Mahollamatani Jay! - Children Stories | RekhtaGujarati

મહોલ્લામાતાની જય!

Mahollamatani Jay!

શ્રદ્ધા ત્રિવેદી શ્રદ્ધા ત્રિવેદી
મહોલ્લામાતાની જય!
શ્રદ્ધા ત્રિવેદી

                એક શહેર. તેની એક સોસાયટી. તેમાં અનેક બંગલાઓ. સોસાયટીના નાકે એક મોટો બંગલો હતો. એ બંગલાની પાછળની બાજુએ ધોબી રહે. ધોબીનું નામ હતું અહમદમિયાં. તેમને એક દીકરો. નામ રહીમ. બંગલામાં નીતિન રહે. નીતિન અને રહીમ બંને સરખી ઉંમરના, એટલે બંનેને ફાવે ખૂબ. સાથે જ રમે. અહમદમિયાં અને રહીમને આજુબાજુના સોસાયટીવાળાઓ પણ ઓળખે. રહીમ મહેનતુ અને પ્રામાણિક છોકરો. કોઈનોય આંટોફેરો ખાઈ જાણે.

 

                નવરાત્રી નજીકના સમયમાં શરૂ થવાની હતી. આ સોસાયટીના કેટલાક છોકરાંઓને થયું, ચાલો ને, આપણેય મહોલ્લામાતા કરીએ.

 

                નીતિનના બંગલામનું કમ્પાઉંડ મોટું હતું. તેથી ત્યાં જ મહોલ્લામાતા કરવાનું ગોઠવ્યું. રહીમે આ મહોલ્લામાતાની તૈયારીમાં ખૂબ કામ કર્યું. બંગલાનો એક ખૂણો વાળીઝૂડીને ચોખ્ખો કર્યો. પછી માટી-છાણથી લીંપીગૂંપીને તૈયાર કર્યો. દરેક બંગલેથી પૈસા ઉઘરાવ્યા. તેમાંથી ઈંટો લાવ્યા. બધાંએ મળી સરસ રીતે ગોઠવી. કોડિયાં લાવ્યાં. તેલ ઉઘરાવ્યું. વાટ પણ તૈયાર રાખી. રંગીન કાગળનાં તોરણોથી મહોલ્લામાતા શણગાર્યાં.

 

                નવરાત્રી શરૂ થઈ. પહેલા દિવસની સાંજ પણ પડી. દરેક બંગલામાંથી નાનાં નાનાં છોકરા-છોકરીઓ આવી પહોંચ્યાં. નીતિન પોતાના ઘરમાંથી સ્ટીલની થાળી લાવ્યો. દીવાઓ પ્રગટાવ્યા ને આરતી પણ પ્રગટાવી.

 

                નાની છોકરીઓએ આરતી ઉતારી. છોકરાઓએ ખૂબ આનંદ કર્યો. શરૂના બે-ત્રણ દિવસ નાનાં છોકરાંઓએ આરતી ઉતારી ને એમ ત્રણ દિવસ આનંદથી પસાર થઈ ગયા.

 

                પછીના દિવસે નીતિનનો વારો આવ્યો. નીતિને આરતીની થાળી હાથમાં લીધી ને રહીમને બોલાવ્યો. રહીમ આરતી ઉતારવા લાગ્યો. રહીમ આવ્યો એટલે બેચાર છોકરાઓને વાંધો પડ્યો.

 

                ‘એય રહીમ, તેં પૈસા નથી ભર્યા. ને વળી તું તો મુસલમાન છે. તારાથી આરતી નહીં ઉતારાય.’

 

                રહીમ તો ડઘાઈ જ ગયો! આવું સાંભળી તે બિચારો તો ના બોલે કે ચાલે! નીતિનનેય ખૂબ દુઃખ થયું. તેય આરતી મૂકીને ઊભો રહ્યો. બીજા છોકરાઓ નીતિનને કહે : ‘એય નીતિન, તું આરતી શરૂ કર. પણ નીતિન હાલ્યો જ નહીં. પૂતળા જેવો ઊભો જ રહ્યો. થોડી વારે કહે : ‘રહીમ આરતી કેમ ન ઉતારે? તેણે પૈસા નથી ભર્યા એ વાત સાચી. પણ તે ગરીબ છે. અને તેણે મહેનત તો કેટલી બધી કરી છે?’

 

                ‘તેણે મહેનત કરી છે તે કરે, એમાં શું? એમ તો ગધેડોય મહેનત કરે છે. એટલે શું ગાયની માફક તેને પૂજવાનો?’

 

                ‘પણ રહીમની વાત જુદી છે. એ કેટલો સારો ને પ્રામાણિક છોકરો છે?’

 

                ‘પણ તે મુસલમાન છે. તે આપણા જેવો તો ના જ ગણાય.’

