વચ્ચે છ મહિનાનું બંધન. કદી પણ ખિજાવું નહીં. ખિજાય તો એક હજાર સિક્કા આપવાના.

    મોટાએ હિંમત કરીને પૂછ્યું કે “તમે?”

    “હું ખિજાઉં તો મારે તને હજાર સિક્કા આપવા, પછી છે કાંઈ?”

    થોડો વિચાર કરી મોટાએ ખિસ્સાં ખંખેર્યાં ને કહ્યું : “મારી પાસે તો એકે સિક્કો નથી ત્યાં હજાર સિક્કાની વાત કેવી રીતે કરું?”

    હજાર સિક્કા નહિ અપાય તો દસ વરસ વગર પગારે નોકરી કરવાની શરત થઈ. કરાર પર સામસામે સહીઓ થઈ ને મોટો એને ત્યાં કામે લાગ્યો. નોકરી કપરી હતી પણ મોટાએ મન મનાવ્યું. કામની તો આળસ નથી. ખિજાવાનુંયે સ્વભાવમાં નથી. છતાં મનમાં ગમ ખાઈ જવાની ગાંઠ વાળ્યા કરવી.

    વાડીવાળાની દાનત સાફ ન હતી. મળસ્કે કૂકડો બોલે ત્યારથી એ મોટાને ઠાડે ને એક એકથી ચઢતું કામ સોંપ્યે રાખે. આ બધું કામ થાય એ જ મોટો લાભ. તેમાં વળી જો નોકર ખિજાય તો તો હજાર સિક્કા મળે એ બીજો લાભ એમ એ વિચારતો.

    એમ કરતાં એક દિવસ મોટાને ખૂબ થાક લાગ્યો. તાવ હશે એવુંયે જણાયું. એ એક ઝાડ નીચે આડો પડ્યો. એટલામાં તો શેઠ ત્યાં આવી પડ્યો.

    “આવી નોકરી કરે છે? ઊઠ, કામે લાગ.” શેઠ ગમે તેમ બબડવા માંડ્યું.

    મોટો ગમ ખાઈ ગયો, ઊઠીને કામે લાગ્યો. રાતે એનો તાવ વધી ગયો, તોપણ સવારે ઊઠીને કામે વળગ્યો.

    આમ કેટલા દહાડા કઢાય? છતાં કમાવા આવેલો એટલે નોકરી છોડવાનો જીવ ચાલે નહિ. એને એનું ગરીબ ઘર યાદ આવે. ગરીબી હઠાવવાનો નિશ્ચય યાદ આવે. છ મહિનાનો કરાર કરેલો એટલે એ મુદત પૂરી કર્યા વિનાયે છૂટકો ન હતો.

    એક તો એનો તાવ જતો ન હતો, શેઠ કંઈ દવાદારૂ કરતો ન હતો ને ઊલટાનો કામનો બોજો વધાર્યે જતો હતો. આખરે એક દિવસ મોટાથી ખિજાઈ જવાયું. “મારે આ ગુલામી નથી જોઈતી. તમે તે માણસ છો કે કસાઈ છો?” એનાથી બોલી જવાયું.

    “તું ખિજાઈ ગયો. લાવ હજાર સિક્કા.” શેઠે શરતનું કાગળિયું ખિસ્સામાંથી કાઢીને બતાવ્યું.

    મોટો હવે ખૂબ થાક્યો હતો ને છેક કંટાળ્યો હતો. હજાર સિક્કાની ગોઠવણ કરવા ઘેર જવાની એણે રજા માંગી. નામ, ઠામ બરાબર લખી લઈ શેઠે એને રજા આપી.

    મોટો ઘેર આવ્યો. એને સાવ માંદલો ને સૂકલો જોઈ માની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં.

    બધી વાત જાણી નાનાએ કહ્યું : “એને ત્યાં મને નોકરીએ જવા દે. શેઠને હું સીધો કરી દઈશ.”

