vaah bhaii vaah - Children Poem | RekhtaGujarati

વાહ ભૈ વાહ!

vaah bhaii vaah

યશવંત મહેતા યશવંત મહેતા
વાહ ભૈ વાહ!
યશવંત મહેતા

નાક ફૂંફાડે, મોં મચકોડે, પગ પછાડે છી છી છી!

ગપ્પાં હાંકે, કરે મશ્કરી, પુસ્તક ફાડે છી છી છી!

બોલે સાચું, નમે સહુને, બાળ રમાડે વાહ ભૈ વાહ!

બને ઠાવકા સદાય હસતા રાત-દહાડે વાહ ભૈ વાહ!

દહાડો આખો ધમાલ-ધાંધલ, ચડતા ઝાડે છી છી છી!

ના નહાવું, ના ખાવું, મમ્મી રાડો પાડે છી છી છી!

વહેલા ઊઠે, કદી રૂઠે, નહિ બરાડે વાહ ભૈ વાહ!

કદી ચડે ના રખડુટોળી સાથ રવાડે વાહ ભૈ વાહ!

ફૂલો ચૂંટે, ડાળી કાપે, છોડ ઉખાડે છી છી છી!

પથરા મારી ઝાડ ઉપર પંખી ઉડાડે છી છી છી!

લેસન પૂરાં, જવાબ મોઢે, કામ ઉપાડે વાહ ભૈ વાહ!

મમ્મી-પપ્પા ભાંડર ચાહે, શોભે લાડે વાહ ભૈ વાહ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી બાળકાવ્યચયન : ૨૦૦૬ (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : નટવર પટેલ
  • પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2008