રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવાંદરો એટલે વાંદરો... ખરું ને ! પૂંછડીવાળા વાંદરાને જોઈ આનંદ આવે છે ને? હા... તો, એક હતો વાંદરો પૂંછડીવાળો. એનું નામ લાભો. આ લાભો ઝાડ ઉપર કૂદાકૂદ કરે. એક ડાળથી બીજી ડાળ... જરાય શાંતિથી ન બેસે. આવા લાભાથી ઝાડનાં બધાં પાંદડા કંટાળ્યાં હતાં. વળી લાભાની કૂદા-કૂદ કરવાની ટેવથી ઝાડનાં પાંદડા ખરી પડતાં. એટલે ડાળીઓ સાવ બૂઠી અને ઠૂંઠી લાગે. પાંદડા વિનાની ડાળી કોઈને જોવી પણ ન ગમે. પણ આ લાભો એટલે લાભો, એને સમજાવે કોણ?
એક દિવસની વાત છે. પવનનું જોર વધ્યું, એની સાથે પાંદડાં ઝોલે ચડ્યાં. સૂકાં પાન તો ખરી પડે, પણ કુમળાં પાન પણ ઝાલ્યાં ન રહે. એવે સમયે એક ડાળીને વિચાર ઝબક્યો. ડાળીની આગળ નાની અને કુમળી બીજી ડાળી. એ ડાળી તડાક્ દઈ અથડાઈ લાભાના ગાલ ઉપર, લાભો તો પવનના જોરથી ડરી ગયો હતો. તે કંઈ વિચારે તે પહેલાં તો ગાલે વાગી થપ્પડ. એ તો ઊંઘમાંથી જાગ્યો હોય એમ બરાડવા માંડયો... ' કોણે માર્યો લાફો?' પરંતુ આજુબાજુ કોઈ હોય તો બોલે ને! ડાળીઓ તો પવનમાં ડોલતી જાય અને ખિલ... ખિલ... ખિલ.. ખિલ.. હસતી જાય. લાભો કશું સમજ્યો નહીં, કશું ન સમજાતાં વળી પાછું બોલ્યો,
'કોણે માર્યો લાફો?'
હવે પવનનું જોર ઘટી ગયું હતું. ઝાડ ઉપર બેઠેલી એક એક ચકલી આનંદ આવી ચીં...ચીં...ચીં...ચીં... કરવા લાગી. લાભો તો આવ્યો ચકલી પાસે, 'એ...ય... ચીં...ચીં...ચીં...ચીં ના કર, હોંચી....હોંચી કર.'
'અરે! પણ મને એવું બોલતાં ન આવડે.'
'ના આવડે તો શીખી જા અને શોધી લાવ કે... મને કોણે માર્યો લાફો?'
ચકલીને તો કશુંય ન સમજાયું, ને એ તો ત્યાંથી ઊડી ગઈ.
થોડી વાર થઈ ત્યાં તો એક ગધેડો હોંચી...હોંચી... કરતો આવી પહોંચ્યો. પવનનું જોર ઘટ્યું એટલે એ ઝાડ નીચે આવી ઊભો, અને હોંચી...હોંચી કરતો હતો. ત્યાં તો ઝાડ ઉપર બેઠેલો લાભોયે બોલ્યો,
'અલા ઓ.... ગધેડા, આમ શું હોંચી... હોંચી કરે છે? આ તે શું બોલવાની રીત છે? કંઈક સારું ગા, અને મને લાફો કોણે માર્યો એ શોધવા જા.'
ગધેડાના મગજમાં કંઈ ન ઊતર્યું. એ તો હોંચી...હોંચી કરતો ત્યાંથી ચાલી નીકળ્યો. ત્યાં તો આવ્યો કાગડો. કા...કા...કા...કા... કરતો આવ્યો ને બેઠો ઝાડ ઉપર.
લાભો ચિડાયો. ‘એ કાગડા, તાણના રાગડા. આમ શું બકબક કરે છે, મને લાફો કોણે માર્યો એ શોધી લાવ. અને કા...કા...ના સ્થાને મા...મા...મા...મા... એમ બોલતાં શીખ.’
'પણ... મને મા...મા... મા... એમ બોલતાં શરમ આવે. અમે તો કા...કા...કા... કાળા-કાળા કાગડા. મા...મા....મા... એવું ન બોલીએ અમારા સગાંમાં પણ એવું કોઈ ન બોલે.... કે સાત પેઢીમાં પણ એવું કોઈ બોલતું નહીં.' એ સાંભળી વાંદરો ગાવા લાગ્યો.
'એમ ના બોલે તો ના, તેલ પીવા જા. મને કોણે માર્યો લાફો, એ શોધી લાવ જા.'
‘તારે શોધવું હોય તો શોધ, નહીંતર બેસી રે' ઝાડ ઉપર.' અવું કહેવાની ઇચ્છા થઈ આવી, પરંતુ... આ તો લાભો. હેરાન કર્યા વિના ન રહે, એટલે ત્યાંથી ખસી ગયો ને કા...કા... કરતો ઊડી ગયો.
થોડી વાર થઈ હશે ને ત્યાં આવ્યું એક વાછરડું, એની માને શોધતું શોધતું. મા...મા...મા... કરતું આવ્યું ઝાડ પાસે. લાભો તો લાગ જોઈને બેઠો હતો. એટલે વાછરડા સામું જોઈ બોલ્યો, ‘ આમ મા...મા...મા...મા... શું કરે છે ? દા...દા...દા... બોલ.’
વાછરડું તો માને શોધતું હતું, એટલે કંઈ પણ મગજમારી કર્યા વિના ત્યાંથી ચાલી નીકળ્યું. પરંતુ દા...દા...દા...દા... એવું સાંભળી એક વાઘ ઝાડ નીચે આવ્યો. આવીને એ બોલ્યો, 'મને કોણે સંભાર્યો? આ જંગલનો હું દાદો છું, કોણે મને યાદ કર્યો હેં?' વાઘને જોતાં જ લાભો ઠરી ગયો અને પોતાના હાથે જ ગાલે પંપાળવા લાગ્યો. મનોમન કહેવા લાગ્યો... ‘લાફો જેણે માર્યો હોય એણે. મારી કોઈ ફરિયાદ નથી. હું મારા ગાલ પંપાળી લઉં છું. દાદા, તમે અહીંથી જાવ. હું તો પૂછું છું આભને કે... કોણે માર્યો લાફો?'
સ્રોત
- પુસ્તક : કોણે માર્યો લાફો તથા અન્ય વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 3)
- સર્જક : ગિરા પિનાકીન ભટ્ટ
- પ્રકાશક : જોય એન્ટરપ્રાઈઝ
- વર્ષ : 2020
- આવૃત્તિ : 1