wahalun watan - Children Poem | RekhtaGujarati

મારું વતન મારું વતન

વહાલું વહાલું મને મારું વતન હાં

જેની માટીની મારી કાયા ઘડેલી

તેને કરું હું કોટિ કોટિ નમન હાં–મારું.

રાણા પ્રતાપ ને શિવાજી શૂરવીર

મારા વતનનાં મોંઘા રતન હાં–મારું.

લાલ અને બાલ વળી દાદાને દાસજીએ

જેણે સમર્પ્યું છે સારું જીવન હાં–મારું.

ગાંધીબાપુને હૈયે વસ્યું જે

સંસાર સાર અને જીવનધન હાં–મારું.

વહાલા વતનનો સર્વોદય સાધવા

હોંશે ઓવારું હું તન મન ધન હાં–મારું.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