સરવડાં
saravda
મીનપિયાસી
Meenpiyasi

શ્રાવણ કેરાં સરવડાં,
હરિવરનાં હૈયાનાં અમરત,
ઝરમર અહીંયાં ઝરી પડ્યાં.
—શ્રાવણ કેરાં સરવડાં.
આકાશી આંગણિયે આજે,
પરીઓ રમતી રાસે જો,
હળવું હળવું નભ હાંફે છે,
એના હૈયા શ્વાસે જો;
મોતી ગૂંથ્યા, પરીઓ કેરા,
સાળુ સરરર સરી પડ્યા, —શ્રાવણ કેરાં સરવડાં.
ખડખડ હસતી પરીઓ દોડી,
વાદળ પાછણ સંતાણી,
એનાં રૂપની રેલ્યો અહીંયાં,
ઉરમાં મારાં અંટાણી;
અમથા અમથા આનંદે કોઈ,
આંસુ મારાં ખરી પડ્યાં, —શ્રાવણ કેરાં સરવડાં.
ધીમે ધીમે ધરતી સાથે,
મેઘે માંડી વાતો જો,
એ પ્રીતિમાં છબછબ મારો,
પ્રાણ પલેપલ ન્હાતો જો;
વાદળીઓયે હસી પડીને,
ફોરાં અહીંયાં ફરી પડ્યાં, —શ્રાવણ કેરાં સરવડાં.



સ્રોત
- પુસ્તક : કાવ્યગુર્જરી (પૃષ્ઠ ક્રમાંક 36)
- પ્રકાશક : મધુસૂદન વૈદ્ય, આચાર્ય, મ. મા. પ્યુપિલ્સ ઓન સ્કૂલ
- વર્ષ : 1964