Shah Savayo - Children Stories | RekhtaGujarati

શાહ સવાયો

Shah Savayo

જયભિખ્ખુ જયભિખ્ખુ
શાહ સવાયો
જયભિખ્ખુ

                ગુજરાતનો ભાલ પ્રદેશ.

 

                એના ઘઉં માટે પંકાય.

 

                એનું હડાળા નામે ગામ.

 

                ગામ એટલે સાવ ગામડું.

 

                એ ભાલ પ્રદેશમાં વરસાદ પડે એટલે અજાણી ધરતી પર પગ મુકાય નહિ. ધરતી એવી પોચી પડી જાય કે આખો ને આખો સવાર ઘોડા સાથે અંદર ગાયબ થઈ જાય. જે એને કાઢવા જાય એ પણ ભેગો જાય.

 

                નદીના પૂરમાંથી બહાર નીકળવું સહેલું, વાઘની બોડમાંથી બચવું સહેલું, પણ આ પોચી ધરતી તો ભારે ખતરનાક!

 

                ઉપરથી જમીન જેવી જમીન લાગે. અંદરથી પાંચ-પંદર માથોડાં પોલી.

 

                પૃથ્વી ને પાણી મળીને એવું પોચું બની જાય કે વાત પૂછો નહિ. આનું નામ માદળિયું.

 

                આ ધરતી પર માણસો રહે. હેત-પ્રીતથી રહે. કોઈ કહે કે અલ્યા, આ અગવડિયાં ગામડાં છોડો, તો કહેશે કે શું આંધળાં-લૂલાં માબાપને છોડાય? કદી નહિ. એની તો સેવા થાય.

 

                હડાળાનો એક વાણિયો. ધીરધારનો ધંધો કરે. અનાજનો વેપાર કરે. બીનો વેપાર કરે. બાર મહિનાનાં બી સંઘરે. ચોમાસે ખેડૂતને બીના કણ ધીરે. એ મૂઠી કણના એને પણ દાણા મળે.

 

                સવારનો પહોર હતો. ખેમો જંગલ જવા નીકળ્યો હતો. હાથમાં લોટકો હતો. શરીરે પંચિયું પહેર્યું હતું. ડિલે ગજીના કાપડની બંડી પહેરી હતી.

 

                ખેમો પાદર પહોંચ્યો કે એક ગાડું આવીને ઊભું રહ્યું. તડકો કહે મારું કામ. બળદ તરસ્યા થયા હતા. ગાડાવાળાએ બળદને ધૂંસરેથી છોડ્યા, ને હવાડા પર પાવા લઈ ગયો.

 

                ગાડું સાવ સાદું નહોતું. બળદના માથે જેમ નક્શીદાર ઝૂલ હતી, એમ ગાડાને માથે માફો હતો. એમાં પાંચ ગૃહસ્થો બેઠા હતા. લાગતા તો હતા શહેરના કોમળ શેઠિયાઓ, પણ ન જાણે કેમ અહીં આવી ચડ્યા હતા. કદાચ રસ્તો ભૂલ્યા હોય!

 

                ખેમો જરાક આગળ વધ્યો.

 

                પાંચેપાંચ શેઠિયા ગાડેથી ઊતરતા હતા. હીરકોરી ખેસ સહુના ખભે હતા, ને માથે લાલ કસુંબી પાઘ હતી. ‘જુહાર જુહાર, શેઠિયાઓ! ક્યાં રહેવું? આ દીમ કેમ આવવું થયું? શું ધંધુકામાં હેમચંદ્રાચાર્ય મહારાજની પોષધશાળા જોવા ચાલ્યા? ધંધુકા હવે બહુ દૂર નથી.’

 

                ‘આપનું નામ?’ ગાડામાંથી ઊતરતાં એક જણે પૂછ્યું. એ સહુમાં મોવડી લાગતા હતા.

 

                ‘મારું નામ ખેમો. આપનું નામ?’ ખેમાએ સામે પ્રશ્ન કર્યો.

 

                ‘મારું નામ ચાંપસી મહેતા – ચાંપાનેરનો.’

 

                ‘આ બીજા ચાર સજ્જનોનાં નામ કહેશો? આપના જેવા પુણયવાન જીવો કોઈક વાર આ ગામડામાં આવે છે. અલ્યા જીવા!’

 

                એક ખેડૂત કોસ હાંકતો હતો. એને હાક પાડી ખેમાએ બોલાવ્યો ને કહ્યું,

 

                જા, જલદી દોડતો ઘેર જા. શહેરના પાંચ મહેમાન આવ્યા છે. સાથે ગાડું, બળદ ને હાંકનાર છે. આંગણામાં ઢોલિયા ઢળાવે, ને શિરામણ સાબદું કરે.’

 

                ‘અરે ખેમા શેઠ!’

