Budhiyo Ane Manilal - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બુધિયો અને મણિલાલ

Budhiyo Ane Manilal

મધુસૂદન પારેખ મધુસૂદન પારેખ
બુધિયો અને મણિલાલ
મધુસૂદન પારેખ

    બુઘિયાના શેઠ ઉપર ઓચિંતો તાર આવ્યો હતો. એમનો મુનીમ મણિલાલ વેપારધંધાના જરૂરી કામે આવવાનો હતો. શેઠનું ઘર તેણે જોયું નહોતું. એટલે શેઠ તાર વાંચીને વિચારમાં પડ્યા. એમને તો ઑફિસમાં તાકીદનું કામ હતું. અને ટ્રેનનો ટાઇમ પણ થવા આવ્યો હતો. તેમણે બુધિયાને બૂમ મારી ને બોલાવ્યો : “જો, આપણે ત્યાં મહેમાન આવવાના છે. એમનું નામ મણિલાલ. મુંબઈથી આવતી ગાડીમાં આપણા સ્ટેશન ઊતરશે. તું તેડી લાવીશ?”

    શેઠાણી વાત સાંભળતાં હતાં. તે વચમાં જ બોલી ઊઠ્યાં : “પણ એ મણિલાલને ઓળખશે કેવી રીતે? એણે તો એમને જોયા પણ નથી.”

    શેઠે બુધિયાને કહ્યું : “ગાડી બધી અહીં ખાલી થઈ જાય છે. તું મણિલાલના નામની બૂમ પાડજે. એમણે ઝભ્ભો ને ધોતિયું પહેર્યું હશે. એ તો તરત ઓળખાઈ જશે. એ આપણા માણસને શોધતા જ હશે.”

    બુધિયો કહે : “એમાં તે શો મીર મારવાનો હતો! તમે તમારે બેફિકર રહો. હમણાં અડધા કલાકમાં મણિલાલને ઘેર લાવું છું.”

    શેઠે બુધિયાના હાથમાં બે રૂપિયા મૂક્યા ને કહ્યું, “જોજે, એમને ઘોડાગાડીમાં બેસાડીને લાવજે. બહુ મોટા માણસ છે. જરા વિવેકથી વર્તજે.”

    શેઠે બુધિયાને તરત સ્ટેશન પર મોકલ્યો, ને એ ઑફિસે ગયા. બુધિયો સ્ટેશન પર પહોંચ્યો ને ગાડી આવી. બુધિયાએ ડબ્બેડબ્બે ફરીને મણિલાલના નામની બૂમો પાડવા માંડી.

    ડબ્બામાંથી એક જણ નીકળ્યો. એણે પૂછ્યું : “શું કામ છે મારું નામ મણિલાલ.”

    બુધિયાએ એમને કહ્યું : “ચાલો, તમને શેઠને ત્યાં તેડી જવા માટે આવ્યો છું.”

    એટલામાં બીજા ખાનામાંથી એક માણસ કહે :

    “મારું નામ મણિલાલ, કેમ બૂમો પાડે છે?”

    બુધિયો વિચારમાં પડ્યો : “આ બેમાંથી શેઠના મણિલાલ ક્યા?”

    એણે અક્કલ દોડાવી. બંને મણિલાલને કહ્યું : “બંને અહીં ઊભા રહો. હું હજી બીજા ડબ્બામાં શોધ કરી આવું.” એમ કહીને એણે બૂમો મારવા માંડી. એક મણિલાલ સજોડે, બાલબચ્ચાં સાથે હતા. તે ડબ્બામાંથી બહાર નીકળ્યા. બુધિયાએ તેમને પણ ઊભા રાખ્યા. પણ બુધિયાની હવે મુસીબત થઈ. ત્રણે મણિલાલ મુંબઈથી જ આવતા હતા. શેઠને ક્યા મણિલાલ જોઈતા હશે!