 

                ને એમ છોકરાઓ વચ્ચે તકરાર તો વધી પડી. પણ નીતિનનું મન માનતું નહોતું. રહીમ તો ઊભો ઊભો રડતો હતો. નીતિન દોડતો દોડતો પોતાના બંગલામાં ગયો ને એની મમ્મીને કહેવા લાગ્યો : ‘મમ્મી, મમ્મી, રહીમે પૈસા નથી ભર્યા માટે બીજા છોકરાઓ તેને આરતી ઉતારવાની ના પાડે છે – તે તું એના પૈસા આપ.’ નીતિનનાં મમ્મા ઊઠ્યાં. ‘ચાલ, હું આવું છું તારી સાથે.’ ને બંને જ્યાં મહોલ્લામાતા કરેલાં ત્યાં આવ્યાં. રહીમ ઊભો ઊભો હજી રડતો હતો.

 

                નીતિનની મમ્મી ઉષાબહેન રહીમની પાસે ગયાં. તેને ગોદમાં લઈ કહ્યું : ‘છાનો રહી જા હોં રહીમ! એના પૈસા હું ભરી દઉં છું. છોકરાંઓ, એને હવે આરતી કરવા દેજો હોં.’

 

                ઉષાબહેને તેના પૈસા ભરી દીધા એટલે બધાંએ તેને આરતી કરવા દીધી.

 

                આરતી પૂરી થઈ એટલે બધા આખી સોસાયટીમાં પ્રસાદ આપવા નીકળ્યા.

 

                બેચાર બંગલા પછી મેહુલનો બંગલો હતો. રહીમના હાથમાં પ્રસાદની થાળી હતી. આગળ નીતિન ને પાછળ રહીમ. બંને મેહુલના બંગલામાં ગયા. મેહુલનાં મમ્મી-પપ્પાએ આરતી-પ્રસાદ લીધાં. ઓસરી પર એક સોફામાં મેહુલનાં દાદી બેઠાં હતાં. તેમણે નીતિન પાસેથી આરતી લીધી.

 

                ‘તું તો ઉષાનો દીકરો નીતિન, નહીં ને?’ દાદીની બાજુમાં બેઠેલા દાદાએ પૂછ્યું.

 

                ‘હા દાદા.’ નીતિને કહ્યું.

 

                ‘ને આ તારી જોડે કોણ છે?’ દાદાએ પૂછ્યું.

 

                ‘એ તો આપણી સોસાયટીના ધોબી નહીં, અહમદમિયાં? તેમનો એક છોકરો રહીમ છે.’ રહીમ આગળ આવી દાદાને પ્રસાદ આપવા જતો હતો ત્યાં નીતિને કહેલું સાંભળ્યું કે તે તો ચમક્યા. ‘શું તે તમે મુસલમાન પાસે પ્રસાદ  વહેંચાવડાવો છો? એના હાથનો પ્રસાદ હું નહીં ખાઉં.’

 

                રહીમ ને નીતિન તો સડક જ થઈ ગયા! રહીમના હાથપગ તો પાણી પાણી થઈ ગયા. નીતિનના શરીરમાંથી યે જાણે લોહી ઊડી ગયું.

 

                દાદીએ તો હાથમાં લીધેલો પ્રસાદ થાળીમાં મૂકી દીધો.

 

                ગુસ્સે ભરાયેલા દાદાએ કહ્યું : ‘જાઓ, હવે અહીંથી. કાલથી અહીં પ્રસાદ લઈને ના આવશો. મહોલ્લામાતા કરવા નીકળ્યા છે! ધરમ ધોવા બેઠા છે. કંઈ ભાન પડે નહીં ને!’

 

                આ બધું સાંભળી નીતિન અને રહીમ બીજા બંગલાઓમાં પ્રસાદ આપવા જવાને બદલે સીધા જ નીતિનના બંગલે પાછા ગયા. બીજા થોડા છોકરાઓ પણ તેમની સાથે જ હતા. રહીમ તો થાળી મૂકીને દોડી ગયો પોતાની ઓરડીમાં ને રડવા માંડ્યો. નીતિને રડતાં રડતા બધી વાત મમ્મી-પપ્પાને કરી.

 

                ઉષાબહેને કહ્યું : ‘સારું, અત્યારે તો એક કામ કરો. જાઓ, રહીમને બલાવી લાવો ને પ્રસાદ તમે બધાં જ ખાઈ જાઓ. કાલની વાત કાલે.’ બે-ત્રણ જાણ રહીમને બોલાવવા ગયા પણ રહીમ ન જ આવ્યો. બાકીના છોકરાઓએ પ્રસાદ તો ખાધો, પણ તેમનો ઉત્સાહ ઊડી ગયો હતો. પ્રસાદ ખાવા ખાતર ખાધો ને બધાં વીખરાઈ ગયાં.

 

                મેહુલ ઘેર ગયો. દાદાજી હજી ઓસરીમાં સોફા પર જ બેઠા હતા. મેહુલ આવ્યો એટલે દાદાજી બોલ્યા : ‘પેલા રહીમના હાથનો પ્રસાદ ખાઈ આવ્યો ને!’ મેહુલને ખૂબ રીસ ચડેલી. બધી મજા આ દાદાજીને લીધે જ મરી ગઈ હતી. તેથી તો મોં ફુલાવી, કિટ્ટા કરી તે જતો રહ્યો.

