Goval Ane Saap - Children Stories | RekhtaGujarati

ગોવાળ અને સાપ

Goval Ane Saap

મોંઘીબહેન બધેકા મોંઘીબહેન બધેકા
ગોવાળ અને સાપ
મોંઘીબહેન બધેકા

                એક હતો ગોવાળ. એને ત્યાં ઘણી બધી ગાયો ને ભેંસો હતી. ગોવાળ રોજ વગડામાં ગાયો-ભેંસો ચરાવવા જાય ને બપોરે એક પીંપળાના ઝાડ નીચે બેસીને વિસામો ખાય.

 

                એક દિવસ ગોવાળને લાગ્યું કે પીપળા નીચેથી કોઈ બોલે છે. ગોવાળે પીપળાના થડમાં કાન માંડ્યાં. અંદરથી અવાજ આવ્યો : “તું રોજ તો પીપળાના થડમાં થોડું થોડું દૂધ રેડ તો હું તને જે માગીશ તે આપીશ.”

 

                તે દિવસથી ગોવાળ રોજ પીપળાનાં થડમાં દૂધ રેડવા લાગ્યો.

 

                થોડા દિવસ પછી ગોવાળને લાગ્યું કે પીપળાના થડમાં મોટી બધી ફાટ પડી છે. ગોવાળને તો એમ થયું કે મૂળિયાંના જોરથી ફાટ પડી હશે.

 

                વાત એમ હતી કે પીંપળા નીચે એક સાપ રહેતો હતો. ગોવાળનું દૂધ પીને સાપ જાડો થયો હતો એટલે થડમાં ફાટ પડી હતી.

 

                એક દિવસે બપોરે ગોવાળ પીપળા નીચે સૂતો હતો. ત્યાં સાપ ફાટમાંથી બાહર નીકળ્યો, ને ભરવાડની સામે ફેણ માંડી બેઠો. ગોવાળને તો બીક લાગી કે હમણાં સાપ કરડી ખાશે.

 

                સાપ કહે : ‘બીશ નહિ, બાપુ! હું તને કરડીશ નહીં. હું તો જમીનમાં કચરાઈ ગયો હતો; તારી દયાથી બચ્ચો છું ને તારો ઉપકાર માનવા આવ્યો છું. બોલ, તારે શું જોઈએ છે? જે માગે તે આપું.’

 

                ગોવાળ કહે : ‘તમે જે આપશો તે લઈશ. મને કાંઈ માગવાની ખબર ન પડે.’

 

                સાપ પાસે આવ્યો. ગોવાળના માથા પર ફૂંફાડો માર્યો, ત્યાં તો જોતજોતામાં ગોવાળના વાળ લાંબા ને સોનેરી થઈ ગયા!

 

                સાપ કહે : ‘આ વાળથી તું એક સુંદર સ્ત્રીને પરણીશ ને બહુ શક્તિશાળી થઈશ. એ ઉપરાંત હું તને એક એવી શક્તિ આપું છું કે એના પ્રતાપે તું ઇચ્છીશ તો મરી ગયેલાંને જીવતાં કરી શકીશ. પણ એટલું ધ્યાનમાં રાખજે કે એ વાત કોઈને કહેવી નહિ. તારી સ્ત્રીને પણ ન કહેતો. જો કહીશ તો તારામાંથી એ શક્તિ ચાલી જશે.’

 

                એટલું કહી સાપ તો ચાલ્યો ગયો. ગોવાળ પણ ઘેર ગયો.

 

                એક દિવસ ગોવાળ નદીએ નાહવા ગયો. નાહતાં નાહતાં માથાનો એક વાળ ખરી ગયો. ગોવાળના મનમાં એક વિચાર આવ્યો ને તેણે વાળને એક પાંદડાં ઉપર વીંટીને પાંદડું નદીમાં તરતું મૂક્યું.

 

                વાળ તણાતો તણાતો એક ગામને પાદર નીકળ્યો. ત્યાંની રાજકુંવરી નદીએ નાહવા આવેલી. તેણે વાળવાળા પાનને જોયું ને હાથમાં લીધું. વાળ સોનેરી હતો; ઉખેળીને જોયો તો પૂરો બાર હાથ લાંબો હતો.

 

                રાજકુંવરી વાળ લઈને પાછી ગઈ. રાજમહેલમાં જઈ પોતાના ઓરડાનાં બારણાં બંધ કરી એ તો રિસાઈને બેસી ગઈ; ખાધુંયે નહિ ને પીધુંયે નહિ.

