રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગલીના વરને શમણું આવ્યું.
એ બૂમ પાડી ઊઠ્યો : ‘ગલી, ગલી, મને શમણું આવ્યું! સવારના પહોરમાં આવ્યું છે એટલે સાચું જ હશે
ગલીએ કહ્યું : ‘ગાંડા થયા કે શું! શમણાં તે કદી સાચાં હોતાં હશે!’
ગલીનો વર બાપડો ભોળોભટાક હતો. કહે : ‘તું મને પૂછ તો ખરી કે શું શમણું હતું?’
ગલીએ કહ્યું : ‘એમાં પૂછવા જેવું શું છે તે? ઘરમાં ઘી-ગોળ નથી, ઘઉં-ચોખા નથી અને રાતે ભૂખે પેટે સૂઈ ગયા’તા, એટલે ભર્યા ભાણાનું શમણું આવ્યું હશે!’
ગલીના વરે હસીને કહ્યું : ‘ના રે ના! એવું શમણું નથી!’
‘તો કેવું શમણું છે? હું જરી સાંભળું તો ખરી!’ ગલીએ કહ્યું.
ગલીના વરે કહ્યું : ‘શમણામાં હું તો પડ્યો પડ્યો ઊંઘતો હતો. ત્યાં કોઈનો અવાજ સંભળાયો. મને કહે : ‘અલ્યા ઊઠ! મથુરાના વિશરામઘાટ પર જઈએ ઊભો રહે. ત્યાં તને ફક્કડ સમાચાર સાંભળવા મળશે!’
ગલી કહે : ‘શું સમાચાર સાંભળવા મળશે? દાળરોટીના? ઘીગોળના?’
ગલીનો વર કહે : ‘શું સમાચાર એ તો એણે કંઈ કહ્યું નહિ! મને લાગે છે કે હું જાગી ગયો એટલે સમાચાર કહેવાના રહી ગયા હશે.’
ગલી આ સાંભળી ખડખડ હસી પડી : ‘વાહ રે, મારા ધણી! તમારું શમણું બહુ રૂપાળું! લો, હવે ડાહ્યા થઈને કામે ચડી જાઓ! આજે છોકરાંનાં મોંમાં બટકું રોટલો પડે તો ગંગા નાહ્યા!’
ગલીનો વર હવે કંઈ બોલ્યો નહિ. વહેલો વહેલો પરવારીને મજૂરી શોધવા ચાલી ગયો આખો દિવસ મહેનત-મજૂરી કરી એ સાંજે થાક્યોપાક્યો ઘેર આવ્યો, ત્યારે ઘરનાં સૌ રોટલા ભેગાં થયાં.
બીજા સવારે ગલો ફરી ઊંઘમાંથી ઝબકીને જાગી ગયો. કહે : ‘ગલી, ગલી, મને ફરી શમણું આવ્યું.’
ગલી કહે : ‘રાતે વધારે ખવાઈ ગયું હશે. મારા ભાગમાંથી કાઢીને મેં બટકું રોટલો તમને વધારે દીધો’તો ને!’
ગલો કહે : ‘ના...રે! કંઈ વધારે ખાધું નથી. ખાધું એથી બમણું ખાઉં એટલી ભૂખ હતી! પણ ગલી, તું મને જરી પૂછ તો ખરી કે શાનું શમણું હતું!’
ગલી કહે : ‘કહો, શાનું શમણું હતું? રાજા થવાનું? રાજપુત્તર થવાનું?’
ગલો કહે : ‘રાજા કે રાજપુત્તર થઈને મારે શું કરવું છે, ગલી?’
ગલી કહે : ‘તો શાનું શમણું હતું?’
ગલો કહે : ‘કાલના જેવું જ! હું તો પડ્યો પડ્યો ઊંઘતો હતો. ત્યાં કોઈ મને કહે : ‘અલ્યા, ઊઠ! મથુરાના વિશરામઘાટ પર જઈને ઊભો રહે! ત્યાં તને ફક્કડ સમાચાર સાંભળવા મળશે.’
ગલી કહે : ‘શા સમાચાર?’
ગલો કહે : ‘એવું કશું એ કહે એ પહેલાં તો હું જાગી ગયો, એટલે થાય શું?’
આ સાંભળ ગલી જોરથી ખડખડ હસી પડી. કહે : ‘જેવા તમે, તેવું તમારું શમણું!’
ત્રીજી સવારે ફરી ગલો ઊંઘમાંથી ઝબકીને જાગી ગયો. કહે : ‘ગલી, ગલી, મને શમણું આવ્યું!’
