Aarabni Manta - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આરબની માનતા

Aarabni Manta

રમણલાલ ના. શાહ રમણલાલ ના. શાહ
આરબની માનતા
રમણલાલ ના. શાહ

           એક હતો આરબ.

           અરબસ્તાન સૂકો રણપ્રદેશ. એમાં ખજૂરીનાં ઝાડ ઘણાં ઊગે.

           એક વાર આરબ એક ખજૂરીના ઝાડ ઉપર ખજૂર તોડવા ચડ્યો. ખજૂરીનાં ઝાડ ખૂબ ઊંચાં હોય.

           ચડતાં તો ચડ્યો, ને ખજૂર પણ તોડી લીધાં, પણ પછી આફત શરૂ થઈ. આરબે નીચે ધરતી પર નજર કરી અને એને થરથરાટી છૂટી. એને લાગ્યું કે ઝાડ તો બહુ ઊંચું છે. ધરતી બહુ નીચે છે. આટલે બધે મારાથી શી રીતે ઊતરાશે?

           બીજો રસ્તો પણ શો? એ તો રણનો પ્રદેશ. માથે માથું ભમાવી મૂકે એવો તાપ. આજુબાજુ કોઈ કરતાં કોઈ નજરે પડતું ન હતું. નજરે પડે તોપણ શું? ઝાડ પરથી નીચે ઊતરવા કાંઈ સીડીઓ થોડી જ હોય છે?

           સુખમાં સાંભરે સોની, ને દુઃખમાં સાંભરે રામ. એણે ભગવાનને ખરા અંતરથી યાદ કર્યા. એ કહેવા લાગ્યો : ‘યા મેરે અલ્લા! પાક પરવરદિગાર! અગર આ ઝાડ ઉપરથી જો નીચે સલામત ઊતરી શકીશ તો તારા પાક નામ પર એક ઊંટની કુરબાની કરીશ. ખુદા! મારી લાજ રાખજે!’

           એમ બોલી ભગવાનના ભરોસે એણે નીચે ઊતરવા માંડ્યું.

           સંભાળીને અર્ધે લગી આવી પહોંચ્યો.

           હવે એને એનામાં શ્રદ્ધા આવી ગઈ. હજુ ગભરામણ તો હતી, પણ પહેલાં કરતાં હળવી હતી. આથી એ બોલ્યો : ‘અલ્લાહ તાલા! મેં ઊંટની કુરબાની કરવા બાધા લીધી હતી, પણ આજકાલ ઊંટ મોંઘાં મોંઘા પણ બહુ મુશ્કેલીથી મળે છે. એટલે હું ઊંટના બદલે એક ઘેટાની તારા પાક નામ પર કુરબાની કરીશ એથી સંતોષ માનજે.’

           એમ બોલી એ ધીમે ધીમે નીચે ઊતરવા મંડ્યો.

           માત્ર ત્રીજા ભાગની જ ઊતરવાની વાત બાકી રહી.

           દેખીતી રીતે જ હવે એને હૈયે વધારે હિંમત આવી.

           એ બોલ્યો : ‘પાક ખુદા! તારા દરબારમાં શાની ખોટ છે? મારી પાસે ઘેટું હાથવગું મળી શકે એમ નથી. એટલે ઘેટાને બદલે મરઘીની તારા નામ પર જરૂર કુરબાની કરીશ. એ રીતે તારી શુક્રગુજારી કરીશ. એટલાથી માનતા પૂરી થઈ માની લેજે!’

           હવે ઊતરવાનું સાવ સહેલું હતું.જોતજોતામાં એ છેક નીચે આવી પહોંચ્યો. અલ્લાના નામ પર મરઘીની કુરબાની કરવાની પણ એને વસમી લાગી. આજુબાજુ હાથ લાંબો કરી એક માખી એણે પકડી લીધી. એ માખીને મારી નાખતાં આરબ બોલ્યો : ‘ઊંટ, ઘેટું, મરઘી કે માખી, બધાયમાં જીવ તો છે જ ને? ઊંટ કે મરઘીમાં કાંઈ બે જીવ નથી. માનતા મુજબ મેં એક જીવની કુરબાની કરી માનતા પૂરી કરી છે. અલ્લા! પરવરદિગાર! મારી માનતા પૂરી થઈ છે એમ માની લેજે!’

સ્રોત

  • પુસ્તક : રમણલાલ ન. શાહની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2015