
એક નાનો છોકરો કહોડ પાસે બેઠો બેઠો ચણા ખાય. એટલામાં એક ચણો કહોડ તળે ગબડી પડ્યો. છોકરાએ કહોડને કહ્યું, ‘કહોડ કહોડ, ચણો આપ.’
કહોડ કહે, ‘ના, નહીં આપું, નહીં આપું.’
છોકરો તો ખૂબ ગુસ્સે થઈને સુતાર પાસે ગયો ને સુતારને કહેવા લાગ્યો, ‘સુતાર સુતાર, કહોડ ચીર, કહોડ ચીર.’
સુતાર કહે, ‘નહીં ચીરું, નહીં ચીરું.’
એટલે તો છોકરો રાજા પાસે ગયો ને કહે, ‘રાજા રાજા, સુતાર દંડ, સુતાર દંડ.’
રાજા કહે, ‘નહીં દંડું, નહીં દંડું.’ ત્યાંથી છોકરો રાણીના મહેલમાં દોડ્યો અને રાણીને કહે, ‘રાણી, રાણી, રાજા સાથે રૂસણાં લો, રૂસણાં લો.’
રાણી કહે, ‘હું રૂસણાં નહીં લઉં, નહીં લઉં.’
એટલે છોકરો તો ઉંદર પાસે ગયો ને કહેવા લાગ્યો, ‘ઉંદર ઉંદર, રાણીનાં કપડાં કરડ, કપડાં કરડ.’
ઉંદર કહે, ‘હું કપડાં નહીં કરડું, નહીં કરડું.’
છોકરો તો ત્યાંથી ગયો બિલાડી પાસે ને બોલ્યો, ‘બિલ્લી બિલ્લી, ઉંદરને માર, ઉંદરને માર.’
બિલાડી કહે, ‘હું નહીં મારું, નહીં મારું.’
પછી છોકરો કૂતરા પાસે ગયો ને બોલ્યો, ‘કુત્તા કુત્તા, બિલ્લીને માર, બિલ્લીને માર.’
કૂતરો કહે, ‘હું નહીં મારું, નહીં મારું.’
છોકરો તો પછી વાઘ પાસે ગયો ને કહે, ‘વાઘ વાઘ, કુત્તાને માર, કુત્તાને માર’ ત્યારે વાઘે જવાબ દીધો, હું નહીં મારું, નહીં મારું.’
એટલે છોકરો ગયો હાથી પાસે ને બોલ્યો, ‘હાથી હાથી, વાઘને માર, વાઘને માર.’
હાથી કહે, ‘હું તો નહીં મારું, નહીં મારું.’
છેવટે છોકરો મગતરા પાસે ગયો ને કહે, ‘મગતરા મગતરા, હાથીના કાનમાં પેસ, કાનમાં પેસ.’ ત્યારે મગતરું કહે, ‘હું તો હાથીના કાનમાં નહીં પેસું, નહીં પેસું.’
છોકરો તો હવે ખૂબ ખીજવાઈ ગયો. તેણે મગતરાને કહ્યું, ‘ઊભું રહે! હાથીના કાનમાં પેસે છે કે નહીં? નહીંતર તને ચોળી જ નાખીશ.’ મગતરું બીચારું ગભરાયું ને કહે કે, ‘મને કોઈ ચોળશો ના, મસળશો ના; હું હાથીના કાનમાં પેસું છું.’ આમ કહી મગતરું જેવું હાથીના કાનમાં પેસવા જાય છે કે હાથી પણ ગભરાયો ને બોલ્યો, ‘મારા કાનમાં કોઈ પેસશો ના, કરશો ના હું વાઘ મારું છું, મારું છું.’
વાઘે આ સાંભળ્યું એટલે દોડતો આવીને કહેવા લાગ્યો, ‘મને કોઈ મારશો ના, હું કુત્તાને મારું છું, મારું છું.’
કૂતરો કહે કે, ‘ભાઈ મને કોઈ મારશો ના, કરશો ના; હું બિલ્લીને મારું છું, મારું છું.’
બિલ્લીબાઈ પણ ગભરાયાં ને કહે, ‘મને કોઈ મારશો ના, કરશો ના; હું ઉંદર મારું છું, મારું છું.’
આ સાંભળીને ઉંદર રાણીનાં કપડાં કરડવા તૈયાર થયો. ત્યાં તો રાણી કહે કે, ‘મારાં કપડાં કોઈ કરડશો ના, કરશો ના; હું રાજા સાથે રૂસણાં લઉં છું, લઉં છું.’
રાજાએ આ સાંભળ્યું એટલે કહે કે, ‘મારી સાથે કોઈ રૂસણાં લેશો ના, કરશો ના; હું સુતાર દંડું છું, દંડું છું.’
સુતાર કહે કે, ‘મને કોઈ દંડશો ના, કરશો ના; હું કહોડ ચીરું છું, ચીરું છું.’
સુતારે તરત જઈને કહોડ ચીર્યો એટલે અંદરથી ચણો નીકળ્યો. તે લઈ છોકરો ખુશ થતો થતો ઘેર ગયો.
સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 79)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020