    માએ ને મોટાએ ના પાડી, પણ નાનો મક્કમ રહ્યો. એ જવા તૈયાર થયો. જતી વખતે મા બોલી : “ના, દીકરા, તું ખીજભેર જાય છે પણ શેઠ ઉપર કદી ગુસ્સે ના થતો. ગમ ખાઈ જજે. વખત આવે ગમ ખાશો તો જ આપણો જયવારો છે.”

    વાડીવાળો શેઠ તો નાનાને જોઈ ભારે રાજી થયો. મોટો નબળો પડી ગયો હતો. આ જુવાનીના જોમથી ભરેલો જણાતો હતો. શેઠે કહ્યું : “મારી શરત કબૂલ છે ને?”

    “હાજી, પણ મારે એમાં ઉમેરો કરવો છે.” નાનો બોલ્યો.

    “શું ઉમેરો કરવો છે?”

    શેઠે પૂછતાં નાનો બોલ્યો : “જે ખિજાય તેણે એક હજારને બદલે બે હજાર સિક્કા આપવા એમ રાખવું છે. કબૂલ છે તમને?”

    શેઠ આ સાંભળી મનમાં ખુશ થયો. શરત કબૂલ કરી સામસામે સહીસિક્કા કરાયાં. એક કાગળ શેઠે રાખ્યો ને એક કાગળ નાનાએ રાખ્યો.

    આ બધું થતાં રાત પડી ગઈ. જમી કરીને નાનો સૂઈ ગયો. સવારે વાંસપૂર દહાડો ચઢ્યો પણ ભાઈની ઊંઘ હજી પૂરી થઈ નહીં!

    શેઠને ખબર પડી. એણે બૂમ મારી. “અલ્યા, હજી ઊઠ્યો નથી! કેટલા વાગ્યા ખબર છે? ઊઠ જલદી ને કામે લાગ.”

    છોકરાએ આંખ ખોલી. પછી પાછી મીંચી દીધી. આળસ મરડીને પડખું ફરી સૂઈ ગયો.

    આ જોઈ શેઠનો પિત્તો ગયો, “અરે ઓ આળસુના સરદાર!”

    છોકરાએ સૂતા સૂતાં કહ્યું, “કેમ શેઠ, ગુસ્સો આવ્યો છે, મારા પર?”

    આ સવાલથી શેઠ ચમક્યો. તરત અવાજ નરમ કરી બોલ્યો : “ના રે, એમાં ગુસ્સે શું થવાનું? હું તો તને કહું છું, જલદી ઊઠ ને કામે લાગ.”

    “ઊઠું છું. તમે તમારે જાઓ.” છોકરાએ કહ્યું.

    શેઠ ચાલ્યો ગયો. છોકરો સૂઈ જ રહ્યો.

    બપોર થયા પણ છોકરો હજી ઊઠ્યો નહિ. એ જાણીને શેઠ એને ઉઠાડવા આવ્યો.

    “અલ્યા, તારાં લક્ષણ નોકરી કરવાનાં જણાતાં નથી. બપોર થયા તોયે હજી ઘોર્યા કરે છે?”

    “ના રે ના, કોણ ઘોર્યા કરે છે? આ હમણાં જ ઊઠ્યો સમજો ને! પણ તમે આમ ગુસ્સો કેમ કરો છો?” પડખું ફરતાં છોકરાએ પૂછ્યું.

    “ગુસ્સે નથી થતો. હું તો તને કહું છું. હવે ઊઠ, તૈયાર થા ને કામે લાગ.”

    છેવટે છોકરો બેઠો થયો.

    આમ તો બપોર થઈ ગયા હતા પણ એની તો હજી સવાર જ થઈ હતી ને? દાતણપાણી વગેરે સવારનું બધું કામ પતાવી એ તૈયાર થયો.

    પછી શેઠને કહે, “બપોર થઈ ગયા, નહીં? જમવાનો વખત થઈ ગયો. હવે તો જમી લઈએ.”

    ધરાઈને ભાઈસાહેબ જમ્યા. પછી આવા ભરેલા પેટે કાંઈ કામ થાય? એક ઝાડની નીચે આરામ કરવા એ આડો પડ્યો.

