
એક હતાં ડોશીમા. તે બીચારાં એકલાં રહેતાં, એટલે દરરોજ ઘરનું કામ કરીને થાકી જાય. ડોશીમાએ વિચાર કર્યો કે લાવ મારી દીકરીને ઘેર સાત-આઠ દિવસ રહી આવું.
ડોશીમા તો હાથમાં લાકડકી લઈને દીકરીને ઘેર જવા નીકળ્યાં. ત્યાં રસ્તામાં એક મોટો વાંદરો મળ્યો. વાંદરો ડોશીમા પાસે આવીને કહે કે, ‘ડોશી ડોશી, તને ખાઉં!’ ડોશીએ જાણ્યું કે જો જરા પણ બીક બતાવીશ તો વાંદરો મને ખાઈ જશે. એટલે એમણે તો તરત જ જવાબ આપ્યો કે, ‘ભાઈ, હમણાં મને ખાશે તો તેમાં તને શું મળશે? ફક્ત ચામડી ને હાડકાં જ ને? મને મારી દીકરીને ઘેર જવા દે, વાલ ને રોટલો ખાવા દે, તાજીમાજી થવા દે. પછી મને ખા.’
વાંદરો કહે કે, ‘બહુ સારું. પણ તમે પાછાં ક્યારે આવશો? ડોશી કહે, ‘આઠ દિવસ પછી.’ એટલું કહીને ડોશી તો ચાલ્યાં.
આગળ જતાં રસ્તે એક રીંછ મળ્યું. તેણે કહ્યું, ‘ડોશી ડોશી, તને ખાઉં!’ ત્યારે ડોશી કહે કે, ‘ભાઈ, હમણાં ખાઈશ તો ચામડી ને હાડકાં મળશે. મને મારી દીકરીને ઘેર જવા દે, વાલ ને રોટલો ખાવા દે. તાજીમાજી થવા દે, પછી મને ખા.’ ત્યારે રીંછ કહે કે, ‘બહુ સારું. પણ જલદી આવજો.’ ડોશીએ એને પણ આઠ દિવસનો વાયદો કર્યો.
પછી આગળ ચાલતાં ડોશીને એક વરુ મળ્યું. તે કહે કે, ‘ડોશી ડોશી, તને ખાઉં.’ ત્યારે ડોશી કહે કે, ‘ભાઈ, હમણાં ખાઈશ તો ચામડી ને હાડકાં મળશે. મને દીકરીને ઘેર જવા દે, વાલ ને રોટલો ખાવા દે, તાજીમાજી થવા દે, પછી મને ખા.’ ત્યારે વરુ કહે કે, ‘બહુ સારું. પણ મને ભૂખ બહુ લાગી છે, માટે જલદી આવજો.’ ડોશી કહે કે જરૂર આઠમે દિવસે આવીશ.
પછી આગળ જતાં મળ્યો વાઘ. તે કહે કે, ‘ડોશી ડોશી, તને ખાઉં.’ ત્યારે ડોશી કહે કે, ‘બાપુ, હમણાં ખાઈશ તો ચામડી ને હાડકાં મળશે. મને દીકરીને ઘેર જવા દે, વાલ ને રોટલો ખાવા દે, તાજીમાજી થવા દે, પછી મને ખા.’ વાઘ કહે કે, ‘સારું. પણ પાછાં ક્યારે આવશો?’ ડોશી કહે કે, ‘આઠમે દિવસે.’
પછી ડોશીમા દીકરીને ઘેર પહોંચ્યાં. દીકરીએ તો ડોશીમાને બહુ સારો આવકાર આપ્યો ને ખૂબ સારી બરદાસ કરવા માંડી. ડોશીમાને દરરોજ ઊના પાણીએ નવડાવે ને સારું સારું ખવડાવે. આઠ દિવસની અંદર તો ડોશીમા તાજાંમાજાં થઈ ગયાં.
પછી ડોશીને લાગ્યું કે હવે ઘેર નહી જાઉં તો બધાં જનાવરો અહીં આવશે ને મારી દીકરીને હેરાન કરશે. એટલે ડોશીમા તો ઘેર જવા તૈયાર થયાં. દીકરીએ બહુ સમજાવ્યાં કે રહો. પણ ડોશી કહે કે, ‘રસ્તામાં મને બધાં જનાવરો મળ્યાં હતાં તેને આઠ દિવસનો વાયદો દઈને આવી છું. જો હું નહીં જાઉં તો અહીં આવશે.’
