Fulvada - Children Stories | RekhtaGujarati

                રાયકો રબારી રોજ ઝાડની ડાળીએ બેસે અને પાવો વગાડે. એના પાવાના સૂર સાંભળી પશુપંખી સહુ થંભી જાય.

 

                એ રાયકો આજે એની મા પાસે આવીને બેઠો.

 

                ‘મા, મા! મારે ફૂલવડાં ખાવાં છે.’

 

                ‘ફૂલવડાં?’

 

                ‘હા, મા.’

 

                ‘દીકરા, આપણા ઘરમાં ચણાનો લોટ નથી, તલનું તેલ નથી. ફૂલવડાં કેવી રીતે બને?’

 

                ‘મા, હું લોટ અને તેલ બેય લઈ આવું તો?’

 

                ‘પણ લોટ અને તેલ લાવવા નાણું જોયે ના? મારી પાસે આજે એકેય ફદિયું નથી. દીકરા નાણાં વિનાના નર નિમાણા!’

 

                ‘નાણાં વિના લોટ અને તેલ લઈ આવું તો?’

 

                ‘નાણાં વિના દીકરા કોઈ કાંઈ આપે ખરું?’

 

                ‘પણ મા, તું મારી હુશિયારી તો જો કે નાણાં વિના તેલ અને લોટ બેય તારે ઘેર આવી જાય છે કે નહીં?’

 

                ‘તો પછી ફૂલવડાં હું તને જરૂર બનાવી આપું.’

 

                ફૂલવડાંનો હોંશી રાયકો બજારમાં પગલાં પાડે છે અને તલ તથા ચણાનો લોટ મેળવવા દરેક દુકાન તરફ જુએ છે.

 

                દુકાનવાળાઓ રાયકાના પાવાના સૂર સાંભળવા આતુરતાથી એને ઊભો રાખે છે.

 

                ‘રાયકા, રાયકા, તારો પાવો વગાડ.’

 

                ‘ભાઈ, પાવો જરૂર વગાડું, પણ મારે ફૂલવડાં ખાવાં છે.’

 

                ‘ફૂલવડાં એટલે?’

 

                ‘ફૂલવડાં એટલે ફૂલવડાં : બીજું શું?’ રાયકાએ વેપારી સામે મીટ માંડી.

 

                વેપારી ફૂલવડાં એટલે શું એ જાણવા પોતાના પાડોશી વેપારીની પાસે ગયો.

 

                ‘ભાઈ, આ રાયકાને ફૂલવડાં ખાવાં છે. ફૂલવડાં એટલે શું?’

 

                ‘ફૂલવડાં એટલે ભજિયાં; બીજું શું?’ બીજા વેપારીએ હસતાં હસતાં રાયકા સામે જોયું.

 

                ‘હા, એ જ. મારી મા મને આજે એ ફૂલવડાં બનાવી આપવાની છે અને મારે એ ખાવાની મોજ માણવી છે.’

 

                ‘ને તો રાયકા, તું ધનજીભાઈ લોટવાળાની દુકાને જા. એની દુકાને ચણાનો લોટ મળશે.’

 

                ‘અને તેલ?’ રાયકાએ વેપારી સામે આતુરતાથી જોયું.

 

                ‘તેલ માટે અબલા ઘાંચીની ઘાણીએ જા.’

 

                ‘ધનજીકાકા અને અબલો ઘાંચી તો મારા પાવાના સૂરે સૂરે ઘણી વખતે મારા ઝાડવા આગળ આવી ઊભા રહે છે અને પાવો સાંભળે છે.’

 

                ‘તો તો તારું કામ થયું. આજે તું ફૂલવડાં જરૂર ખાવાનો.’

 

                રાયકો લોટવાળાની દુકાને આવે છે.

 

                ‘ધનજીકાકા! ધનજીકાકા! મારે ચણાનો લોટ જોઈએ છે.’

 

                ‘લઈ જા દીકરા, જોઈએ એટલો લઈ જા.’

 

                ‘કાકા, એક વાત કહું. લોટ તો લઈ જાઉં પણ મારી માને ગમે નહીં તો પાછો આપી જાઉં.’