    આ જોઈ શેઠ દોડી આવ્યો. “સાંજ પડવા આવી છતાં હજી તેં તણખલું તોડ્યું નથી. તોયે પાછો આડો પડે છે!”

    “મને પણ એમ જ થાય છે, શેઠ! સાંજ પડવા આવી હવે કામ પર ચઢવાનો કંઈ જ અર્થ નથી. જે થાય તે હવે કાલે. શું લાગે છે તમને?”

    શેઠની ચિન્તા વધી ગઈ. એને થયું કે આ છોકરો માથાનો મળ્યો. છ મહિના કેમ કઢાશે?

    આમ થોડા દિવસ ગયા. છોકરો મરજીમાં આવે તે કરે. શેઠનું સાંભળવું હોય તો સાંભળે, નહીં સાંભળવું હોય તો નહીં સાંભળે. શેઠ અકળાય ખૂબ. ગુસ્સે ન થવાય ને રજા પણ ન અપાય.

    એક દિવસ શેઠને ત્યાં મહેમાનો આવ્યા. શેઠે છોકરાને બોલાવ્યો ને કહ્યું, “મહેમાનો માટે જલદી રસોઈ કરવી છે. જા ઘેટાને કાપી લાવ.”

    “કયા ઘેટાને?” જલદી જવાને બદલે એ પ્રશ્ન પૂછીને ઊભો રહ્યો.

    “પૂછ પૂછ કરીને વખત નહિ બગાડ. જા જે તારી સામે દેખાય તેને કાપી લાવ.”

    થોડી વારમાં શેઠનો ભરવાડ દોડતો આવ્યો. “શેઠ, જલદી દોડો. ઘેટાંના વાડામાં પેલા છોકરાએ તો કાળો કેર વર્તાવવા માંડ્યો છે. દોડો, જલદી દોડો.”

    શેઠ હાંફળાફાંફળા દોડ્યા. જઈને જુએ તો છોકરો એક પછી એક ઘેટાં કાપી રહ્યો હતો.

    ખૂબ જ ગુસ્સાભેર શેઠ બરાડી ઊઠ્યા : “ઓ મૂરખના સરદાર! આ શું કસાઈવેડા માંડ્યા છે? આટલાં બધાં ઘેટાં કાપી નાખવાનું તને કોણે કહ્યું?”

    “કેમ શેઠ ફરી જાઓ છો? મેં પૂછ્યું ત્યારે તમે બોલેલા કે જે તારી સામે આવે તેને કાપી લાવ. હું તો તમારા હુકમ પ્રમાણે જ કરી રહ્યો છું.”

    છોકરાને ઠંડે પેટે આવો જવાબ આપતો સાંભળી શેઠ ઊકળી ઊઠ્યા : “નીકળ, જા, મારી નોકરીમાંથી. તારા જેવો બેવકૂફ નોકર મારે નથી જોઈતો.”

    “લાવો શેઠ બે હજાર સિક્કા. તમે કરાર તોડ્યો છે.” નાનાએ ખિસ્સામાંથી શરતનો કાગળ કાઢ્યો.

    “હા, હા. લે તારા બે હજાર સિક્કા. પણ ઘેર જઈ તારા ભાઈને કહેજે કે જલદી આવી જાય. એને કરારમાંથી હું છૂટો કરતો નથી. સાંભળ્યું?” શેઠનો પારો હજી ઊતર્યો ન હતો.

    શેઠ પાસેથી બે હજાર સિક્કા લઈને તેમાંથી એક હજાર સિક્કા પાછા આપતાં નાનો બોલ્યો : “લો, આ મારા મોટાભાઈના કરાર પ્રમાણેના હજાર સિક્કા. હવે એ કરારમાંથી છુટ્ટો છે ને?”

    નાનાની આ ચતુરાઈ જોઈ શેઠ આભો જ બની ગયો. “મારા સિક્કાથી આ છોકરો મને જ બનાવી ગયો.” બબડતાં બબડતાં એણે મોટો નિસાસો નાખ્યો.

    પછી હજાર સિક્કા લઈ નાનો ઘેર આવ્યો ને ત્રણેએ ખાધું, પીધું ને મજા કરી.

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 152)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020