ત્યારે દીકરી કહે કે, ‘એમ કરો; આ તુંબડામાં બેસીને જાઓ, એટલે કોઈને ખબર નહીં પડે.’
ડોશી તો તુંબડામાં બેઠાં ને તુંબડું ગબડવા માંડ્યું.
જતાં જતાં રસ્તામાં વાળ મળ્યો. તેને થયું કે આ ગોળમટોળ ગબડતું ગબડતું શું આવે છે! આઠ દિવસ થયા એટલે જરૂર એમાં પેલી ડોશી હોવી જોઈએ. તેણે બરાડ પાડી કે, ‘ડોશી ડોશી, તને ખાઉં!’
એ સાંભળીને તુંબડામાંથી ડોશી બોલી ઊઠ્યાં કે, ‘ડોશી કેસી, બાત કેસી, ચલ રે તુંબડા તડૂક તડૂક!’ એટલે તો તુંબડું તડૂક તડૂક કૂદતું આગળ દોડ્યું. વાઘે જાણ્યું કે અંદરથી અવાજ તો ડોશીના જેવો જ આવે છે. એટલે એ પણ પાછળ દોડ્યો.
તુંબડું આગળ ચાલ્યું ત્યાં રસ્તામાં વરુ મળ્યું. તેણે આઘેથી તુંબડાને આવતું જોયું એટલે એને પણ થયું કે એ ડોશી જ હોવી જોઈએ. એટલે કહે કે, ‘ડોશી ડોશી, તને ખાઉં!’ ત્યારે ડોશીએ અંદરથી જવાબ દીધો કે, ‘ડોશી કેસી, બાત કેસી, ચલ રે તુંબડા તડૂક તડૂક!’ તુંબડું તો તડૂક તડૂક કરતું આગળ દોડ્યું ને તેની પાછળ વરુ પણ દોડ્યું.
આગળ જતાં મળ્યું રીંછ. તેણે પણ તુંબડામાં ડોશી છે એમ જાણી બૂમ પાડી કે, ‘ડોશી ડોશી, તને ખાઉં!’ તરત ડોશી અંદરથી બોલી કે, ‘ડોશી કેસી, બાત કેસી, ચલ રે તુંબડા તડૂક તડૂક!’ અને તુંબડું તો ખૂબ વધારે જોરથી દોડવા લાગ્યું. રીંછે ડોશીનો અવાજ ઓળખ્યો એટલે એ પણ દોડ્યું.
આગળ જતાં વાંદરો મળ્યો. એણે આઘેથી તુંબડું આવતું જોયું ને પાછળ વાઘ, વરુ ને રીંછને આવતા જોયા, એટલે તરત જ એને લાગ્યું કે એમાં ડોશી હશે. તેથી એ પણ રસ્તા વચ્ચે જઈ બેઠો ને તુંબડું પાસે આવ્યું એટલે એને અટકાવી બોલ્યો, ‘ડોશી ડોશી, તને ખાઉં!’
ડોશીમા અંદરથી બોલ્યાં કે, ‘ડોશી કેસી, બાત કેસી, ચલ રે તુંબડા તડૂક તડૂક!’ પણ વાંદરાએ તો તુંબડાને બે હાથે પકડી રાકેલું એટલે તુંબડાથી આગળ જવાયું નહીં. એટલામાં તો વાઘ, વરુ ને રીંછ પણ આવી પહોંચ્યા.
ડોશીએ જાણ્યું કે હવે અક્કલ નહીં વાપરું તો બધા મને જરૂર ખાઈ જશે. એટલે એણે થોડી વાર વિચાર કરીને કહ્યું કે, ‘જુઓ, તમારા ચારમાંથી મારું માથું કોણ ખાશે, હાથ કોણ ખાશે, પગ કોણ ખાશે, એ નક્કી કરો; પછી હું બહાર નીકળું.’ વાઘ, વરુ, રીંછ ને વાંદરો ચારેય માંહ્યોમાંહ્ય નક્કી કરવા લાગ્યા. એક કહે કે હું માથું ખાઉં તો બીજો કહે કે હું માથું ખાઉં. એમ કરતાં બધા ખૂબ તકરાર પર ચડી ગયા અને છેવટે મારામારી પર આવ્યા.
ડોશીએ આ લાગ જોઈએ તુંબડું આગળ દોડાવ્યું. તડૂક તડૂક કરતું તુંબડું ડોશીને ઘેર પહોંચી ગયું ને વાઘ, વરુ, રીંછ ને વાંદરો ત્યાં લડતા જ રહ્યા.
સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 81)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020