પહેલાં ઘોડો આજની જેમ માણસનો ગુલામ ન હતો. જેમ કારણ હોય કે ન હોય તોપણ છોકરાંઓ આખું આંગણું ગજાવી મૂકે છે, તેમ થોડો આખા બીડમાં મનભાવતી હડિયાપટ્ટી કરતો. તેનાં મોંમાં કોઈનું ચોકડું ન હતું, તેની પીઠ ઉપર કોઈ સવાર ન હતું, કે તેની છાતીએ ગાડીનું ઝૂંસરું ન હતું.
આ તેજદાર અને પાણીવાળું પ્રાણી જે દિવસ સ્વતંત્ર હતું, તે દિવસ સ્વતંત્રતા ઑર બહારમાં ખીલતી.
ઘોડાનું બીડ પુષ્કળ મીઠા ઘાસથી ભરપૂર હતું. પોતે તેમાં મનને ગમે તેમ વિચરતો. આ છેડે ઘાસની એક પૂળી ખાય ને હડી મેલે; સામે છેડેથી વળી એક પૂળી ખાય ને પાછો હડી મેલે : આમ એનો વખત જતો.
એક વખત ઘોડો બીડમાં આમતેમ દોડી રહ્યો હતો, ત્યાં છેટે એને કંઈ કાળું કાળું દેખાયું. ઘોડો કાન ઊભા કરીને એની તરફ જોવા લાગ્યો. તેને લાગ્યું કે આ વળી નવો ડુંગર અચાનક ક્યાંથી? ધારીને જુએ છે તો કાળા ડુંગર જેવું એ કંઈક ચાલે છે અને હળવે હળવે તેના બીડ તરફ વધી રહ્યું છે. હવે ઘોડો ગભરાયો. હતું એટલું જોર કરીને તે બીડને સામે છેડે દોડી ગયો. ત્યાં ઘાસની ઓથે લપાઈને કાળ જેવા પેલા ડુંગરને જોઈ રહ્યો.
એ કાળો ડુંગર તો હાથી હતો. સુંદર ઘાસથી ભરેલું બીડ જોઈને તેના હરખનો પાર રહ્યો નહિ. તેણે આગળ જવાનો વિચાર માંડી વાળીને બીડમાં જ ધામો નાખ્યો. ઘોડો મુશ્કેલીમાં આવી પડ્યો. ચોવીસ કલાક ભયને લીધે તેની છાતીમાંથી થડકાટ ખસતો ન હતો. અને વિશાળ પેટવાળો હાથી, છપ્પનિયા કાળની પેઠે, વીઘાં ને વીઘાં ચરી જઈને બીડને હથેળી જેવું કર્યે જતો, એ તેનાથી દીઠું જતું ન હતું.
આ રોજનું દુઃખ કેમ ખમાય? હાથીનું કાસળ કોઈ પણ ઉપાય કાઢવું તો જોઈએ જ. ઘોડાએ વિચાર્યું, ‘આપણા એકલાથી તો આની જોડે નહિ લડાય; કોઈની મદદ મેળવવી જોઈએ. ઘાસ ન ખાઈ શકે એવું કોઈ શોધવું જોઈએ. સિંહ પાસે જાઉં, પણ એની સામે જવાને પગ કેમ ઊપડે? મદદ માગવા જાઉં ને મન જ ફાડી ખાય તો?’
‘હં, માણસ જ ઠીક. ઘાસ એ ખાઈ શકનાર નથી. એટલે મારું બીડ સહીસલામત જ છે; અને મારી જાત પણ તેટલી જ સહીસલામત છે; કારણ, મને મારવા કરવા આવશે, ત્યારે દોડી જઈને એના હાથમાંથી છટકવાનું ક્યાં મુશ્કેલ છે!’
પોતાનાં જાનમાલ સુરક્ષિત રહે અને છતાં દુશ્મન મરે, એ માટે માણસની જ મદદ માગવી, એમ ઘોડાએ પોતાના મનની સાથે ઠરાવ્યું. માણસ એ ઘણું ચતુર પ્રાણી છે, એમ તે જાણતો હતો. બળ ન હોવા છતાં બુદ્ધિ વડે માણસ હાથી જેવા બળવાન પ્રાણીને મારશે એમ વિચારનાર ઘોડાએ એટલું ન જાણ્યું કે, એ જ બુદ્ધિ વડે માણસ ધારે તો તેને પણ મારી શકે. ગરજવાન એટલી અક્કલ ક્યાંથી દોડાવી શકે? ઘોડો માણસને શરણ ગયો.
દૂરથી માણસે ઘોડાને આવતો જોયો. ‘વાહ, શું ઉત્તમ પ્રાણી ભગવાને પેદા કર્યું છે!’ એમ મનમાં વિચારતો એ તો એકીટશે ઘોડાને નીરખી જ રહ્યો. લાડુ જોઈને બાળકના મનની જેવી દશા થાય, તેવી ઘોડાને જોઈને માણસના મનની દશા થઈ.