ગલી કહે : ‘શું શમણું આવ્યું? ફોઈ કે માશીનો દલ્લો મળ્યાનું?’
ગલો કહે : ‘દલ્લો દઈ જાય એવી કોઈ ફોઈ કે માશી મારે છે જ ક્યાં? બરાબર કાલના જેવું જ શમણું હતું. હું તો પડ્યો પડ્યો ઊંઘતો હતો, ત્યાં કોઈ મને કહે : ‘અલ્યા ઊઠ! મથુરાના વિશરામઘાટ પર જઈને ઊભો રહે! ત્યાં તને ફક્કડ સમાચાર સાંભળવા મળશે!’
ગલી કહે : ‘શા સમાચાર?’
ગલો કહે : ‘એ તો એણે કંઈ કહ્યું નહિ.’
આ સાંભળી વળી ગલી ખડખડ ખડખડ હસી પડી કહે : ‘તમે હજી એવા ને એવા ભોળાભટાક છો! ચાલો, હવે શમણાંની વાત મનમાંથી કાઢી નાખો અને કામ પર ચડી જાઓ!’
પણ ગલો ઊંડા વિચારમાં પડી ગયો હતો. થોડી વાર પછી કહે : ‘ગલી, મથુરા તો સમજ્યો, પણ આ વિશરામઘાટ શું?’
ગલીએ કહ્યું : ‘શું તે ભગવાને કંસને માર્યો, પછી ભગવાન જમનાજી આગળ વિશરામ લેવા બેઠા હતા. જમનાજીના એ ઘાટને વિશરામઘાટ કહે છે.
ગલો હજી વિચારમાં હતો. કહે : ‘હં, ત્યારે તો મથુરાયે સાચું ને વિશરામઘાટે સાચો!’ પછી એકદમ બોલી ઊઠ્યો : ‘ગલી, હું મથુરા જાઉં છું.’
ગલી ચમકી પડી. કહે : ‘તમારે મથુરા જવું છે? એક મહિનો તો મથુરા પહોંચતાં થાય છે ખબર છે? અરે, મથુરાનાં તો વાંદરાંયે એવાં પાકાં હોય છે કે આપણાં લૂંગડાં ઉતારી જાય! ના, રે બા! મારે ત્યાં ક્યાંય જવું નથી!’
ગલાએ કહ્યું : ‘તારે નથી જવાનું, હું જાઉં છું!’
ગલીએ કહ્યું : ‘તે હું તમને જ કહું છું, ક્યાંય જવાનું નથી!’
ગલાએ કહ્યું : ‘મને થાય છે કે હું મથુરા જઈને જરી જોઈ આવું. ફક્કડ સમાચાર કાંભળવા મળ્યા તો ઠીક વાત છે, નહિ તો મથુરાની જાતરા થશે!’
જાતરાનું કીધું એટલે ગલી જરા નરમ થઈ. તેણે કહ્યું : ‘પણ જોજો, કોઈથી છેતરાતા નહિ! તમે બહુ ભોળા છો!’
ગલાએ હસીને કહ્યું : ‘જેની પાસે માલમતા હોય એને છેતરાવાની બીક. મારી પાસે નથી માલ, નથી મતા, પછી છેતરાવાનું કેવું?’
ગલીએ કહ્યું : ‘તોય એ મથુરા છે! કહે છે કે મથુરાનું માંકડું તમારા માથા પરથી ટોપી લઈ જાય તોયે તમને ખબર ન પડે!’
ગલાએ કહ્યું : ‘હું ખૂબ ચેતતો રહીશ!’
ઘરની જવાબદારી ગલીના માથે નાખી ગલો મથુરા જવા ચાલી નીકળ્યો. રસ્તામાં ભાથું ખૂટે એટલે મહેનતમજૂરી કરવા રોકાઈ જાય અને થોડુંઘણું કમાઈ લઈને આગળ ચાલવા માંડે. આમ રોકાતો રોકાતે બે મહિને એ મથુરા પહોંચ્યો. ત્યાં વિશ્રામઘાટ શોધતાં વાર ન લાગી. નદીમાં નાહી થાક ઉતારી એ ઘાટના ટોચના પગથિયા આગળ જઈને ઊભો. ઊભો તે બસ ઊભો જ. બીજા યાત્રાળુઓ આવે તે નદીમાં સહેલ કરે, માછલાંને, કાચબાને ખાવાનું નાખે અને મંદિરોમાં દર્શન કરવા અને ઘંટ વગાડવા દોડાદોડ કરી મૂકે. પણ ગલો તો ઊભો તે ઊભો! એનો કંગાલ ગામડિયો વેશ જોઈ ગોરજીઓ પણ સમજી ગયેલા કે આ તલમાં કંઈ તેલ નથી, એટલે કોઈ એની પાસે ઢૂંક્યું જ નહિ. આમ સવારની બપોર અને બપોરની સાંજ થઈ. ભૂખ લાગી એટલે ગલાએ પછેડીએ બાંધેલું ભાથું છોડી રોટલો ખાઈ લીધો ને નદીનું પાણી પી લીધું. રાત બાજુમાં જ ક્યાંક પડી રહીને વિતાવી.