 

                ‘પણ શેઠસાહેબો! મારું ઘર પાવન કર્યા વગર આપનાથી આગળ વધાશે નહિ. હા, આપનો પરિચય આપો. બળદ પાણી પીને આવે એટલી વાર વાતો કરી લઈએ.’

 

                ‘ખેમા શેઠ! મારી સાથે છે એ નાગજી શેઠ ને આ સારંગ શેઠ ને આ પ્રાણલાલ શેઠ. આ જગો મહેતો પાંજરાપોળના છે. પણ અમારી આખી વાત સાંભળશો, ત્યારે એમ થશે કે આ લપ ક્યાં વળગી?’

 

                ખેમો કહે, ‘આપ મોટા માણસો છો. હું લપ નથી ગણતો. મારું ધનભાગ્ય ગણું છું.’

 

                ‘તો સાંભળો, અમે ચાંપાનેરના છીએ. મહાજનના સભ્યો છે.’

 

                ‘આ ધરતીનાં ધનભાગ્ય ઓહોહો, ચાંપાનેરનું મહાજન આ ગામમાં ક્યાંથી?મારા પિતા સાંભળશે તો રાજી થશે.

 

                ‘તમારા પિતા જીવતા છે?’

 

                ‘હા, પૂરાં નવ્વાણું વર્ષના છે. એંશીમાં બે ઓછાં તો મને પોતાને છે,’ ખેમા શેઠે કહ્યું.

 

                ‘પચાસના જ લાગો છો,’ જગા શેઠ બોલ્યા.

 

                ‘આપની દયા છે. બાકી તો માટીના ભીંતડાનો ગરવ શો? આપની વાત કરો.’

 

                ‘જુઓ ખેમા શેઠ! અમારે પણ ટપ ટપ કરવું નથી, રોટલા ઘડવા છે. ગુજરાતમાં ગયા વર્ષે પાણીનું ટીપું વરસ્યું નહોતું. આ વર્ષે પણ અષાઢ કોરો ગયો, શ્રાવણ બેઠો, તોય પાણીનું એક ટીપું પડ્યું નથી.’

 

                ‘વાત સાચી છે. અમે અત્યારથી ઘાસચારાનો બંદોબસ્ત રાખ્યો છે. અનાજ-કણ પણ સંઘર્યો છે. એક રસોડું અતિથિ-અભ્યાગતો માટે ખોલ્યું છે. આખા ગુજરાતમાં દુકાળ છે એ તો આપ શેઠિયાઓએ કહ્યું ત્યારે ખબર પડી.’

 

                ‘ખેમા શેઠ! ખરી ખબર અમને પડી જવાની છે. ચાંપાનેર બેગડા સુલતાનના મોઢે આ ટાણે કોઈએ જગડુશાની વાત કરી, પહેલો શાહ વાણિયો ને બીજો શાહ બાદશાહ એમ કહ્યું. એટલે સુલતાને હુક્મ કર્યો કે પ્રજાનું પાલન સુલતાન કરે અને જશ વાણિયા લઈ જાય? મારો હુકમ છે કે કાં તો આખું વર્ષ પ્રજાનું પાલન વાણિયા મહાજન કરે, નહિ તો શાહ બિરુદ છોડી દે.’

 

                ‘રાજા, વાજાં ને વાંદરાં ત્રણ સરખાં એ આનું નામ. હાં, ચાંપસી શેઠ! પછી આપે શા પગલાં ભર્યાં. બિરુદ તો જવા દેવાય નહિ. મૂછનો સવાલ છે. પણ હાલો, ઘેર જઈને બધી વાતો કરીશું.’

 

                ખેમાએ શેઠિયાઓને ગાડામાં બેસાડ્યા. ચાંપસી શેઠે ખેમા શેઠને પણ બેસવા આગ્રહ કર્યો, પણ ખેમા શેઠે કહ્યું, ‘પચીસ ગાઊનાં પંથમાં વાહને ચડવું નહિ એવી મારી બાધા છે, ને પાંચ ગાઉમાં પગરખાં ન પહેરવાનું મને નીમ છે.’

 

                ‘વાહ ખેમા શેઠ, વાહ!’

 

                બધા ઘેર આવ્યા.

 

                ત્યાં ઢોલિયા પર આવીને બધા ગોઠવાયા ઊપર સરસ કલાત્મક ગોદડું પાથરેલું છે. દાડમી દાતણ તૈયાર છે. મોં લૂછવા પાંભરી છે. દહીં, રોટલા, ઘી ને સાકરનું શિરામણ છે.

