રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતી ચકલી. તેની માએ તો એનું કોઈ નામ પાડેલું નહીં. પણ તેણે પોતાનું નામ જાતે જ પાડેલું : સંગીતા. તેને ગાવું ખૂબ ગમે ને! એટલે. કોઈ પૂછે કે કેમ છો ચકીબાઈ? તો પટ દઈને કહે : ‘સંગીતા છું.’ પછી તો બધાં તેને સંગીચકી જ કહેવા લાગ્યાં. એમને તો કકુ કોયલની પાસે સરસ ગાતાં શીખવું હતું. પણ માએ કંઈ શીખવા ના મોકલ્યાં. કહે : ‘તું ચકલી છે તો ચીં.... ચીં.... જ કર. એમ કંઈ કોયલ જેવું ગાતાં ન આવડે.’
સંગીચકી બિચારી મા સામે કશુંય ના કરી શકી. નાની ચકી કરીયે શું શકે? પણ થોડા સમય પછી તે મોટાં થયાં! એક ચકાભાઈ સાથે તેમને દોસ્તી થઈ ગઈ. હવે તેમને તો પોતાનો અલગ માળો બાંધવાનો હતો. માળો બાંધવાની જગ્યા માટે ચકાભાઈ ચારે બાજુ ફરે. એમણે એક ઘર શોધી કાઢ્યું. તે ઘરમાં સરસ સંગીત વાગે. ચકાભાઈ સંગીચકીને લઈ ત્યાં ગયા.
સંગીચકી બારીએ બેઠી, અંદર જોયું. એક છોકરો બેઠો બેઠો ગાય. સામેના ટેબલ પર એક ડબ્બો. તેમાંય ગીત વાગે. સંગીચકીને થાય : આ ખરું ડબ્બોય ગાય? ત્યાં તો ડબ્બામાંથી ગીત વાગતું બધું થયું. પેલો છોકરો ગાતો ગાતો એકદમ બંધ થઈ ગયો ને બોલ્યો : ‘આ ટેપેય ખરી છે ને! ખરી વખતે વગડી.’
સંગીચકીને સમજાયું : ‘અંહહ... તો આ ટેપ કહેવાય. ટેપમાં વાગે છે સાંભળી સાંભળી ગીત શિખાય.’ તેણે નક્કી કર્યું માળો અહીં જ બાંધીશું. મારાં બચ્ચાં ટેપ સાંભળી ગાતાં શીખશે.
બસ! તે જ દિવસે તેણે ને ચકાએ ઘરનો એક ખૂણો શોધી કાઢ્યો. એક મોટો ફોટો હતો તેની પાછળ માળો બાંધવાનું નક્કી કર્યું. બસ! હવે શાની વાર લગાડવી? ને તણખલાં લઈ આવી માળો બાંધવાનું શરૂ કર્યું. ઘરના માણસો તો ચકલી માળો ન બાંધે માટે થોડી થોડી વારે ઉડાડે. પણ સંગીચકીની વાત જ ન પૂછો. એણે ઘણી મહેનત કરી. અંતે માળો બાંધીને જ જંપી. છેવટે માળો તૈયાર થઈ ગયો. ને સંગીચકી ને ચકો ત્યાં રહેવાય આવી ગયાં.
થોડા વખત પછી તેના માળામાં નાનાં નાનાં ચાર બચ્ચાં ચીં....ચીં....ચીં.... કરી રહ્યાં. સંગીચકીએ નક્કી કર્યું : ‘બધાંને ગાતાં શીખવીશ.’
પછી જયારે ટેપ વાગે કે તે એક બચ્ચાંને લઈ બહાર આવે. થોડે દૂર બેસે. એમ બધાં બચ્ચાંને લાવતી. પણ ચારમાંથી ત્રણ બચ્ચાં તો કંટાળી ગયાં. પણ.... ચોથી નાની ચીંચીંચકીને મઝા આવી. ટેપ વાગે કે તે ડોકી હલાવે ને પાંખો ફફડાવે! ટેપ વાગતી બંધ થાય પછીયે તે ગણગણતી રહે.
