Garbadiyu Ane Pavanpavadi - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગરબડિયું અને પવનપાવડી

Garbadiyu Ane Pavanpavadi

નટવર પટેલ નટવર પટેલ
ગરબડિયું અને પવનપાવડી
નટવર પટેલ

    પપ્પા પાસે સ્કૂટર હતું. ખૂબ જૂનું ને ખખડી ગયેલું. ચાલે એટલે ઘોંઘાટ કરે. તેથી મેં એનું નામ ‘ગરબડિયું’ પાડેલું. મમ્મી ઘણી વાર કહે : ‘તમે આ વેચીને નવું લઈ લો.’ પણ પપ્પા જિદ્દી – મારા જેવા. તેઓ કહે, ‘આની તો મને માયા લાગી છે. ભલે ને અવાજ કરતું પણ મને હેરાન તો નથી કરતું ને?’

    મારી પાસે નવીનકોર સાઇકલ. એ મને ખૂબ ગમે. એને હું ઘસીઘસી ચકચકિત રાખું. કોઈને હાથ પણ ન મૂકવા દઉં. એ એવી તો સરસર કરતી દોડે કે જાણે હવામાં પવનપાવડી ઊડતી ન હોય! એટલે પછી મેં એનું નામ જ ‘પવનપાવડી’ રાખ્યું. મને પવનપાવડી વગર ન ચાલે ને એને મારા વગર.

    રાતે ગરબડિયાની જોડે જ પવનપાવડી રહે. રાતે બંને વાતો કરે. પવનપાવડી બીજે દિવસે મને રજેરજ વાત કરી દે. ગરબડિયું આખી રાત પવનપાવડીને ચીડવે.

    ગરબડિયું કહે, ‘મારી ઝડપ આગળ તારી ઝડપની કંઈ વિસાત નહિ.’

    પવનપાવડી સામે જવાબ આપે, ‘ગરબડિયા, બહુ અભિમાન સારું નહિ હોં!’

    આ સાંભળી ગરબડિયું ચિડાય, તે કહે, ‘અલી સાઇકલ, તારે મને ગરબડિયું નહિ કહેવાનું. મને સ્કૂટરકાકા કહેવાનું, સમજી?’

    એટલે મારી પવનપાવડી પણ રુઆબથી કહે, ‘ને મને તારે સાઇકલ નહીં, પણ પવનપાવડી કહેવાનું.’

    ગરબડિયું કહે, ‘આવું નામ કોણે પાડ્યું?’

    પવનપાવડી કહે, ‘બંટીએ.’

    એટલે ગરબડિયું હસીને કહે, ‘આવું નામ તો મારું હોવું જોઈએ.’

    આ સાંભળી પવનપાનડીય હસીન કહે, ‘તારું નામ તો ગરબડિયું પાડ્યું છે ને?’

    આ સાંભળ તે ચીઢાઈને કહે, ‘સાઇકલ તારે મને ખોટોખોટો ચીડવવો નહિ.’

    ‘નહિતર તું શું કરીશ?’

    ‘ને મને તારે તુંકારે ન બોલાવવો. ગમેતેવો તોય હું તારા કરતાં મોટો છું. સમજી?’

    આમ રોજ બંને વચ્ચે જીભાજોડી ચાલ્યા કરે.

    એક રાત્રે તો બંને વચ્ચેનો ઝઘડો વધી ગયો.

    ગરબડિયું કહે, ‘જો સાઇકલ, આજે તો આપણે ફેંસલો કરી નાંખીએ.’

    ‘કેવો ફેંસલો?’

    ‘આપણા બેમાં મોટું કોણ એનો. સાંભળ, આપણે દોડવાની હરીફાઈ ગોઠવીએ. જે પહેલું આવે તો મોટો.’

    એટલે પવનપાવડી કહે, ‘સાથેસાથે બીજીય શરત પણ રાખીએ.’

    ‘કઈ શરત બોલ.’

    ‘એ કે દોડવાનું ખરું પણ જરાય અવાજ ન થવો જોઈ. બોલ છે મંજૂર?’

    ‘ના, અવાજ તો થાય જ ને?’ ગરબડિયાએ દલીલ કરી.

    થોડી વાર બંને વચ્ચે દલીલો પર દલીલો ચાલ્યા કરી. પછી પવનપાવડી દોડ માટે તૈયાર થઈ. તેને મનમાં એમ કે નાની છું એટલે હારીશ તોય શો વાંધો છે? ગરબડિયું તો પેટ્રોલ વડે ચાલે છે. એટલે તે જીતી જશે તોય એનો વટ પડવાનો નથી, પણ ધારો કે કદાચ હું જીતી જાઉં તો તો મારો તો વટ જ પડી જાય!

    પણ આ બંનેની હરીફાઈમાં અમ્પાયર કોણ થાય? સાચાખોટાનો નિર્ણય કરે કોણ?

    પવનપાવડી કહે : ‘બંટીને જગાડું?’ પણ  ગરબડિયાને તે મંજૂર ન હતું. હું ગમે તેવો તોય પવનપાવડીનો જ પક્ષ ખેંચું ને?

    છેવટે ડાઘિયાને નિર્ણાયક તરીકે રાખ્યો. ડાઘિયો અમારી શેરીનો કૂતરો હતો. તે રોજ રાત્રે પવનપાવડી અને ગરબડિયાની પાસે સૂઈ રહેતો.