બીજી સવારે ફરી પાછો એ વિશ્રામઘાટની એની જગાએ આવીને ઊભો. ઊભો તો બસ ઊભો જ. ન કોઈએ એની સાથે કશી વાત કરી, ન એણે કોઈની સાથે કશી વાત કરી! એમ કરતાં સાંજ પડી. ફરી પછેડીએથી રોટલો છોડી એણે ખાઈ લીધો ને નદીનું પાણી પી લીધું! રાત ક્યાંક પડી રહીને વિતાવી.
ત્રીજો દિવસ પણ આમ જ પૂરો થયો.
હવે ગલો મનમાં કહે : ‘મથુરા સાચું, વિશરામઘાટ સાચો, પણ શમણું ખોટું! ફક્કડ સમાચાર સાંભળવા મળશે એમ સમજી હું બે મહિનાની ટાંટિયાતોડ કરી અહીં લગી આવ્યો, પણ સમાચાર તો કંઈ મળ્યા નહિ! હશે, મથુરા તો જોયું! જમનામૈયાનાં તો દર્શન થયાં! હવે કાલે પાછા ઘર તરફ!’
સવારે ઊઠ્યો એવો એ એની રોજની ટેવને લીધે નાહી-ધોઈને વિશ્રામઘાટના ટોચના પગથિયા આગળ ઊભો રહી ગયો. પછી એણે હાથ જોડી જમનામૈયાને નમસ્કાર કર્યા : ‘જય જમનામૈયા! સૌનું કલ્યાણ કરજો!’ પછી ઘાટને નમસ્કાર કર્યો : ‘જય વિશરામઘાટ, સૌ થાકેલાંને વિશરામ આપજો!’ પછી મથુરા ગામને નમસ્કાર કર્યા : ‘જય મથુરા તીરથ, સૌને પાવન કરજો!’
આમ સૌને નમસ્કાર કરી, સૌની વિદાય લઈ એ ચાલી નીકળવાનો વિચાર કરતો હતો, ત્યાં અચાનક એક જણે આવી એનો હાથ પકડ્યો, ને કહ્યું : ‘હું પણે દુકાનમાં બેઠો બેઠો ચાર દિવસથી તમને અહીં ઊભેલા જોઉં છું. તે તમે અહીં કોની રાહ જુઓ છો? તમે તમારા સંઘથી છૂટા પડી ગયા છો અને તમારા સંઘવાળાઓને શોધો છો?’
ગલાએ કહ્યું : ‘ના, હું સંઘમાં નથી આવ્યો, એકલો જ ઘેરથી આવ્યો છું.’
‘તો અહીં આમ ઊભા ઊભા તમે શું કરો છો? જપ? ધ્યાન? સાધના?’
ગલાએ કહ્યું : ‘હું ગરીબ માણસ છું, ભાઈ! જપતપમાં મને શું સમજ પડે? હું તો અહીં એક કામે આવેલો, પણ કામ કંઈ થયું નહિ એટલે હવે ઘેર જાઉં છું.’
‘એવું શું કામ લઈને અહીં આવેલા?’
ગલાએ કહ્યું : ‘કંઈ કહેવા જેવી વાત નથી, ભાઈ! દુનિયામાં મારા જેવો મૂરખ કોઈ નહિ હોય. મને એક વાર ઘેરે શમણું આવ્યું કે ઊઠ, મથુરા જા, ને વિશરામઘાટ જઈને ઊભો રહે! ત્યાં તને ફક્કડ સમાચાર સાંભળવા મળશે! એટલે હું બે મહિનાની ટાંટિયાતોડ કરીને અહીં આવ્યો!’
પેલા માણસે કહ્યું : ‘અસલ મૂરખ! અરે બાવા, શમણાંની વાત તે કદી સાચી હોતી હશે? અને શમણાં પરતી તું બે મહિનાની ટાંટિયાતોડ કરીને અહીં આવ્યો! અસલ મૂરખ આમ કહી એ હસ્યો.
ગલો ભોંઠો પડી ગયો. તે બોલ્યો : ‘મૂરખ જ તો!’