સંગીચકીને થયું : ‘હાશ! હવે આ ચીંચીંને ગમે છે એટલે સારું. એને હું જરૂર શીખવીશ.’ પછી તો જ્યારે જ્યારે ટેપ વાગે કે સંગીચકી ચીંચીંચકીને લઈ બહાર આવે. ટેપની નજીકની બારીએ બેસે. શાંતિથી સાંભળે. બરોબર યાદ રાખે. ટેપ બંધ થાય પછી જ બેઉં જણ માળામાં જાય. થોડા જ દિવસમાં ચીંચીંચકી સરસ ગાવા લાગી. પછી સંગીચકી જરાક નવરી પડે કે ચીંચીને કહે : ‘ચાલ, ગા. હું તાલ આપું.’ પછી ચીંચીં ગાય. માળામાં જે હાજર હોય તે તાલ આપે. સંગીનાં ત્રણેય બચ્ચાં ચીંચીં ગાય ત્યારે ડાહ્યાંડમરાં થઈ જાય. પહેલાં તો તેની મશ્કરી કરે, પજવે. પણ સંગીચકીએ સમજાવ્યાં : ‘નાની બહેન કેવું સરસ ગાય છે! આપણે તેને મદદ કરવી જોઈએ. તમે તો તેનાં મોટાં ભાઈ-બહેન છો. કોઈ તાલી પાડો, કોઈ નાચો તો ચીંચીંને કેવું સારું લાગે! એ સરસ ગાશે તો તમને થશે : અમારી નાની બહેન બહુ સરસ ગાય છે! – ખરું ને?’ બસ, પછી તો ત્રણેય બચ્ચાં ડાહ્યાં થઈ ગયાં. નાનકો તો ઘણી વાર નાચે પણ ખરો.
હવે એક વાર પશુ-પંખીની સભા મળી. પંખીના રાજાએ કહ્યું : ‘આ વખતે નૃત્યની હરીફાઈ રાખીશું.’ એટલે ગધેડો કહે : ‘ના, ના, ના. નૃત્યની હરીફાઈ તો ગયે વરસે રાખી હતી. આ વખતે સંગીતની રાખો.’ બધાંએ હા પાડી. ને તેની જવાબદારી કાબરને સોંપી.
કાબરે સસલાને કહ્યું : ‘અરે સસુભાઈ! જાઓ દોડો ને આસપાસ ચારેપાસ જઈ કહી આવો : ‘આજથી પંદર દિવસ પછી પૂનમ છે. ત્યારે આ ચોકમાં સંગીત હરીફાઈ થશે. જેને રહેવું હોય તે એક જ અઠવાડિયામાં નામ લખાવી જાય.’ સસુ પાછો પૂછે : ‘પણ.... નામ કોણ લખશે?’ કાબર કહે : ‘વાહ મારા ચતુર સસુભાઈ! એ તો હું ભૂલી જ ગઈ. જા કહે જે કે નામ વનુ વાનરભાઈ લખશે.’ બસ, પછી તો સસુભાઈ દોડ્યા ને બધે કહી આવ્યા. આ સાંભળી સંગીચકીના બીજાં બચ્ચાંઓએ ચીંચીંનું નામ લખાવી દીધું.
વનુ વાનર પૂછે : ‘અલ્યા! તારી પેલી નાની બહેન ચીંચીં ગાશે? એને વળી ગાતાં ક્યાં આવડે છે? બિચારી હજી છે કેટલી નાની તમને ખબર છે ને કે કકુ કોયલ પણ ગાવાની છે. બુલબુલ પણ હશે. તેમાં આ ચીંચીં કરશે શું? સ્ટેજ પર આવી બધાંને જોઈ રડી જ પડશે. એ જ એનું ગીત! ભાઈ! તું મારું કહ્યું માન નામ લખાવાનું માંડી વાળ.’
પણ.... ચીંચીંના મોટા ભાઈએ કહ્યું : ‘નામ લખો જ. ને વનુકાકા! કોણ સારું ગાય છે તે ત્યાં જ સાંભળજો.’
