રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોશિયાળો ચાલતો હતો. ઠંડી વધવા માંડી હતી. એટલે અજવાળીબહેને અડવાને બંડી સિવડાવી આપી. અડવો નવી બંડી જોઈ ખુશ થઈ ગયો. અજવાળીબહેને તેને સલાહ આપી : “રોજ રાતે બંડી પહેરીને જ સૂજે. નહિતર ટાઢ શરીરમાં પેસી જશે તો શિયાળામાં હેરાન થઈ જઈશ.”
અડવાને તો બંડી બરાબર ફાવી ગઈ. દહાડે એ કોટ પહેરીને દુકાને જાય ને રાતે બંડી પહેરીને સૂઈ જાય.
એક દિવસ પૂનમચંદ શેઠ પર સવારના પહોરમાં જ બહારગામથી ટેલિફોન આવ્યો. શેઠના એ દૂરના વેવાઈ હતા.
શેઠે અડવાને બોલાવ્યો : “આ બે પાર્સલ છે ને તે ખેડામાં જઈને આપણા વેવાઈને આપી આવવાનાં છે. રાતે મોડું થાય તો રોકાઈ જજે. આપણું જ ઘર છે.”
શેઠે એને બે પાર્સલ પકડાવ્યાં. અડવો ઊપડ્યો. વેવાઈને ઘેર પહોંચતા બપોર થઈ ગયા. અડવાનું ત્યાં સારી પેઠે સ્વાગત થયું, વેવાઈએ લાપસી રંધાવી. અડવાને બહુ ભાવી. બધી ઝાપટી ગયો ને પછી કહે : “વેવાણ! થોડો શીરો લાવજો... બહુ ટૉપ થયો છે.”
વેવાણ હસવા માંડ્યાં. એમની દીકરી કહે : “આ શીરો નહિ, લાપસી છે.”
અડવો કહે : “હા, એ લાપસી લાવો.”
બપોરે અડવો આરામથી ઊંઘ્યો. વેવાઈએ સાંજે અડવાને ગામમાં સિનેમા જોવા મોકલ્યો. રાતે આઠ વાગે અડવો સિનેમા જોઈને આવ્યો અને કહે : “હવે હું જાઉં. શેઠ વાટ જોતા હશે.”
વેવાઈ કહે : “રાતે ટાઢમાં હેરાન થશો. આજે રાત અહીં સૂઈ રહો, કાલે સવારે જજો.”
અડવો કહે : “ભલે.”
સાડા નવે અડવો સૂતો અને તેને બંડી યાદ આવી.
અજવાળીબહેને કહેલું : “બંડી પહેરીને સૂઈ જજે. નહિતર શરીરમાં ટાઢ પેસી જશે.”
અડવો તો ચૂપચાપ વેવાઈને ઘેરથી નીકળી ગયો. દસ વાગે વેવાણની દીકરી દૂધનો વાડકો લઈને આવી ત્યારે અડવાભાઈ અદૃશ્ય! આખા ઘરમાં અડવાની શોધાશોધ ચાલી. પણ અડવો હોય તો મળે ને! વેવાઈ બિચારા ચક્કરમાં પડી ગયા. બંગલાની પાછળ કૂવામાં પણ માળી તપાસ કરી આવ્યો. સાડા અગિયાર થયા. બાર વાગ્યા. વેવાઈ પૂનમચંદ શેઠને ટ્રંકકોલ કરવાનો વિચાર કરતા હતા. ત્યાં અડવાભાઈ ડોલતા ડોલતા વેવાઈના બંગલામાં દાખલ થયા. વેવાઈ-વેવાણનું આખું ઘર અડવાનું સ્વાગત કરવા ઓટલા પર ભેગું થઈ ગયું. વેવાઈએ પૂછ્યું : “અરે તમે ક્યાં જતા રહ્યા હતા?”
અડવો કહે : “તમે મને અહીં સૂઈ રહેવાનો આગ્રહ કર્યો એટલે તમારું માન તો મેં રાખ્યું, પણ મારી બંડી હું ઘેર ભૂલી ગયો હતો તે લેવા ગયેલો. પાછા આવતી વખતે મોટર બસ બંધ થઈ ગયેલી તે એક ખટારામાં બેસીને આવ્યો છું! વેવાઈનું માન તો રાખવું જોઈએ ને!”
વેવાઈના ઘરનાં બધાં અડવાનું પરાક્રમ જોઈ ઘન્ય બની ગયાં!
સ્રોત
- પુસ્તક : મધુસૂદન પારેખની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 54)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022