 

                રાજા-રાણી ઘણું પૂછે પણ બોલે કોણ? સરખી સાહેલીઓએ માંડ મનાવી ત્યારે કુંવરીએ કહ્યું : ‘જેને માથે આવા વાળ હોય તેને મારી પાસે હાજર કરો. પછી જ હું અન્ન લઈશ. ત્યાં સુધી મારે અન્નપાણી હરામ છે. સ્ત્રી હશે તો મારી બહેનપણી કરી પાસે રાખીશ ને પુરુષ હશે તો એને પરણીશ.’

 

                રાજા-રાણીએ તરત જ માણસોને પેલા વાળવાળાની શોધ કરવા દોડાવ્યા ને કુંવરીને સમજાવી ને માંડ ખવડાવ્યું.

 

                રાજાના માણસો નદી કાંઠે જેટલાં ગામ આવે ત્યાં પૂછે : “ભાઈ! તમારા ગામમાં આવા બાર હાથ લાંબા વાળવાળો કોઈ માણસ છે?” પણ કોઈ ખબર આપે નહીં. રાજાના માણસો નદીના મૂળ સુધી જઈ આવ્યા પણ કશો પત્તો લાગ્યો નહીં. છેવટે રાજાએ ફરી વાર બીજા માણસોને શોધ કરવા મોકલ્યા; પણ તેઓ પાછા આવ્યા.

 

                રાજકુંવરીએ તો હઠ જ લીધી કે એ માણસ ન મળે તો હું ભૂખ્યાંતરસ્યાં પ્રાણ કાઢું.

 

                રાજકુંવરી પાસે એક પોપટ ને એક કાગડો પાળેલા હતા. કુંવરીની હઠથી તેમને દુઃખ થયું. તેઓ કહે : “કુંવરી સાહેબ! જો અમને છોડી દ્યો તો અમે એને શોધી લાવીએ. માણસો એને શોધી નહીં શકે. એ તો એક જંગલમાં રહે છે.”

 

                રાજકુંવરીએ પોપટ અને કાગડાને ઉડાડી મૂક્યા. તેઓ ઊડતાં ઊડતાં જે વનમાં પેલો ગોવાળ રહેતો હતો ત્યાં આવ્યા.

 

                ગોવાળ તો પીપળા નીચે સીતો હતો; આસપાસ ગાયો બેઠી બેઠી વાગોળતી હતી. ગોવાળને પડખે એક ફાળિયું ને એક વાંસળી પડ્યાં હતાં.

 

                કાગડો કહે : ‘વાંસળી લઈને ભાગીએ તો ગોવાળ આપણી વાંસે વાંસે આવશે.’

 

                પણ પોપટભાઈ વાંસળી ન લાવી શક્યા.

 

                કાગડો ઊડ્યો. એ તો એક ગાયની પીઠ પરથી બીજી પર ને બીજી પરથી ત્રીજી પર, એમ ઠેકતો ઠેકતો ગોવાળ પાસે જઈ પહોંચ્યો, ને ઝડપ મારીને વાંસળી લઈને ઊડવા લાગ્યો.

 

                કાગડાને વાંસળી ઉપાડીને ઊડતો જોઈ ગોવાળ તેની પાછળ દોડ્યો.

 

                કાગડો તો વાંસળી લઈને ઊડ્યે જતો હતો; થાકે ત્યારે પોપટને આપતો હતો. વાંસળી પકડીને બેઉની ચાંચ દુખવા આવી. આગળ પક્ષીઓ અને પાછળ ગોવાળ. એમ કરતાં પક્ષીઓએ ગોવાળને રાજકુંવરીના શહેરમાં આણ્યો; રાજમહેલમાં આવી રાજકુંવરીના ઓરડામાં જઈ એના ખોળામાં વાંસળી નાંખીને પોપટ ને કાગડો પડખે બેસી ગયા. બારણાં બંધ કર્યાં.

 

                ગોવાળ પણ વાંસળી પાછળ રાજમહેલમાં આવ્યો. તેણે રાજકુંવરીની પાસે પોતાની વાંસળી માગી.

 

                રાજકુંવરી કહે : ‘તમે મારી સાથે પરણો તો વાંસળી આપું.’

 

                ગોવાળ કહે : ‘તમને ઓળખું નહિ પારખું નહિ; તમને કોઈ વાર દેખ્યાંયે નથી; ને એમ કાંઈ પરણાય છે? વળી તમે તો રહ્યાં રાજકુંવરી ને અમે તો ગોવાળની જાત; વગડામાં વસીએ.’