ઘોડાએ આવીને માણસના પગમાં લાંબા પડીને નમસ્કાર કર્યા અને ગદ્ગદ કંઠે પોતાના આવવાનું કારણ નિવેદિત કર્યું. તેણે કહ્યું, ‘માણસકાકા, અત્યારે મને એક તમારો જ આધાર છે. ગમે તેમ કરો, પણ મારું આટલું એક કામ કરી આપો. તમારો પાડ હું કદીયે નહિ ભૂલું.’
ઘોડાએ તે વખતે માણસની આંખ જોઈ હોત તો તેમાં, ‘ઠીક લાગ આવ્યો છે’ એવી લુચ્ચાઈ ભરેલી વૃત્તિ તે ઉકેલી શક્યો હોત. પણ ગરજવાનને અક્કલ ન હોય.
માણસે કહ્યું, ‘ભાઈ ઘોડા! તારા જેવા સુંદર પ્રાણીનું કામ કોણ ન કરે? પણ તું જાણે છે કે, હું તો સાવ નાનો છું; મારાથી ઉતાવળે દોડી પણ શકાતું નથી. તારો વેરી હાથી કેવડો જબરો! એનું બળ કેટલું! છતાં હું કહું તેમ તું કરે, તો મને ઉમેદ છે કે, હું તને મદદ કરીશ.’
ઘોડાએ કબૂલ કર્યું : ‘જેમ કહેશો તેમ કરીશ, મારે માટે કરવું છે ને? ક્યાં તમારું કામ છે?’
ઘોડાએ માણસને આંગળી આપી એટલે હવે તે તો હળવે હળવે ઘોડાનો પહોંચો ગળવાની તૈયારી કરવા લાગ્યો. એણે કહ્યું, ‘મને તારી પીઠ પર ચડીને બેસવા દેશે?’
ઘોડો કહે, ‘ખુશીથી. મારે વાસ્તે જ છે ને!’
‘ઠીક. મારે કઈ તરફ જવું છે, એ તને ખબર પડે તેટલા માટે તારા મોંમાં લગામ નાખવા દેશે ને?’
ઘોડો કહે, ‘કબૂલ.’
‘મારે ઉતાવળું કે ધીમું ચાલવું છે તે તેં સમજે, તે માટે તારા પડખામાં લોખંડની એડીઓ પણ મારવા દેવી પડશે.’
ગરજુ ઘોડાએ કહ્યું, ‘ભલે તેમ!’
કબૂલાત પૂરી થઈ. ઘોડા પર ચડીને માણસ હાથીને હરાવવા ચાલ્યો. યુદ્ધમાં બુદ્ધિમાન માણસે હાથીને પાડ્યો. પછી માણસ એ બીડમાં જ રહ્યો. ઘોડાના મોંમાં લગામ કાયમ હતી.
માણસ હવે આજ જશે. કાલ જશે, એમ ઘોડો દહાડા ગણતો હતો. પણ પેલાની તો જવાની દાનત જરાયે જણાતી ન હતી! થાકીને એક દિવસ ઘોડાએ કહ્યું, ‘માણસકાકા, આ જન્મમાં તો હું તમારું ઋણ નહિ ફેડી શકું. પણ મારી ખાતર હવે તમારે તમારાં બૈરીછોકરાંનો વિયોગ ખમવાની જરૂર નથી. હવે હું મારું ફોડી લઈશ.’
પરોપકારી માણસ બોલ્યો, ‘તને એમ એકલો મૂકીને મારાથી કેમ જવાય? બૈરીછોકરાંને તો હું અહીં જ તેડી લાવવાનો છું. તેં મારું શરણ લીધું, તો મારે તને પૂરી મદદ કરવી, એ મારો ધર્મ છે. તું તારા પોતાના જ જોર વડે એકલો રહેવા જેટલો હોશિયાર થઈ જાય, ત્યાર પછી જ હું અહીંથી ખસી શકું.’
ઘોડાને કાળજે હવે ફટકારો પેઠો. થોડા દિવસ રહીને એણે ડરતાં ડરતાં પૂછ્યું : ‘મારી જીભમાં છાલું પડ્યું છે. મારા મોંમાંથી આ લગામ...’
ડોળા કાઢીને મોટો ઘાંટો તાણીને માણસ બોલ્યો, ‘ફિટકાર છે તને, નિમકહરામ! તારે માટે મેં મારાં ઘરબાર છોડ્યાં, જીવનું જોખમ ખેડીને મેં હાથી જેવા મહાબળવાન પ્રાણી સાથે યુદ્ધ કર્યું અને આટલી એક લગામ પણ તારાથી નથી ખમાતી? આવા નિમકહરામનો ભરોસો શો? કાંટાવાળી લગામ પહેરાવ્યા વગર તું પાંસરો ચાલવાનો જ નથી.’
ઘોડાએ ઘડીક ઠેકડા માર્યા. લગામના કાંટાથી તાળવું ફાટી જતું હતું. ચાબુકના ફટકાથી પીઠ ચિરાઈ જતી હતી. એડીના ઘાથી પડખાં વીંધાઈ જતાં હતાં. તેના ઠેકડા બધા સુકાઈ ગયા.
ઘોડાનો આજની ઘડી સુધી છુટકારો થયો નથી. સ્વતંત્રતા શું એ હવે તો એને યાદ પણ નથી રહ્યું!
સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 64)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020