ઘેર આવી તેણે સંગીચકીને કહ્યું : ‘મા! મા! સભામાં આ વખતે સંગીત હરીફાઈ છે. મેં ચીંચીંનું નામ લખાવી દીધું છે. પંદર દહાડા પછી હરીફાઈ છે.’ સંગીચકી કહે : ‘તેં બહુ સારું કર્યું! હવે આપણે ચીંચીંને સરસ ભજન શીખવીએ. મારી ચીંચીં જરૂર જીતશે.’ આ સાંભળી ચીંચીં કહે : ‘ના મા! હું નહીં ગાઉં. મને તો બીક લાગે છે.’ સંગી કહે એમં ડરવાનું શું? તું કેટલું સરસ ગાય છે!’
‘ના મા! હું નહીં ગાઉં.’ કહી ચીંચીંતો માથેમોઢે ઓઢી સૂઈ ગઈ. સંગીચકી તે વખતે કંઈ નો બોલી. પણ ઘરમાં બધાંને કહ્યું : ‘એ નાની છે ને એટલે છોડી ગભરાય છે. આપણે તેને હિંમત આપવાની છે.’
હવે તો ચીંચીંચકીએ માળામાંય ગાવાનું બંધ કર્યું. સંગીચકી કહે : ‘ચીંચીં! તને ખબર છે? તારા જેવું મીઠું તો પેલી કોયલેય ગાતી નથી. ગાવાનું કંઈ એકલી કોયલને આવડે એવું નહીં હોં!’ એટલે એક બચ્ચું કહે : ‘હા ચીંચીં! મેં તેને સાંભળી છે ને! સારું ગાય છે પણ તારા જેવું નહીં હો!’ એટલે બીજુંક બચ્ચું કહે : ‘ને એને તો એક જ ગીત આવડે છે.?’ તને તો કેટલાં બધાં ગીત આવડે છે?’ એટલે ત્રીજું બચ્ચું કહે : ‘તું પેલું રામજીવાળું ભજન ગાય છે ને ચીંચીં! તું એટવું સરસ ગાય છે કે મારાથી તો રોઈ જ પડાય છે!’ હવે ચકાએ કહ્યું : ‘જો ભાઈ! કોયલને તો ગાવાનું ભગવાન તરફથી મળ્યું છે. કુદરતનો વારસો છે. તેમાં શી વડાઈ? પણ જે નવું શીખે ને સરસ ગાય તેની વડાઈ! ચીંચીં! તું ખરેખર બહુ સરસ ગાય છે.’ આવું સાંભળીને ચીંચીંને હિંમત આવી. તે પાછી રોજ રામજીવાળું ભજન માળામાં ગાવા લાગી. તે ગાય ત્યારે બાકીનાં બધાં તાલી વગાડે. નાનકડું બચ્ચું તો નાચે પણ ખરું!
એમ કરતાં કરતાં હરીફાઈનો દિવસ આવ્યો. બધાં ભેગાં થવા લાગ્યાં. તે સવારથી ચીંચીં પાછી ગભરાવા લાગી. સભામાં જવાનો સમય થયો કે તે તો પાછી માથેમોઢે ઓઢી સૂઈ ગઈ. સંગીચકી કહે : ‘ચીંચીંબેટા! ચાલ. આ ચણિયાચોળી પહેરી લે. સમય થઈ ગયો છે.’ પણ ચીંચીં હા જ ના પાડે! ના મોં ઉઘાડે!
પાછાં બધાં તેને સમજાવવા બેઠાં.
ચકો કહે : ‘ચીંચીં! એમ તે કંઈ ગભરાઈ જવાય? એમ કરજે આંખો બંધ કરીને ગાજે. હું ને તારી મા તારી સામે જ બેઠાં હોઈશું. આ તારાં ભાંડુરાઓ ખૂણામાં બેસી તાલીઓ પાડશે. ને આ નાનકો નાચશે. તને ઘર જેવું જ લાગશે. હોં! તું મારો બહાદુર બેટો છે ને! ને ના ગવાય તો કંઈ નહીં. આપણે આમેય ક્યાં ગાતાં હતાં? પછી ડરવાનું શું?’ એટલે સંગીચકી કહે : ‘પણ એ ના શું કામ ગાય? આજ સુધી કોયલ ગાતી હતી. હવે આજે મારી ચીંચીં ગાશે. આ સંગીતનું તો એવું છે ને કે જે મન દઈ શીખે તેને આવડે જ! મારી ચીંચીંએ કેટલી બધી મહેનત કરી છે? ને એનો અવાજ તો કેટલો મીઠો છે? ચીંચીં! ચાલ બેટા!’
