ધરતીનાં તપ
dhartiinan tap
પ્રહ્લાદ પારેખ
Prahlad Parekh

એવું રે તપી ધરતી, એવું રે તપી
જેવાં તપ રે તપ્યાં'તાં એક દિન પારવતી સતી.
અંગ રે સુકાય, એના રંગ રે સુકાય,
કાયાના અમરત એનાં ઊડી ચાલ્યાં જાય.
તોય ન આવ્યો હજુ મેહુલો જતિ! એવું રે.
વન રે વિમાસે, એનાં જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે,
જટાળો એ જોગી ક્યાંયે કળાતો નથી! એવું રે.
કહો ને તમે સૌ તારા! દૂરે છો દેખનારા,
કહો ને ડુંગરનાં શિખરો! આકાશે પહોંચનારાં :
આંખોની વીજ એની ઝબૂકી કહીં? એવું રે.
કહો ને સાગરનાં પાણી, તમને છે સંભળાણી
ઘેરી ગંભીર એની આવતી ક્યાંયે વાણી?
એની રે કમાન દીઠી તણાઈ કહીં? એવું રે.
આવો ને મેહુલિયા! આવો, ધરતીનાં તપ છોડાવો
રૂપે ને રંગે નવાં, તપસીને એ સુહાવો :
અમરતથી હૈયું એનું દિયો ને ભરી! એવું રે.



સ્રોત
- પુસ્તક : બાલકાવ્યવિમર્શ (પૃષ્ઠ ક્રમાંક 94)
- સંપાદક : હરિકૃષ્ણ પાઠક
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન
- વર્ષ : 2021