sinhnii paronaagat - Children Poem | RekhtaGujarati

સિંહની પરોણાગત

sinhnii paronaagat

રમણલાલ સોની રમણલાલ સોની
સિંહની પરોણાગત
રમણલાલ સોની

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;

સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.

ઝૂકીઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠાં વેણ :

મારે ઘેર પધારો રાણા! રાખો મારું કહેણ.

હાડ-ચામડાં બહુબહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;

નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું!

રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ

સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.

ઘર મારું, જમો સુખેથી મધની લૂમેલૂમ

ખાવા જાતાં રાણાજીએ પાડી બૂમેબૂમ.

મધપૂડાનું વન હતું એ; નહીં માખોનો પાર;

બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર!

આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા;

ખાધો બાપ રે! કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી,

સામે રાણા સિંહ મળ્યા'તા, આફત ટાળી મોટી!

સ્રોત

  • પુસ્તક : બાલકાવ્યવિમર્શ (પૃષ્ઠ ક્રમાંક 107)
  • સંપાદક : હરિકૃષ્ણ પાઠક
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન
  • વર્ષ : 2021