ચીંચીંને થયું : ‘મા સાચું કહે છે. ભગવાને મને મીઠો અવાજ આપ્યો છે. ને માએ, મારા ઘરનાંય મને કેટલી મદદ કરે છે! ને કોયલ ગાય તેમાં શી નવાઈ! હું ગાઉં તેની નવાઈ. ને મા સાચું જ કહે છે. મન દઈને શીખીએ તો બધું જ આવડે. મને ગાતાં આવડે જ છે. મારે ગાવું જ જોઈએ.’ તે ઊઠી. તૈયાર થઈ ને બધાં ગયાં સભામાં.
સભા ભરચક હતી. એક પછી એક નામ બોલાતાં ગયાં. કોયલે તો એવું ગાયું કે આખી સભા ખુશખુશાલ થઈ ગઈ! થોડી વારે નામ બોલાયું : ‘હવે આવશે ચીંચીંચકી.’ ચીંચીં પાછી ગભરાઈ ગઈ. પણ સંગીચકીએ તેને માથે હાથ મૂકી કહ્યું : ‘જેને ના આવડયું હોય તે ગભરાય. તને તો સરસ આવડે છે. જા, કર ફતેહ!’
ત્યાં તો પેલો નાનકડો ચકો પાસે આવી કહે : ‘હું નાચીશ. તું ગા.’
ચકાભાઈ ચીંચીંને સ્ટેજ પર મૂકી આવ્યા ને કહે : ‘ચીંચીં! આંખો બંધ કરીને ગાવા માંડ! એક, દો, તીન!’ – ને ચીંચીંએ આંખો બંધ કરી રામજીવાળું ભજન શરૂ કર્યું. ચકો ઝટપટ નીચે આવી સંગી સાથે બેસી ગયો. ચીંચીં તો આંખો ખોલે જ નહીં. સંગીચકી તાલી પાડે. નાનકો નાચે. ને ચીંચીં ગાય!
આખી સભા છક થઈ ગઈ.
‘અરે! આ ચીંચીંએ તો કમાલ કરી! એ કેટલું સરસ ગાય છે!’ એટલે બીજું કહે : ‘આની પાસે તો કોયલનાય કલાસ નહીં.’ ગાતાં ગાતાં ચીંચીંની આંખ ખૂલી ગઈ. જુએ તો બધાં શાંતિથી સાંભળે! તેનેય હવે તો ગાવાની મઝા પડી હતી! તે ઘૂંટી ઘૂંટીને લીટીઓ ગાતી રહી. તે ગીત પૂરું કરી જ્યારે નીચે આવી કે માએ તેને ઊંચકી જ લીધી. ચીંચીં ખુશખુશાલ હતી. આથી સભા ખુશ હતી! કાબર કહે : ‘લો જુઓ! કોયલ સારું ગાય તેની ના નહીં! પણ બીજાંય સારું ગાઈ શકે. મહેનત કરનારને કશુંયે અઘરું નથી. આ સંગીએ ને ચીંચીંએ કેટલી મહેનત કરી છે!’ એટલે સંગી કહે : ‘કાબરબહેન! મહેનત જરૂર કરી છે. પણ ચીંચીંને મન હતું. તેને સંગીત ગમતું હતું. ને વળી ભગવાનની દયા કે તેને મીઠો અવાજ આપ્યો.’
સભા પૂરી થઈ. કહેવાની જરૂર છે કે ચીંચીંચકીનો પહેલો નંબર આવ્યો?
સ્રોત
- પુસ્તક : શ્રદ્ધા ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 91)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022