 

                રાજકુંવરી કહે : ‘તમે ભલે મને ન જોઈ હોય. પણ હું તો તમને વરી ચૂકી છું. જ્યારથી નદીમાંથી તમારો વાળ જડ્યો ત્યારથી હું તમને પરણી ચૂકી છું.’

 

                ગોવાળને યાદ આવ્યું કે વાળ તો પોતે જ નદીમાં મૂક્યો હતો. તરત જ એ નાગદેવનું વચન પણ યાદ આવ્યું.

 

                ગોવાળે કુંવરી સાથે લગ્ન કરવાની હા પાડી. રાજકુંવરી અને ગોવાળનાં લગ્ન થયાં. ગોવાળ રાજમાં સુખેથી રહેવા લાગ્યો. ગાયોનું ટોળું વગડામાં છે એ વાત એ ભૂલી જ ગયો.

 

                થોડા દિવસ વીત્યા ને ભરવાડને ગાયો યાદ આવી. પોતે બહુ દિલગીર થયો. એણે રાજકુંવરીને કહ્યું : ‘કુંવરી! હું તો મારી ગાયો ને ભેંસોની ખબર કાઢવા વનમાં જાઉં છું. તમારી ઇચ્છા હોય તો આવો, નહિતર અહીં તમારાં માબાપ પાસે રહો.’

 

                રાજકુંવરી તો હોંશથી વરી હતી. તે પણ ગોવાળ સાથે જવા તૈયાર થઈ. રાજાએ જવાને આગલે દિવસે બંનેને ખૂબ હેતથી જમાડ્યાં.

 

                કુંવરીએ અને ગોવાળે વિદાય માગી.

 

                રાજાએ ગોવાળને અડધું રાજપાટ, હાથી, ઘોડા, ગાયો, ભેંસો, બધું આપ્યું ને કહ્યું : ‘હવે તમને ઠીક લાગે તેમ કરો. આ બધું તમારું છે. તમારે એમ ન માનવું કે અહીં તમારું અપમાન થશે. તમારું રાજ કરો ને તમારા મહેલમાં રહો.’

 

                ગોવાળ કહે : ‘હું અહીં જ રહીશ. પણ એક વાર જઈને મારી ગાયો ને ભેંસોની ખબર કાઢી આવું.’

 

                બીજે દિવસે રાજકુંવરીને સાથે લઈને ગોવાળ ચાલી નીકળ્યો.

 

                જઈને જુએ તો ગાયો ને ભેંસો ભૂખી ને તરસી મરી ગઈ હતી!

 

                ગોવાળને બહુ જ દુઃખ થયું. ગાયો પાસે બેસી પોકે પોકે રડવા માંડ્યો. પોતાના જ વાંકથી ગાયો-ભેંસો મરી ગઈ હતી એથી એને બહુ લાગી આવ્યું.

 

                એકદમ તેને નાગબાપાનું વચન યાદ આવ્યું. પોતે બધાંને જિવાડી શકશે વિચારથી એને આનંદ થયો.

 

                રાજકુંવરી જાણે નહિ એટલા માટે તેને કહે : ‘હું આ બધાંને દવા ખવરાવી જીવતાં કરીશ.’ એમ કહી જંગલમાંથી કેટલાંક મૂળિયાં ને પાંદડાં લઈ આવ્યો. પછી દરેક ગાયના નાક પાસે પાંદડું અથવા મૂળિયું રાખી મનમાં બોલે : ‘જીવતી થા.’

 

                તરત જ બધી ગાયો-ભેંસો જીવતી થઈ ગઈ. પોતાના માલિકને જોઈને ગાયો ગાંગરવા લાગી ને ભેંસો રણકવા લાગી.

 

                ગોવાળની આંખોમાં આનંદના આંસુ આવ્યાં. નાગબાપાનું સ્મરણ કરી એક હાંડો ભરીને દૂધ પીંપળાના થડમાં એણે રેડી દીધું. તરત જ નાગ બહાર આવ્યો.

 

                ગોવાળે અને રાજકુંવરીએ નાગદેવને પ્રણામ કર્યા. નાગદેવે રાજકુંનરીના માથા ઉપર ફૂંફાડો મારી તેના વાળ પણ સોનેરી કરી દીધા.

 

                બીજે દિવસે ગોવાળ ગાય-ભેંસોનું ટોળું લઈ રાજધાનીમાં પાછો આવ્યો ને અડધા રાજ્યનો રાજા થઈ સુખેથી રાજ કર્યું.

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 117)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020