રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબકોર પટેલે દાદરમાં એક બંગલો રાખ્યો હતો. ત્યાંથી તે મુંબઈ આવ-જા કરે. તેમની ઑફિસ કોટ-વિસ્તારમાં હતી. પટેલ દસ-સાડાદસ વાગ્યે જમીને ઑફિસે જતા.
જે દિવસની આ વાત છે, તે દિવસે સવારમાં બકોર પટેલ દૂધ પીતાં બેઠા હતા; તેવામાં શકરી પટલાણી ટપાલના કાગળો લઈને આવ્યાં.
“લ્યો, આ બે કાગળો આવ્યા છે.” તેમણે ટેબલ ઉપર કાગળ મૂકતાં કહ્યું. બકોર પટેલે જોયું તો કાગળો ફોડેલા હતા. તેઓ ચિડાયા : “તને કેટલી વાર મેં ના કહી, છતાં મારા કાગળો કેમ ફોડે છે?”
આમ કહેતાં-કહેતાં તેમણે કાગળ વાંચવા માંડ્યા. એક કાગળ કંઈ ખાસ કામનો ન હતો. બીજો કાગળ નીચે મુજબ હતો :
ઝાંઝીબાર, આફ્રિકા
વહાલા મિત્ર બકોર,
ઘણા વખતે તને પત્ર લખું છું. હું અહીં તેલના કૂવાની શોધમાં આવેલો, પણ કાંઈ પત્તો ખાધો નહિ અને હલામાં તો તાવમાં પટકાયો છું. હું જીવી શકીશ કે નહિ તે કંઈ કહેવાય નહિ. મેં તારી પાસેથી 5000 રૂપિયા ઉછીના લીધેલા, તે તને મોકલી શક્યો નથી, તો માફ કરજે. તેને બદલે આ સાથે એક જાદુઈ વટાણો મોકલું છું. એ વટાણો જે ખાય તેનામાં ભવિષ્યના બનાવો જોવા-જાણવાની શક્તિ આવે છે. એક બાવાજીએ મને આવા ત્રણ વટાણા આપેલા. બે વટાણા મારા મિત્રો લઈ ગયા છે. એક તને મોકલું છું. તેનાથી તને ફાયદો થાય તો કોઈ દિવસ યાદ કરજે.
લિ. તારો મિત્ર,
ઝવેરભાઈ જિરાફ
બકોર પટેલે પરબીડિયું તપાસ્યું, તો અંદરથી વટાણાનો એક દાણો નીકળ્યો. તે જોઈ શકરી પટલાણી તરત બોલી ઊઠ્યાં : “એ ખાશો નહિ. મહેરબાની કરીને ફેંકી દો. મને તો તે ઝેરી હોય તેવો લાગે છે.”
“સારું,” પટેલ બોલ્યા : “નહિ ખાઉં. રસ્તામાં ફેંકી દઈશ.”
આમ કહી પટેલે વટાણો ખિસ્સામાં મૂક્યો. ઑફિસનો સમય થતાં તેમણે જમી લીધું અને પછી ઑફિસે જવા નીકળી પડ્યા. સ્ટેશને જઈ તેમણે મુંબઈ જતી ગાડી પકડી. ગાડીમાં બેસતાં જ તેમને પેલો વટાણો યાદ આવ્યો. તે ફેંકી દેતાં તેમનો જીવ ચાલ્યો નહિ. તેની અજમાયશ તો કરવી જ એમ વિચાર કરી, એ તો ઝટ દઈને વટાણો ગળી ગયા. વટાણો પેટમાં જતાં જ પોતાનામાં કંઈ નવી શક્તિ આવી હોય તેમ તેમને લાગ્યું!
“ઓત્તારીની! વટાણો ખરેખર જાદુઈ હોય એમ લાગે છે! લાવ ને, અજમાવી જોઉં.”
એમ વિચારી એમણે ખિસ્સામાંથી એક સિક્કો લઈ મુઠ્ઠી વળી અને પછી સવળી બાજુ હશે કે અવળી એમ મનમાં પૂછી, એમણે સવળી બાજુ ધારી અને મુઠ્ઠી ખોલી જોયું તો એમ જ હતું! એમને વટણાની જાદુઈ શક્તિ વિશે તરત ખાતરી થઈ ગઈ.
ગાડી આગળ જતી હતી, એટલામાં એક વિમાન ત્યાં ઊડતું દેખાયું. બકોર પટેલની સામેની સીટ પર સસમલ શેઠ બેઠા હતા. તે કહે :
“મુંબઈ ને કોલકાતા વચ્ચે ટપાલ લાવવા-લઈ જવા જે વિમાન જાય છે તે આ –”
“હશે કદાચ” બકોર પટેલ બોલ્યા : “પણ તે બહુ આઘે જઈ શકવાનું નથી. થોડે જતાં જ તૂટી પડશે, અડધા કલાકમાં જ.”
પેલા વટાણાને લીધે તેમને ભવિષ્ય આંખ આગળ જ દેખાતું હતું. સસમલ શેઠ તો મોઢું પહોળું કરીને જોઈ જ રહ્યા કે આ બકોર પટેલ શું બકે છે! એમને ભેજું ખસી તો નથી ગયું ને!
તે દિવસે મુંબઈમાં મૅચ હતી. એક બાજુ છોકરાઓ ને બીજી બાજુ છોકરીઓ, સામસામાં ક્રિકેટ રમવાનાં હતાં. ડબ્બામાં બધાં જ કહે કે છોકરાઓ જીતશે. છોકરીઓ તે શું ક્રિકેટ રમવાની હતી! તેમના ફટકા દૂર જાય જ નહિ! તેમને રન મળે જ નહિ! પણ પટેલ એ સાંભળીને મનમાં હસ્યાં જ કરે. છોકરીઓ જ જીતશે એવું તેમને સ્પષ્ટ લાગતું હતું! આ બિચારા શું જાણે! છેવટે ખબર પડશે!
