weninan phool - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વેણીનાં ફૂલ

weninan phool

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
વેણીનાં ફૂલ
ઝવેરચંદ મેઘાણી

[ઢાળ: ‘મારે ઘેર આવજો માવા, ઊનાં ઊનાં ઢેબરાં ખાવા’]

મારે ઘેર આવજે, બેની!

નાની તારી ગૂંથવા વેણી.

આપણા દેશમાં નીર ખૂટ્યાં ને

સળગે કાળ દુકાળ,

ફૂલ વિના મારી બેનડી! તારા

શોભતા નો'તા વાળ. -મારે.

બાગબગીચાના રોપ નથી, બેની,

ઊગતા મારે ઘેર;

મોગરા ડોલર જાઈ ચંબેલીની

મારે માથે નથી મ્હેર. -મારે.

રૂપ સુગંધી હું કાંઈ નો જાણું,

ડુંગરાનો ગોવાળ;

આવળ બાવળ આકડા કેરી

કાંટ્યમાં આથડનાર. -મારે

ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાં

રાતડાં ગુલેનાર;

સાપ-વીંટ્યાં પીળા કેવડા હું મારી

બેન સાટુ વીણનાર. -મારે.

પ્હાડ તણે પેટાળ ઊગેલાં

લાલ કરેણીનાં ઝાડ;

કેશૂડલાં કેરી વાંકડી કળીઓ

વીણીશ છેલ્લી ડાળ. -મારે.

ખેતર વચ્ચે ખોઈ વાળીને

ફૂલ ઝીણાં ખોળીશ;

વાગશે કાંટા દુઃખશે પાની

તોય જરીકે બ્હીશ. -મારે

સાંજ વેળા મારી ગાવડી ઘોળી

આવીશ દોટાદોટ;

ગોંદરે ઊભીને વાટ જોતી બેની

માંડશે ઝૂંટાઝૂંટ. -મારે.

મોઢડાં નો મચકોડજે, બાપુ!

જોઈ જંગલનાં ફૂલ;

મોરલીવાળાને માથડે તો

ઓપતાં'તાં અણમૂલ. -મારે.

શિવ ભોળા, ભોળાં પારવતી એને

ભાવતાં દિવસરાત

તુંય ભોળી, મારી દેવડી! તુંને

શોભશે સુંદર ભાત. -મારે.

ભાઈ ભાભી બેય ભેળાં બેસીને

ગૂંથશું તારે ચૂલ;

થોડી ઘડીથી પે’રી રાખજે વીરનાં

વીણેલ વેણી-ફૂલ!

મારે ઘેર આવજે બેની,

લાંબી તારી ગૂંથવા વેણી!

(1928)

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 248)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997