 

                શિરામણ કરતાં ચાંપસી શેઠે વાત ઉપાડી :

 

                ‘પૂર્વજોની આબરૂ વધે નહિ તો કંઈ નહીં, પણ આપણાથી ઓછી તો થવી ન જોઈએ. એક વર્ષ માટે બંદોબસ્તે નીકળ્યા છીએ. ચાંપાનેરના મહાજને ચાર મહિના લખાવ્યા છે, પાટણના મહાજને બે મહિના લખાવ્યા છે, ધોળકાના મહાજને દશ દહાડા લખાવ્યા છે. ખેમા શેઠ! બહુરત્ના વસુંધરા! ટીપ તો થઈ જશે, પણ વાંધો દહાડાનો છે. સુલતાને આપેલી મુદતમાં દશ દહાડા બાકી છે. રાત થોડી છે, વેશ ઝાઝા છે. એની ચિંતામાં આ સાકર પણ કડવી લાગે છે.’

 

                ‘પિતાજી,’ ખેમાએ પડખે બેઠેલા પિતાને કહ્યું. ‘બધી વાત સાંભળી હશે. હવે મને હુક્મ કરો.’

 

                ‘બેટા ખેમા!’ પિતાએ કહ્યું. તું તો જાણે છે કે લક્ષ્મી હાથનો મેલ છે. મેલ તો બહાર કાઢ્યો સારો. બેટા, પૈસો પેદા કરતાં જાણ્યું-અજાણ્યું પાપ થઈ જ જાય છે. માટે લાભ લેવાય તેટલો લે.’

 

                ખેમાએ પિતાની વાત સાંભળી. ટીપનો કાગળ લીધો. મહેમાનોને જમાડ્યા. આરામ કરાવ્યા. હવે મહેમાનો ઉતાવળા થવા માંડ્યા. સહુ અંદરોઅંદર વિચારવા લાગ્યા :

 

                ‘વાણિયો મગનું નામ પાડે તો સારું.’

 

                નાગજી મહેતાએ કહ્યું,

 

                ‘ખેમાભાઈ! અમારે હજી ઘણું ફરવાનું છે. તમારું તેલનું એક ટીપું અમારે સવા મણ ઘી બરાબર છે.’

 

                ખેમાએ ટીપના કાગળિયાં પાછાં આપતાં કહ્યું,

 

                ‘શેઠસાહેબો! તમે શહેરના જીવ છો. તમને દાનપુણ્યના ઘણા પ્રસંગો મળે. અમને ગામડાંવાળાને જવલ્લે જ આ લાભ મળે છે. મને આ લાભ લેવા દો.’

 

                ચાંપસી મહેતા કહે, ‘ભાઈ લાભ આપવા તો આવ્યા જ છીએ. બે દિવસ, ચાર દિવસ, મહિનો, કેટલું લખું?’

 

                ‘શેઠ સાહેબો! આખો લાભ મને મળવો જોઈએ.’

 

                ‘એટલે આખું વર્ષ?’ સહુ અચરજમાં બોલ્યા.

 

                ‘હા, શ્રીમાનો! આ દુકાળ હું પાર ઉતારીશ. ગુજરાત મારું છે, હું ગુજરાતનો છું. ઘાસ અને અનાજ હું પૂરાં પાડીશ.’

 

                ‘ધન્ય છે ખેમાભાઈ તમને! ગામડાની ધૂળમાં આવાં રત્ન પાકે છે એ આજ જાણ્યું. તમારું કમાવું ધન્ય! તમારો સંગ્રહ ધન્ય! તમારું અર્પણ ધન્ય! આપ મહેરબાની કરીને મહમદ બેગડાના દરબારમાં પધારો.’

 

                ‘હું ગામડિયો નહિ શોભું.’

 

                ‘તમારાથી વિશેષ શોભે એવો કોઈ નથી. ચાલો ચાંપાનેર!’

 

                મહમદ બેગડાને આ વાતની ખબર પડી ગઈ હતી. શહેરના લોકો જેની મશ્કરી કરે, ગામડાના માણસે અજબ દાન કર્યું છે, એ સાંભળી એની છાતી ગજગજ ફૂલતી હતી.

 

                બેગડાએ મેલાઘેલા ખેમાને જોયો. દોડીને એનો હાથ ઝાલી લીધો.

 

                બાદશાહે બાથમાં ઘાલી શાહનું સન્માન કર્યું.

 

                ‘બાદશાહથી શાહ સવાયો તે આનું નામ. ખેમાશાહ, તમારી જાગીરમાં કેટલાં ગામ છે?’

 

                ‘હજૂર! બે ગામ. એકનું નામ પળી, બીજાનું નામ પાલી.’

 

                ‘એટલે શું?’

 

                ‘પળી ભરીને આપું છું. પાલી ભરીને લઉં છું.’

 

                ‘શાબાશ. તમે ખરેખર સવાયા શાહ છો.’

 

                બેગડાએ ખેમાને છાતીએ ભીડી માન કર્યું.

સ્રોત

  • પુસ્તક : જયભિખ્ખુની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 104)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014