Vyom Divda - Children Poem | RekhtaGujarati

કોઈ કે'શો કે તારલા શેના બન્યા?

કે'શો કે તારલા શેના બન્યા?

કે ચંદ્રદીપ જાણી શું આગીયા ઉડ્યા!

કે'શો કે તારલા શેના બન્યા?

સ્વર્ગ ગંઙ્ગ કાંઠડે બેસીને રાજહંસ

મોતીનો ભોગ રૂડો માણી રહ્યા!

કે'શો કે તારલા શેના બન્યા?

યોગે વિયોગે નાથ શું નીશાના

હર્ષ અને શોકના આંસુ સર્યા!

કે'શો કે તારલા શેના બન્યા?

આભને અગાસે, મૂકી દીપજ્યોત મસ્તકે

સૂરસુંદરીઓ સહુ ગરબે ઘુમ્યાં!

કે'શો કે તારલા શેના બન્યા?

પુન્યશાળી પામરોનાં પંચત્વ પામતાં

સત્કર્મ દીવડા ઝબકી રહ્યા!

કે'શો કે તારલા શેના બન્યા?

માનુષ્ય ગુણદોષ દેવી ને દેવ વૃન્દ

તેજસ્વી આંખ થકી જોઈ રહ્યાં!

કે'શો કે તારલા શેના બન્યા?

રસપ્રદ તથ્યો

તારાઓને નીશા દેવીનાં; જ્યારે સુદમાં શશિ હોય ત્યારે હર્ષના અને અભાવે શોકના આંસુઓ છે એમ કલ્પ્યું છે. જ્યારે સુદને તારા વદમાં બન્ને પક્ષોમાં જોવામાં આવે છે ત્યારે સુદમાં નાથ સમાગમથી હર્ષના આંસુ હશે ને વદમાં શોકનાં જ હશે એમ કલ્પ્યું છે.

સ્રોત

  • પુસ્તક : શારદા : મે, 1936 (પૃષ્ઠ ક્રમાંક 170)
  • સંપાદક : ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા
  • પ્રકાશક : શારદા કાર્યાલય, વડોદરા