વાદળ
vaadaL
કિરીટ ગોસ્વામી
Kirit Goswami

આ વાદળ છે કે સસલાં?
ક્યાંય ઘડીમાં જાય છે પ્હોંચી,
કેમ ભરે એ ડગલાં?
સૂરજ પાસે જાય, ન સૂરજ એને તોય દઝાડે,
દોડમદોડી કરતાં એ તો ચાંદાને સંતાડે,
લાગે એવાં આભે જાણે ખડક્યા રૂના ઢગલા!
આ વાદળ છે કે સસલાં?
વરસાવે ચોમાસે મીઠું-મીઠું જળ ધરતી પર...
જળથી એનાં સૃષ્ટિ પળમાં થાતી કેવી સુંદર!
રાજી-રાજી મોર અને ગાતાં ચક્ ચક્ ચક્ ચકલાં!
આ વાદળ છે કે સસલાં?



સ્રોત
- પુસ્તક : ગુજરાતી બાળકાવ્યચયન : ૨૦૦૬ (પૃષ્ઠ ક્રમાંક 18)
- સંપાદક : નટવર પટેલ
- પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
- વર્ષ : 2008