Mamruni Chikumasi - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મમરુની ચીકુમાસી

Mamruni Chikumasi

સાંકળચંદ પટેલ સાંકળચંદ પટેલ
મમરુની ચીકુમાસી
સાંકળચંદ પટેલ

     “માડી, ઓ માડી! મને કોઈ મારે છે. બચાવો, બચાવો!” ચીકુડીનો નાનો છોડ ધા નાખી રહ્યો હતો.

     ચીકુડીના છોડની માએ ઉપરથી નીચે જોયું. મામુ માળીનો છોકરો મમરુ હતો. તે ચપ્પુ વડે છોડની ડાળી પર ઘા મારી રહ્યો હતો.

     ચીકુડીએ નમીને પ્રેમથી કહ્યું : “ભાઈ મમરુ! તું એવડા નાનકડા છોડને શા માટે કાપે છે? એને મોટો થવા દે, એના પર ચીકુ આવવા દે, પછી ચીકુ લઈને ખાજે ને! અત્યારે તું એને કાપીશ તો એ બિચારો મૂરઝાઈ જશે. એ મોટો નહિ થાય ને એના પર ચીકુ પણ નહિ આવે.”

     મામુ માળીનો છોકરો મમરુ થોડો તોફાની હતો. એને આવી શરારતો કરવાની ટેવ પડી ગઈ હતી. મામુ એને ઘણી વાર લડતો અને કોઈક વાર પ્રેમથી સમજાવતો પણ ખરો : “જો, ભઈ મમરુ! નાનો છોડ તો નાના છોકરા જેવો કહેવાય. એને જરાક પણ ઈજા થાય તો એને દુખ થાય ને એ મરી પણ જાય. એટલે એને તો સાચવવો પડે, એની માવજત કરવી પડે, અને એને રોજ પાણી પણ પાવું પડે, સમજ્યો?”

     “હા, સમજ્યો. જાઓ, તમે તમારું કામ કરો. મને મારું કામ કરવા દો.” મમરુ થોડો ઉશ્કેરાઈને બોલતો હતો, એટલે જીભાજોડી કરવામાં મજા નથી, એવું સમજીને મામુ પોતાના કામે વળગી ગયો.

     ચીકુડીએ વધુ સ્નેહથી પૂછ્યું : “ભાઈ મમરુ! તું છોડની ડાળી શા માટે કાપતો હતો? તારે એની શી જરૂર હતી?”

     ચીકુડીની મીઠી વાણીથી મમરુ થોડો શાંત પડ્યો. તેણે કહ્યું : “મારે દાતણ માટે ડાળખી લેવી હતી, તેથી કાપતો હતો.”

     “ઓહો, ત્યારે એમ કહેને મારા ભઈલા, તારે દાતણ જોઈએ છે. લે, હું મારું ડાળું નીચે નમાવું છું, એમાંથી પાતળી ડાળખી કાપી લે, બસ, હવે તો રાજી ને?” ચીકુડીએ વધુ મીઠાશથી કહ્યું.

     “હા, ચીકુમાસી! તમે કેવાં ભલાં છો મારો બાપ તો મને કદી પ્રેમથી બોલાવતો પણ નથી!” મમરુ આક્રોશથી કહી રહ્યો હતો.

     ચીકડુએ વધુ પ્રેમ વરસાવતાં કહ્યું : “બેટા, કાલે તૂં ફરીથી મારી પાસે આવજે, આપણે નવી નવી વાતો કરીશું.”

     મમરુને ચીકુમાસીના પ્રેમભર્યા વર્તાવથી સારું લાગ્યું. જતાં જતાં તેણે કહ્યું : “કાલે હું જરૂર આવીશ. ચીકુમાસી, પ્રણામ!”

     બીજે દિવસે મમરુ સમયસર આવી ગયો. આવતાં જ હાથ જોડીને કહે : “નમસ્કાર ચીકુમાસી! લો, તમારે માટે હું પાણી લાવ્યો છું. પીઓ.”

