Kukdanu Parakram - Children Stories | RekhtaGujarati

કૂકડાનું પરાક્રમ

Kukdanu Parakram

હંસા મહેતા હંસા મહેતા
કૂકડાનું પરાક્રમ
હંસા મહેતા

                એક હતી ડોશી. તે બહુ જ ગરીબ હતી. ઘરમાં ખાવા-પીવાના પણ સાંસા. એક દિવસ તો આખા ઘરમાં અન્નનો એક દાણો પણ ન મળે; ને ભૂખ તો કકડીને લાગી હતી.

 

                ડોશી પાસે એક કૂકડો હતો. ડોશીને વિચાર આવ્યો કે લાવ, આ કૂકડાને મારીને ખાઉં. પણ કૂકડાને પકડીને જ્યાં મારવા જાય ત્યાં તો અવાજ આવ્યો કે, ‘ડોશીમા, મને મારો નહીં; હું તમને બહુ કામ લાગીશ.’

 

                કૂકડાને માણસની માફક બોલતો સાંભળી ડોશી પહેલાં તો ગભરાઈ ગઈ. પણ પછી હિંમત ધરીને કહે કે, ‘અલ્યા, મને તો લાગી છે કકડીને ભૂખ; અને ખાવાનું જોઈએ છે. માટે તને માર્યા વિના છૂટકો જ નથી.’ ત્યારે કૂકડો કહે કે, ‘મને લઈને તમે મોદીને ત્યાં જાઓ. ત્યાં જઈને કહેજો કે આ કૂકડાના કાનમાં માય એટલું અનાજ આપો.’

 

                ડોશી તો કૂકડાને લઈ મોદીની દૂકાને ગઈ ને કહે કે, ‘ભાઈ, હું ઘણા દહાડાની ભૂખી છું. મને ફક્ત આ કૂકડાના કાનમાં માય એટલું તો અનાજ આપો.’ મોદીએ તો આ સાંભળીને હસવા માંડ્યું ને કહે કે, ‘એટલા ચારપાંચ દાણાથી તારું પેટ ભરાશે?’ ડોશી કહે કે, ‘એટલું આપો તોય ઘણું છે.’

 

                મોદીએ તો એના નોકરને હુક્મ આપ્યો કે આ કૂકડાનો કાન ભરાય એટલા ઘઉં ડોશીને આપો. નોકર એક ગૂણ ઊંચકી લાવ્યો ને તેમાંથી થોડા દાણા કૂકડાના કાનમાં ભર્યા. પણ તેથી કાંઈ કાન ભરાયો નહીં. એટલે એણે થોડા વધારે દાણા નાખ્યા. એમ કરતાં કરતાં આખી ગૂણ ઠાલવી ત્યારે જ કાન ભરાયો.

 

                પછી કૂકડાને લઈને ડોશી ઘેર ગઈ. ત્યાં ઓરડામાં જઈ કૂકડો ખૂબ નાચ્યો એટલે બધા ઘઉં કાનમાંથી બહાર નીકળી પડ્યા ને ડોશીની એક કોઠી ભરાઈ ગઈ. ત્યાંથી તેઓ બીજા મોદીને ત્યાં ગયાં ને એવી જ રીતે કૂકડો કાનમાં ચોખા ભરી લાવ્યો. પછી થોડા દાણા આપી ડોશી ઘી, તેલ ને શાકભાજી લઈ આવી ને જમવાનું કરી પેટ ભરીને ખાધું.

 

                થોડા દિવસ પછી કૂકડો ડોશીને કહે કે, ‘ડોશીમા ડોશીમા, હું તો જાઉં છું.’ ડોશી કહે, ‘ક્યાં જાય છે?’ કૂકડો કહે કે, ‘રાજાની છોકરીને પરણવા.’ ડોશી કહે કે, ‘મેર અક્કર્મી! રાજાની છોકરી તે વળી તને પરણે?’ કૂકડો કહે કે, ‘જોજો તો ખરાં.’

 

                આટલું કહી કૂકડો તો શહેર તરફ જવા નીકળ્યો. જતાં જતાં રસ્તામાં એક નદી આવી. તે કહે કે, ‘કૂકડાભાઈ, ક્યાં ચાલ્યા?’ ત્યારે કૂકડો કહે કે, ‘રાજાની છોકરીને પરણવા.’ નદી કહે કે, ‘વાહ વાહ, તમારાથી એકલા તે જવાય? મને સાથે લો.’ કૂકડો કહે કે, ‘બહુ સારું, મારા કાનમાં પેસ.’ નદી તો એના કાનમાં પેસી ગઈ.

 

                આગળ જતાં જંગલમાં થોડા સાપ મળ્યા. તે પૂછે કે, ‘કૂકડાભાઈ, ક્યાં ચાલ્યા?’ કૂકડો કહે કે, ‘રાજાની છોકરીને પરણવા.’ ત્યારે સાપ કહે કે, ‘અમને પણ તમારી જાનમાં સાથે લઈ જાઓ.’ કૂકડો કહે કે, ‘બહુ સારું, તમે પણ મારા કાનમાં પેસી જાઓ.’ એમ કહી બીજો કાન ધર્યો, એટલે બધા સાપ તેમાં પેસી ગયા.