 

                બીજા દિવસે ઉષાબહેને રહીમને શિખવાડ્યું ને રહીમે તે પ્રમાણે કર્યું. મેહુલના ઘેરથી નોકર કપડાં આપવા આવ્યો એટલે તે ના લીધાં. અને કહ્યું : ‘તમારા દાદાને કહેજો, અમે હવે તમારાં કપડાં નહીં ધોઈએ. અમારા હાથે ધોયેલાં કપડા તમારાથી ના પહેરાય.’

 

                નોકરે ઘેર જઈને કહ્યું. દાદાજી તો આવું સાંભળી ધૂંધવાયા. ‘શું સમજે છે એ લોકો એમના મગજમાં?’ એમનો પિત્તો ખસ્યો જ હતો. ત્યાં તો ઉષાબબેન અને નીતિન એમને ઘેર જઈ પહોંચ્યાં. 

 

                ઉષાબહેન કહે : ‘કેમ છો દાદાજી? નમસ્તે!’

 

                દાદાજી : ‘શું નમસ્તે? આ તારા બંગલાની પાછળ રહેતો પેલો ધોબી કપડાં પાછાં મોકલે છે તે સમજે છે શું?’

 

                ઉષાબહેન કહે : ‘દાદાજી એમ આકળા ના થાઓ. હું એટલે જ આવી છું. દાદાજી, પહેલાં તો તમે બેસો.’ દાદાજી સોફા પર બેઠા એટલે બાજુમાં નીતિન અને ઉષાબહેન પણ બેઠાં.

 

                ઉષાબહેન કહે, ‘હવે દાદાજી, એક-બે પ્રશ્ન પૂછું તો તેનો જવાબ આપજો હોં! તમને ગંગામાં કે કોઈ પણ નદીમાં નહાવું ગમે કે નહીં?’

 

                ‘લે કર વાત! નદીમાં નાહીએ તો તો પવિત્ર થવાય! અને કુદરતની કૃપા હોયતો ગંગામાં ન’વાય! નદી તો આપણી માતા કહેવાય માતા! પણ તું કહેવા શું માગે છે? મને સીધું સમજાવ.’

 

                ઉષાબહેન કહે, ‘હંઅઅ... એટલે જે નદી આપણી ખરાબી દૂર કરે, આપણને ચોખ્ખાં કરે તો નદી પવિત્ર ગણાય. ને આપણે તેને માતા ગણીએ છીએ બ...રોબર. હવે બીજો પ્રશ્ન. દાદાજી, તમને બાગમાં ફરવું ગમે કે નહીં?’

 

                દાદાજી કહે : ‘રંગબેરંગી ફૂલડાં હોય ત્યાં ફરવું કોને ના ગમે?’

 

                ‘પણ દાદાજી, એ બાગમાં ખરેલાં પાનફૂલના ઢગલા હોય, કચરો પડેલો હોય તો ગમે? અરે! ઘરમાંય કચરો હોય તો તે દૂર કરીએ તો જ આપણને ગમે છે. તેમ આપણાં કપડાં પર કચરો જે દૂર કરે, તેને... જે બીજાની ખરાબી દૂર કરે, જે બીજાને સારો કરે તે તો પવિત્ર જ છે. તેને વળી નાત શી ને જાત શી?’

 

                નીતિને પણ ટાપશી પુરાવી : ‘ને દાદાજી, રહીમ ને અહમદચાચા મુસલમાન છે એ ખરું; પણ કેટલાં વર્ષોથી તે અહીં રહે છે? તેઓ તો કેટલા સારા છે? પ્રામાણિક છે?’

 

                ‘બસ, બસ બસ બેટા! તું ને તારી મા જે કહેવા આવ્યાં છો ને તે આ દાદો સમજ્યો હોં. બહેન ઉષા, તું મારી દીકરી નહીં, મા થઈને આવી છે એવું લાગ્યું. જા, હવે આજ રહીમના હાથે મારા ઘરનો પ્રસાદ વહેંચાવજે. ને અહીં લાવજે. ને જોજે આ દાદાનું બીજું રૂપ.’

 

                ને તે રાત્રે સોસાયટીના છોકરાઓએ રાગડા તાણી તાણીને મહોલ્લામાતાની આરતી ગાઈ.

 

                રહીમ ને મેહુલ આરતી અને પ્રસાદની થાળી લઈને નીકળ્યા. પાછળ છોકરાઓનું ટોળું હતું. સૌથી આગળ નીતિન હતો. ટોળું ફરતું ફરતું મેહુલના બંગલે આવ્યું. મેહુલે દાદાજીની બુચ્ચા કરીને આરતી આપી. દાદાજીએ આરતી લીધી એટલે રહીમે પ્રસાદ આપ્યો. દાદાજીએ પ્રસાદ લીધો અને બોલ્યા : ‘બોલો છોકરાઓ, મહોલ્લામાતાની જય!’

 

                છોકરાઓએ પણ એવો જવાબ વાળ્યો : ‘મહોલ્લામાતાની જય!’

સ્રોત

  • પુસ્તક : શ્રદ્ધા ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2022