     ચીકુમાસીએ વહાલથી કહ્યું : “આવ બેટા, મારી નજીક આવ, અને મારા પગ પાસે બેસી જા. હું તને સાખ થયેલું ચીકુ આપું છું, તે તું ખા.”

     ચીકુડીએ ડાળી હલાવીને એક ચીકુ નીચે પાડ્યું. મમરુએ તે ખાઈને કહ્યું : “માસી, આ તો ગળ્યું મધ જેવું મીઠું છે! મારો બાપ કોઈક વાર ચીકુ લાવે છે, એનાથી તો મને ગળામાં ડચૂરો બંધાઈ જાય છે. આ તો ફટાક દઈને ઊતરી ગયું. માસી, તમારી પાસે આવાં કેટલાં ચીકુ છે?”

     “બેટા, ઘણાં છે. તું રોજ આવજે. હું તને દરરોજ એક ચીકુ આપીશ.”

     “ભલે, ભલે!” કહીને મમરુએ માથું ડોલાવ્યું.

     એટલે માસીએ કહ્યું

     “પણ મમરુ, તારે મારી એક વાત માનવી પડશે. તારે દરરોજ એક લોટો ભરીને પાણી લાવવાનું અને આ નાના છોડને પાવાનું. એ મોટો થઈ જશે, પછી એના પર મીઠાં ચીકુ આવશે, એ બધાં તારાં, તારે જ ખાવાનાં.”

     મમરુ એકદમ ઊછળી પડ્યો : “હેઈ, હેઈ! પછી તો મજા પડશે, મજા!”

     તરત જ પાણી ભરેલો લોટો લઈને એ નાના છોડ પાસે ગયો. છોડને પાણી પાયું. પણ પાછા વળતાં તે થોડો ગંભીર થઈ ગયો. ચીકુમાસીએ પૂછ્યું : “કેમ બેટા! શું થયું? તારું મોઢું કેમ ઊતરી ગયું?”

     ડૂસકું ભરીને મમરુએ કહ્યું : “માસી, મારે મા નથી. હું છે ને મારો બાપ છે, ક્રોધીલો. હું મારા દિલની વાત કોને કહું?”

     “ઓય, ઓય, ઓય! મારા દીકરા, એમાં રડવાનું હોય? હું છું ને! હું તારી માસી છું તો શું થયું તું મને તારી મા ગણજે, બસ ચાલ, થોડું હસ તો....!” કહીને ચીકુડીએ એના માથા પર પત્રનો હાથ ફેરવ્યો.

     મમરુ હી...હી...હી..... કરતો હસી પડ્યો.

     ખુશ થઈને ચીકુમાસી કહ્યું : “જો બેટા, હું તારી ચીકુમાસી ને આ નાનો છોડ એ તારી ચીકુબહેન. બસ, હવે તો તું એકલો નથી ને?”

     મમરુ તો એવો ખુશ થઈ ગયો, એવો ખુશ થઈ ગયો કે કાંઈ કહેવાની જ વાત નહિ.

     આવા આનંદમાં એમનાં એક-બે-ત્રણ વરસ વીતી ગયાં. નાનો છોડ મોટો થઈને ચીકુડી બની ગયો છે. એના પર મીઠાં ચીકુ આવે છે. મમરુ રોજ આવે છે. મીઠાં મધ ચીકુ ખાય છે. ચીકુમાસી અને ચીકુડીબહેનની સારસંભાળ રાખે છે અને સૌથી મોટી વાત તો એ છે કે તેણે બધી શરારતો છોડી દીધી છે.

     પહેલાંની તોફાની મમરુભાઈને હવે ગામ આખું ડાહ્યા મમરુભાઈ કહીને બોલાવે છે.

સ્રોત

  • પુસ્તક : સાંકળચંદ પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 149)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014