 

                પછી કૂકડો શહેરમાં પહોંચ્યો. ત્યાં રાજાના મહેલ આગળ જઈને એક ઝાડ પર બેઠો. સવાર પડ્યું એટલે એણે તો ‘કૂકરે કૂ, રાજાની છોકરીને હું પરણું.’ કરીને બૂમ પાડવા માંડી. રાજાના સિપાઈઓએ આ સાંભળ્યું એટલે એમણે કૂકડાને ત્યાંથી હાંકી કાઢ્યો. બીજે દિવસે કૂકડાએ ત્યાં જઈ બીજા ઝાડ પરથી બૂમ પાડી કે, ‘કૂકરે કૂ, રાજાની છોકરીને હું પરણું.’ સિપાઈઓએ ત્યાંથી પણ એને હાંકી કાઢ્યો.

 

                એમ કરતાં કરતાં રાજાને કાને વાત આવી. બીજે દહાડે સવાર પડ્યું એટલે રાજા પોતે અગાશીમાં આવીને ઊભા. ત્યાં તો ‘કૂકરે કૂ, રાજાની છોકરીને હું પરણું.’ એવો અવાજ એને કાને આવ્યો. રાજાજી તો એ સાંભળીને ખૂબ ગુસ્સે થઈ ગયા ને હુક્મ કર્યો કે જાઓ એ કૂકડાને પકડીને ઘોડારમાં બાંધો કે ઘોડાઓ એને પગ નીચે છૂંદી નાખે.

 

                રાજાના સિપાઈઓએ જેમતેમ કરીને કૂકડાને પકડ્યો ને રાત પડી એટલે એને ઘોડારમાં પૂર્યો. કૂકડાએ તો એનો એક કાન ફફડાવ્યો એટલે અંદરથી સાપ નીકળ્યા તે ઘોડાને કરડ્યા. સવારે ઘોડાવાળાએ જેવું બારણું ઉઘાડ્યું કે કૂકડો અંદરથી નાસી ગયો ને ઝાડ પર ચડી ‘કૂકરે કૂ, રાજાની છોકરીને હું પરણું’ કરી બૂમ પાડવા લાગ્યો. રાજાએ તપાસ કરાવી તો જણાયું કે એના ઘોડા તો બધા સાપ કરડવાથી મરી ગયા હતા ને કૂકડાને તો કાંઈ પણ ઇજા થઈ નહોતી.

 

                વળી પાછું કૂકડાએ તો ‘કૂકડે કૂ, રાજાની છોકરીને હું પરણું’ કરવા માંડ્યું. રાજાને હવે તો એવો ગુસ્સો ચડ્યો કે તરત હુક્મ કર્યો કે જાઓ એ લુચ્ચાને પકડી ઝાડે લટકાવી બાળી મૂકો.

 

                બધાએ મળી કૂકડાને પકડ્યો ને ઝાડે લટકાવી નીચે મોટી હોળી કરી. રાજા તથા એના અમલદારો અગાશીમાં જોવા આવ્યા. પણ જેવો ભડકો કૂકડા લગી ઊંચો ગયો કે તરત કૂકડાએ બીજો કાન ફફડાવ્યો ને અંદરથી ધો ધો કરતી નદી નીચે પડવા લાગી. આગ તો હોલવાઈ ગઈ, પણ સાથે ગામ પણ તણાવા લાગ્યું. લોકો ગભરાઈને રાજા પાસે આવી પગે લાગીને કહે કે અમને બચાવો.

 

                રાજાને લાગ્યું કે કૂકડામાં જરૂર કાંઈક દૈવત છે. તેણે કહ્યું કે, ‘કૂકડાભાઈ, હું જરૂર મારી છોકરી તને પરણાવીશ. પણ આ નદીને પાછી ખેંચી લે.’ કૂકડાએ તો તરત નદીને પાછી બોલાવીને કાનમાં પેસાડી દીધી.

 

                રાજાએ ખૂબ ધામધૂમથી કૂકડા સાથે પોતાની છોકરાનાં લગ્ન કર્યાં. પછી કૂકડો ને રાજાની છોકરી સુંદર રથમાં બેસી ડોશીને ઘેર જવા નીકળ્યાં. ડોશી કૂકડાને તથા એની વહુને જોઈને બહુ જ ખુશી થઈ.

 

                પણ રાજાની છોકરીને તો કૂકડો વર મળવાથી બહુ જ દુઃખ થયું. એણે પરમેશ્વરની ખૂબ પ્રાર્થના કરી એટલે ઈશ્વર પ્રસન્ન થયા ને કૂકડાનો સુંદર રાજકુમાર થઈ ગયો.

 

                સૌએ ખાધું, પીધું ને રાજ કર્યું.

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020