પેલા માણસે કહ્યું : ‘અસલ મૂરખ! રાજાની સભામાં કહેવા જેવી તારી વાત છે હોં! બધા હસી હસીને બેવડ વળી જશે! આવો પૂરખ કદી કોઈએ જોયો નહિ હોય!’
થોડી વાર અટકી પાછું તેણે બોલવા માંડ્યું : ‘અરે ભાઈ, આવાં શમણાં કોને નથી આવતાં? પણ શમણાંને તે કદી સાચાં માનવાનાં હોય? આ પેલે દિવસ મને શમણું આવ્યું. એક રાત! નહિ, પણ લાગલગાટ ત્રણ રાત! શમણામાં કોઈ મને કહે મહીસાગર કાંઠે આવેલા નનાનપુર ગામના છેવાડે એક ખીજડાનું ઝાડ છે; એની નીચે ધનનો ચરુ દટાયો છે! શમણાંમાં ધનના ચરુની વાત કોણે નથી સાંભળી?પણ હું શમણાં બમણાંમાં કંઈ માનું નહિ. હું એવો મૂરખ નથી તો! મેં તો કહી નાખ્યું કે એ મહીસાગર દહીંસાગર કે નનાનપુર સનાનપુરનું મારે કામ નથી! મારી બલા જાણે, ધરતી પર એવો કઈ સાગર કે ગામ છે કે નહિ?’
મહીસાગર કાંઠે નનાનપુર ગામનું નામ સાંભળી ગલો ચમક્યો. એ તો એના જ ગામનું નામ! અને ગામ છેવાડે ખીજડાનું ઝાડ પણ હતું – એના જ ઘર આગળ!
એકદમ એને પોતાનું શમણું યાદ આવી ગયું : ‘મથુરાના વિશરામમઘાટ પર તને ફક્કડ સમાચાર મળશે.’ આ જ એ સમાચાર!
પેલો માણસ તો હજી કંઈ કંઈ બોલ્યે જ જતો હતો, ત્યાં ગલાએ એકદમ જ ત્યાંથી ચાલવા માંડ્યું. પૂરી વાત સાંભળવાયે એ થોભ્યો નહિ. પેલા માણસે કહ્યું : ‘અરે, તું આમ ક્યાં ચાલ્યો? જરી ઊભો તો રહે!’
પણ ગલો ઊભો રહ્યો નહિ. તેણે ઊંઘું ઘાલી ચાલવા માંડ્યું હતું.
પેલા માણસે ગલાની સામે જોઈ મોં બગાડી કહ્યું : ‘અસલ મૂરખ! રાજાના દરબારમાં આની મૂરખાઈની વાત કહેવા જેવી છે!’
દડમજલ કરતો ગલો ઘેર આવી પહોંચ્યો. એને હેમખેમ ઘેર પાછો આવેલો જોઈ ગલી રાજી રાજી થઈ ગઈ. કહે : ‘કેટલાયે મહિનાથી તમે પેટ ભરીને ખાધું નહિ હોય! આજે ધરાઈને ખવડાવું!’
પણ ગલો કહે : ‘ખાવાની વાત પછી! પહેલાં મને કોદાળી અને પાવડો આપ!’
ગલીએ કોદાળી અને પાવડો આપ્યાં, એટલે ગલાએ પોતાના ઘરના આંગણાંમાં ઊભેલા ખીજડાની નીચે ખોદવા માંડ્યું. ગલીને થયું કે ગલો કંઈ ગાંડો તો નથી થઈ ગયો ને! પણ પતિ કામ કરે અને પોતે જોયા કરે એને ગમ્યું નહિ. એટલે એ પણ ગલાની સાથે કામ કરવા લાગી ગઈ. ખોદતાં ખોદતાં સાંજ પડવા આવી, ત્યારે જમીનમાંથી ખડિંગ કરતો કંઈ અવાજ આવ્યો. એ તાંબાનો ચરુ હતો. ઉઘાડીને જોયું તો એમાં સોનામહોરો ભરેલી હતી.
હવે ગલાએ ગલીને વાત કરી કે વિશરામઘાટ પર જે ફક્કડ સમાચાર મળ્યા તે આ! કોઈ અજાણ્યો માણસ આવીને મને એ કહી ગયો.
ગલીએ કહ્યું : ‘હું જાણીતી જ હતી કે તમે એવા ભલાભોળા છો કે બીજા ભૂલે, પણ ભગવાન તમને નહિ ભૂલે! પણ હવે તમે ભગવાનને ભૂલતા નહિ, હોં!’
સ્રોત
- પુસ્તક : રમણલાલ સોનીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 116)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023