 

                ‘હા, હા. તારી માને ન ગમે તો પાછો આપી જજે પણ સાંજે ડેલીએ આવી પાવો સંભળાવવો પડશે.’

 

                ‘જરૂર સંભળાવું.’

 

                રાયકાએ વંથળીનો ચોફાળ પાથરી એમાં દસ શેર ચણાનો લોટ બાંધી લીધો. થોડેક દૂર જઈ રાયકો પાછો ધનજીની દુકાને આવી ઊભો.

 

                ‘કેમ રાયકા!’

 

                ‘લોટ તો મારી માને ગમતો નથી.’

 

                ‘કાંઈ ફિકર નહીં. લાવ પાછો.’

 

                રાયકાએ લોટ પાછો આપી દીધો પણ ચોફાળ ચોવડો મોટો અને એટલો જાડો હતો કે એમાં લોટ ચારે તરફ ચોંટી ગયો હતો.

 

                એ ચોફાળ રાયકાએ એની મા આગળ મૂકી એમાં ચોંટેલો લોટ ધીમે ધીમે કરી એકઠો કરી લીધો.

 

                ‘કેમ મા, આટલા લોટનાં ફૂલવડાં થશે ના?’

 

                ‘જરૂર, દીકરા હવે તેલ લઈ આવ.’

 

                રાયકો અબલા ઘાંચીની ઘાણી પાસે આવી ઊભો.

 

                ‘અબલા! અબલા! મારે તાજું તલનું તેલ જોઈએ છે.’

 

                ‘રાયકા, જોઈએ એટલું લઈ જા.’

 

                ‘હું તો આ કુડલો ભરી લઈ જવા માંગું છું.’

 

                ‘ભલે ભલે તારો કુડલો તું પોતે ભરી લે.’

 

                રાયકાએ તેલની મોટી કોઠીમાંથી કુડલો ભરી કીધું :

 

                ‘અબલા, એક શરત છે.’

 

                ‘શું, બોલ જોઈએ.’

 

                ‘મારી માને આ તેલ નહીં ગમે તો પાછું આપી જઈશ.’

 

                ‘જરૂર ભાઈ, માને ન ગમે તો જરૂર પાછું લાવજે. રાતે ઘાણી પર પાવો સંભળાવવા આવજે.’

 

                રાયકો થોડેક જઈ પાછો અબલાની ઘાણી આગળ આવી ઊભો.

 

                ‘કેમ રાયકા?’

 

                ‘અબલા, તારું તેલ માને ગમતું નથી.’

 

                ‘તો લાવ પાછું.’

 

                અબલાની કોઠીમાં રાયકાએ કુડલો રેડી દીધો.

 

                ખાલી કુડલો લઈ રાયકાએ ઘેર આની માને બધી વાત કહી.

 

                માએ કુડલો થોડી વાર થાળી ઉપર ઊંધો રાથી તેલ નિતારવાની શરૂઆત કરી.

 

                કુડલો મોટો હતો એટલે એક વાટકો તેલથી ભરાઈ ગયો.

 

                ‘મા, હવે તો ફૂલવડાં થશે ના?’

 

                ‘હા, દીકરા પણ નાણાં વગર શી રીતે આ લોટ અને તેલ મારી પાસે હાજર થયાં?’

 

                ‘મા એ જ ખૂબી છે. તારા દીકરાની હુશિયારી કેટલી છે એ તું આ તેલ અને લોટથી માપી લે.’

 

                માએ ફૂલવડાં તૈયાર કરી રાયકાને પેટ ભરી ખાવાની સૂચના કરી.

 

                રાયકો એક એક ફૂલવડું ખાતો જાય, માની સામે જોતો જાય અને કહેતો જાય કે, ‘મા, આ પાવાના સૂરની મીઠાશ જેવી મીઠાશ આ ફૂલવડામાં છે. પણ એક વાત કહી દઉં છું કે મેં જુઠ્ઠું બોલીને લોટ અને તેલ લીધાં છે.’ રાયકાએ બા પાસે વીગતવાર વાત કરી.’

                ‘તો તું ધનજીકાકા અને અબલાની માફી માગી આવ.’

                રાયકાએ એ બેય જણ પાસે જઈ માફી માગી.

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020