Gadhedo Ane Ful - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગધેડો અને ફૂલ

Gadhedo Ane Ful

ઘનશ્યામ દેસાઈ ઘનશ્યામ દેસાઈ
ગધેડો અને ફૂલ
ઘનશ્યામ દેસાઈ

        એક હતો ગધેડો. ફૂલ એને બહુ ભાવે. કોઈ સારું ફૂલ જુએ એટલે એના મોંમાં પાણી છૂટે. પહેલાં તો ગધેડો કહે : “લાવ ને, ફૂલ સૂંઘી તો જોઉં.” આમ કહી એ ફૂલ સૂંઘવા જાય. પણ ફૂલ સૂંઘતાં સૂંઘતાં જ એનાથી રહેવાય નહીં. તરત જ એ જીભ બહાર કાઢે અને ફૂલને પટ કરતાંક મોંમાં મૂકી દે.

        એક દિવસ ગધેડો મેદાનમાં ચરતો હતો. બાજુમાં તળાવ હતું. તળાવને કાંઠે એક ફૂલ એણે જોયું. ફૂલ મોટું અને રંગબેરંગી હતું. ગધેડો ફૂલ પાસે દોડી ગયો. ફૂલ સૂંઘવા એમાં મોં નાંખ્યું. પણ ફૂલમાં એક મધમાખી રસ ચૂસતી બેઠી હતી. એને ખૂબ ગુસ્સો ચઢ્યો.

        એણે ગધેડાના હોઠ પર જોરથી ચટકો ભર્યો. ગધેડાએ ગભરાઈને મોં પાછું ખેંચી લીધું. ગધેડાના એક હોઠ સૂજીને દડો થઈ ગયો. ગધેડાએ ગભરાઈને દોડવા માંડ્યું. સામે મળી ગાય. ગાયે પૂછ્યું : “કેમ ગધેડાભાઈ, દોડો છો?”

        ગધેડો કહે : “પેલું ફૂલ દેખાય છે ને, એમાં કાંઈક છે. શું છે તે ખબર પડતી નથી. ગાય ફૂલ પાસે ગઈ. ફૂલમાં શું છે તે જોવા એમાં મોં નાખ્યું. મધમાખીએ ગાયના હોઠ પર જોરથી ચટકો ભર્યો. ગભરાઈને ગાયે મોં પાછું ખેંચી લીધું. ગાયનો એક હોઠ સૂજીને દડો થઈ ગયો.

        ગાય દોડતી જતી હતી. રસ્તામાં મળ્યું ઊંટ.

        ઊંટે પૂછ્યું : “ગાયબહેન, કેમ દોડો છો?” ગાય કહે : “પેલા ફૂલમાં કાંઈક છે, પણ શું છે તે ખબર પડતી નથી.”

        ઊંટ ફૂલ પાસે ગયું. ફૂલમાં શું છે તે જોવા અંદર મોં નાખ્યું. મધમાખીએ ઊંટના હોઠ પર જોરથી ચટકો ભર્યો. ઊંટનો એક હોઠ સૂજીને દડો થઈ ગયો.

        ઊંટ દોડતું જતું હતું. રસ્તામાં ગધેડો તળાવના પાણીમાં મોં નાખીને ઊભો હતો. ગધેડાએ પૂછ્યું : “ઊંટભાઈ, કેમ દોડો છો?” ઊંટ કહે : પેલું ફૂલ દેખાય છે ને! એમાં કાંઈક છે, પણ શું છે તે ખબર પડતી નથી.”

        ગધેડો ફૂલ પાસે ગયો. અંદર શું છે તે જોવા ફૂલમાં મોં નાખ્યું. મધમાખીએ ગધેડાના બીજા હોઠ પર જોરદાર ચટકો ભર્યો. ગધેડાનો બીજો હોઠ પણ સૂજીને દડો થઈ ગયો. આ જોઈને બધાં પ્રાણીઓ કહેવા લાગ્યાં : “જેનો એક હોઠ સૂજીને દડો થાય એનું નામ ગાય, ભેંસ કે ઊંટ. જેના બેઉ હોઠ સૂજીને દડા થાય એનું નામ ગધેડો.”

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 368)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020