    ત્રણે જણ શેરીના નાકે આવ્યાં.

    ડાઘિયો કહે, ‘જુઓ, હું ભોં-ભોં કહું એટલે તમારે બંનેએ દોડવાનું શરૂ કરવાનું. શેરીમાંથી પાદરમાં થઈ મુખ્ય સડકમાર્ગે જવાનું. તે નાનો રોડ આગળ જતાં શહેરમાં જતા મુખ્ય રાજમાર્ગને મળે છે ત્યાં આગળ એક મોટો વડ છે. તે અહીંથી પાંચેક કિલોમીટર હશે. તે ઝાડ ફરતે ચક્કર મારી પાછા ફરવાનું. જે વહેલો પાછો ફરે તે જીત્યો ગણાશે. બરાબર?’

    ગરબડિયો કહે, ‘ડાઘિયાભૈ, તારી વાત સો ટકા બરાબર. પણ કોઈ વચ્ચેથી જ પાછો આવી જાય તો? તને શી ખબર પડે?

    એટલે ડાઘિયો કહે, ‘એ સાચું હોં.’

    થોડી વાર વિચારી કરી ડાઘિયો બોલ્યો, ‘સાંભળો, તે વડનાં પાન હેઠળ પડ્યાં હશે. તમારી નિશાની રૂપે વડનાં બે-ચાર પાન લેતા આવવાનું. બરાબર?’

    શરત નક્કી થઈ ગઈ. પવનપાવડી અને ગરબડિયું તો તૈયાર જ હતાં. ડાઘિયાએ ભોં-ભોં કરી લીલી ઝંડી બતાવી ને દોડ શરૂ થઈ.

    શરૂઆતમાં પવનપાવડી આગળ દોડી ગઈ. ગરબડિયાને સ્ટાર્ટ થવામાં વાર લાગી. ગિઅર પાડવામાંય તકલીફ પડતી હતી, પણ પછી તો ગરબડિયું આગળ થઈ ગયું. તે પાછળ જોઈને કહે, ‘અલી સાઇકલ, આજ તારું અભિમાન હવાઈ જશે!’

    ગરબડિયું તો ધુમાડા ઓકતું ક્યાંય આગળ નીકળી ગયું. બિચારી પવનપાવડી! છતાંય તે હિંમત ન હારી. તે પણ બનતી ઝડપથી આગળ વધતી હતી.

    પવનપાવડીને એમ હતું કે ગરબડિયું એને સામું મળશે. પણ તે ઠેઠ વડના ઝાડે પહોંચવા આવી તોય ગરબડિયાનાં દર્શન ન થયાં. તે નવાઈ પામ્યું. આમ કેમ?

    વડના ઝાડ નીચે ગરીબડા મોંએ ગરબડિયું ઊભું હતું. પવનપાવડી વધારે નવાઈ પામી. શું થયું હશે?

    તે બોલી : ‘શું થયું ગરબડિયા?’

    ગરબડિયું દયામણું મોં કરી કહે, ‘અલી સાઇકલ, મારી ટાંકીમાં પેટ્રોલ ખૂટ્યું!’

    આ સાંભળી પવનપાવડી ધીમું મલકાઈ. તેને થયું હાશ! આ શરત હવે હું જીતી જવાની!

    ગરબડિયું આજીજી કરતું જ રહ્યું ને પવનપાવડી તો વડનાં બે પાન લેતીકેને પાછી ફરી.

    પવનપાવડીને પ્રથમ નંબરે આવેલી જોઈ ડાઘિયાનેય નવાઈ લાગી. પવનપાવડીએ તેને બધી વાત કરી. ડાઘિયોય ખૂબ હસ્યો. પછી કહે – ‘હવે શું?’

    પવનપાવડી કહે, ‘સવારે વાત.’

    સવાર પડી, ગરબડિયું ન હતું. મમ્મીને ફાળ પડી. નક્કી રાતે કોઈ ચોર ઉપાડી ગયો હશે. પણ સાચી વાત ડાઘિયો ને પવનપાવડી જ જાણતાં હતાં.

    પપ્પા તો હાંફળાહાંફળા થઈ ગયા. મારી પવનપાવડી પર સવાર થયા અને નીકળી પડ્યા ગરબડિયાની શોધમાં. ગામના ચોકમાં લોક ભેગું થઈ ગયું.

    એટલામાં નવીનકાકાનું મેટાડોર આવ્યું. તેમણે વાત જાણી. એ કહે, ‘રોડ પાસે વડના ઝાડ નીચે એક સ્કૂટર પડ્યું છે. તે કદાચ તમારું જ હશે.’

    ને પછી પપ્પા હારે ગામના બેચાર જવાનિયા પણ ગયા. નવીનકાકાની વાત સાચી નીકળી. ગરબડિયાને માંડ દોરીને ઘેર લઈ આવ્યા. પપ્પા તો થાકી ગયા.

    મમ્મી કહે, ‘હવે તો આને વેચી જ દો.’

    પપ્પા કશું જ ન બોલ્યા.

    તે રાતે પવનપાવડીએ ગરબડિયાની ખૂબ મશ્કરી કરી. બિચ્ચારું ગરબડિયું! ચૂપ થઈ ગયું!               

    -(‘ટનટનિયોમાં’થી)

સ્રોત

  • પુસ્તક : નટવર પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023