રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમથુરાના ચોબાજીઓ ખાવા-પીવામાં બહુ જબરા ગણાય છે.
એક વાર મથુરામાં એક ચોબાજીના નાના દીકરાનું લગ્ન થયું. થોડા વખત બાદ નાની વહુ પિયેરથી આવી. સાસુની આજ્ઞામાં રહી ઘરનાં કામકાજમાં એ પલોટાઈ ગઈ.
એક દિવસ ચોબાજીને કોઈ ભક્તે બ્રહ્મભોજન કરાવ્યું હતું ત્યાં જમવા જવાનું થયું. ચોબાજીએ હા પાડી અને વખત થયો તેના એક કલાક અગાઉ ડોલતા-ડોલતા જજમાનને ત્યાં જવા નીકળી ગયા.
સાસુએ નાની વહુને કહ્યું, ‘અરે વહુ, તારા સસરાજી જમવા ગયા છે તે જમીને થોડા વખતમાં આવશે. એમને માટે ખાટલો બરાબર સાફ કરી, પથારી તૈયાર રાખ.’
સાસુના કહેવાનો અર્થ એવો હતો કે, તારા સસરા પારકે ઘેર પેટ પહોળું કરી ઠાંસી-ઠાંસીને એટલું ખાય છે કે ઘર લગી આવ્યા પછી એક મિનિટ પણ એ ઊભા રહી શકતા નથી. એમને ખાટલે પડી ખૂબખૂબ આળોટવા જોઈએ છે.
વહુ સાસુ કરતાં ચાર ચાસણી ચડે એવી ઉસ્તાદ હતી.
એ બોલી : ‘માઈજી, તમારે ત્યાં આવી રીતે ખાટ ઢાળવાનો રિવાજ છે? અમારા ગામની રીત તો જુદી જ છે.’
સાસુ નવાઈ પામીને બોલી : ‘અરે! એવી પતરાજી ન કરીએ. આ તો મથુરા છે. મથુરા! માખણચોર શ્રીકૃષ્ણ કનૈયાની જન્મભૂમિ. મથુરાની દીકરી, ને મથુરાની ગાય, કરમ ફૂટે તો પરગામ જાય! એવું આ અમારું જાણીતું મથુરા એનાથી વળી એવી કેવી જુદી રીત તારા ગામમાં છે? જરા કહે તો ખરી! હું પણ જાણી તો લઉં?’
વહુ બોલી : ‘અરે માઈજી! અમારા ગામમાં તો જ્યારે મારા બાપા કોઈ જજમાનને ત્યાં બ્રહ્મભોજન કરવા જાય છે ત્યારે ખાટ સાથે જાય છે!’
વહુનું કહેવું એવું હતું કે, મારા બાપુ પારકે ઘેર પેટ પહોળું કરી જમવા બેસે છે ત્યારે એટલું બધું પેટમાં ભોજન ઠાલવે છે કે જમ્યા બાદ એ ઊભા થઈ ઘર લગી ચાલીને આવી શકતા જ નથી. એ પોતાની સાથે જ ગોદડી ને કાથીનો ખાટલો પીઠ ઉપર લઈ જાય છે. ખાધા પછી જજમાનને ઘેર જ ખાટલા ઉપર આળોટી પડે છે!
સ્રોત
- પુસ્તક : રમણલાલ ન. શાહની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 30)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2015