    એણે વિચાર કર્યો : “બધા મણિલાલ મુંબઈથી જ આવ્યા છે. ત્રણેને ઘોડાગાડીમાં ઉપાડી જાઉં. શેઠને જે જોઈતા હશે તે પસંદ કરી લેશે.”

    બુધિયાએ તો બે રૂપિયાની ઘોડાગાડી કરી, ને ત્રણે મણિલાલ તથા બૈરાં ને છોકરાંને તેમાં બેસાડ્યાં. એ ગાડીવાળાની જોડે બેસી ગયો.

    એમનો ઘોડો વાજતેગાજતે ઘેર આવ્યો. શેઠ તો કલાકથી બુધિયાની વાટ જોઈને પૂજા  કરવા બેઠા હતા. બુધિયાએ વધામણી ખાધી : “મણિલાલને લઈ આવ્યો છું. ડબ્બેડબ્બે બૂમ મારીને શોધી કાઢ્યા છે. એમને શોધવામાં ખૂબ વાર થઈ.”

    શેઠે કહ્યું : “એમને અંદર મોકલ.”

    બુધિયાએ મણિલાલને અંદર મોકલ્યા. શેઠની માળા હાથમાં રહી ગઈ. એ ચમકીને જોઈ રહ્યા. પેલો માણસ શેઠને કહે : “મારું નામ મણિલાલ. હું દરજી છું. તમારો નોકર મને અહીં બોલાવી લાવ્યો. કંઈ કામ હોય તો ફરમાવો. જેન્ટ્સ તેમ જ લેડીઝ તેમ જ બાબા-બેબી બધાંનાં અપ-ટુ-ડેટ કપડાં...”

    શેઠે ઘાંટો પાડીને કહ્યું : “અરે તમારી જરૂર નથી. તમને કોણે બોલાવ્યા છે?”

    એટલામાં બીજા મણિલાલ અંદર ધસી આવ્યા. શેઠને કહે : “હું પાપડનો વેપારી છું – હાઈક્લાસ લસણ-મરી-મઠના પાપડ, અથાણાં, મેથિયાં લીંબુ જે જોઈએ તે...”

    શેઠે પૂજામાંથી એકદમ ઊભા થઈને બૂમ પાડી : “અરે બુધિયા!”

    ત્યાં તો પોરિયાઓ અંદર ઘૂસી આવ્યા. એમની પાછળ એમની મમ્મી ને પપ્પા.

    શેઠે ચમકીને બૂમ પાડી : “અરે તમે બધાં કોણ છો?” પેલા છેલ્લા આવેલા ભાઈ કહે : “મારું નામ મણિલાલ. મારે મારા શેઠને ત્યાં લગ્નમાં જવાનું છે. તમારો નોકર મને અહીં ખેંચી લાવ્યો.”

    શેઠે મહામુસીબતે બધાંને વિદાય કર્યાં. બુધિયા પર ખૂબ ખિજાયા. એ બુધ્ધુએ ત્રણ મણિલાલ ભેગા કર્યા પણ મુનીમ મણિલાલને તો લાવ્યો નહિ.

    એટલામાં બહાર ઘાંટાઘાટ સંભળાઈ. શેઠે ખડકીમાંથી બહાર જોયું તો બુધિયો ઘાંટા પાડતો હતો : “જાઓ જાઓ, મહેરબાન, અહીં શેઠ નવરા નથી. બધા મણિલાલનું નામ દઈને આવો છો! પણ હવે હું છેતરવાનો નથી.”

    શેઠે એકદમ દોડીને બુધિયાનો કાન પકડ્યો : “અરે આ તો આપણા છે એ જ મણિલાલ.”

    બુધિયો કહે : “પણ આમણે તો પાઘડી ને કોટ પહેર્યાં છે.”

    બુધિયાની અક્કલ પર શેઠ ને મુનીમ હસી પડ્યા.

સ્રોત

  • પુસ્તક : મધુસૂદન પારેખની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2022