સ્ટેશન આવતાં જ બકોર પટેલ ટ્રેનમાંથી ઊતરીને ટૅક્સીમાં બેઠા અને પોતાની ઑફિસે આવ્યા. તે દિવસે કામકાજમાં એમનું મન લાગ્યું જ નહિ! પોતાની ઑફિસે બેઠાં-બેઠાં તેઓ વિચાર કરવા લાગ્યા.
એકાએક તેમને એમ થયું કે ઘાસનો ભાવ એકદમ વધી જવો જોઈએ. કેમકે અમેરિકાની ઘાસની ગંજીઓ આગથી બળી જવાની છે. આપણે ઘાસનો વેપાર કરીએ તો ખૂબ નફો થાય. તેમણે પાંચસો ક્વિન્ટલ (1 ક્વિન્ટલ = 100 કિગ્રા) ઘાસ ખરીદવાનો ઘાસના દલાલને ઑર્ડર આપ્યો.
બપોર થતા તેમણે ઑફિસના બધા માણસો માટે આઇસક્રીમ મગાવ્યો, કારકુનો, નોકરો વગરે વિચાર જ કર્યાં કરે કે આજે શેઠને થયું છે શું? કામકાજ કેમ કરતા નથી? બધાને માટે આઇસક્રીમ મગાવવાનું કારણ શું?
છેવટે સાંજ પડી. નિયમ પ્રમાણે બકોર પટેલ ઘેર જવા ઊપડ્યા. આજે તેમનું મન ખૂબ આનંદમાં હતું. પોતાને ઊતરવાનું સ્ટેશન આવતાં જ તેમણે સાંજનું છાપું વેચાતું જોયું. તરત તેમણે તે ખરીદી લીધું અને સ્ટેશન બહાર નીકળ્યા. મૅચનું પરિણામ શું આવ્યું, પેલું વિમાન તૂટી પડ્યું કે નહિ વગેરે ખબરો જોવાની તેમને તાલાવેલી લાગી હતી. તેઓ છાપું ઉઘાડીને જરા જુએ છે, ત્યાં તો પાછળથી કોઈએ તેમને ખભે હાથ મૂક્યો.
“ઓહો! કોણ, ગાડરખાં ઘીવાળા? કેમ છો? ઘીના ભાવ શું ચાલે છે?”
બકોરભાઈએ ગાડરખાંના ખબર-અંતર પૂછવા માંડ્યા. ગાડરખાંનો બંગલો તેમની જોડે જ હતો. વાત કરતાં-કરતાં બન્ને જણ ઘર સુધી પહોંચી ગયા, એટલે બકોર પટેલને છાપું જોવાની ફુરસદ મળી નહિ. ઘરમાં જતાં જ શકરી પટલાણીએ તેમના ખબર-અંતર પૂછવા માંડ્યા.
“આજની તો વાત જ ન કરીશ,” બકોર પટેલ બોલ્યા : “પેલો જાદુઈ વટાણો ફેંકી દેવાને બદલે હું ગળી ગયો હતો. પણ તેનાથી બહુ ફાયદો થયો. જાણે મને બીજી જ દૃષ્ટિ મળી ગઈ. બધું હું અગાઉથી કહી શકું.”
આમ કહી પટેલે તમામ વાત કહી સંભળાવી. પછી તેમણે છાપું ખોલીને પોતાની વાત સાચી હોવાની ખાતરી કરાવવા માંડી. પણ છાપું વાંચતાં જ તેમનું મોઢું પહોળું થઈ ગયું. ઓત્તારીની! આમ કેમ? પેલું વિમાન તૂટી પડ્યાની ખબર જ નહિ! અને છોકરીઓને બદલે છોકરાઓની ટુકડી જીતી! આ શું? પણ હા, ઘાસના ભાવ વધ્યા હતા.
શકરી પટલાણી તો આ સાંભળીને ધીમુંધીમું હસ્યાં કરે. પછી બોલ્યાં : “કેમ, તમારી જાદુઈ શક્તિ ક્યાં ગઈ?”
બકોર પટેલ માથું ખંજવાળવા લાગ્યા. શકરી પટલાણી બોલ્યાં : “આ ઘાસનો ધંધો કર્યો તેમાં ફાયદો થયો તે ઠીક છે. બાકી બીજું કંઈ ડહાપણ ડહોળશો નહિ. એ વટાણામાં જાદુબાદુ કંઈ નહોતું!”
ઘાસના ભાવ વધ્યા હતા, પરંતુ અમેરિકામાં આગ તો નહોતી લાગી!
“એમ કેમ કહે છે?” બકોર પટેલ ખખડાવીને બોલ્યા : “ત્યારે ઝવેર જિરાફ લખે છે તે ખોટું?”
“હા ખોટું, ખોટું, હજાર વાર ખોટું!” પટલાણી બોલ્યાં : “તમે વટાણો ખાઈ જશો, એવી મને બીક હતી જ. એટલે કાગળ ફોડ્યો તે વખતે જ વટાણો મેં તો નાખી દીધો હતો!”
“ત્યારે હું ખાઈ ગયો તે વટાણો ક્યો?”
“એ તો આપણા ઘરમાં વટાણા છે, તેમાંનો એક દાણો લઈ મેં કાગળ જોડે મૂકી દીધો હતો!”
બકોર પટેલનું મોઢું ફોટો પાડવા જેવું થઈ ગયું!
સ્રોત
- પુસ્તક : હરિપ્રસાદ વ્યાસની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 80)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023