kalyan - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

(ઇન્દ્રવજ્રા)

ઇલા! સ્મરે છે અહીં એક વેળા,

ચોતરે આપણ બે રમેલાં;

દાદાજી વાતો કરતા નિરાંતે,

વ્હેલા જમીને અહીં રોજ રાતે.

કૈં વર્ષ પ્હેલાં અહીં યુદ્ધ જામ્યાં,

ને વીર કૈઁ અક્ષય કીર્તિ પામ્યા;

ગામનો એક હીરો હણાયો,

કલ્યાણ-ચોરો અહીંયાં ચણાયો.

કલ્યાણ નામે અહીંનો સિપાઈ,

જે યુદ્ધમાં એક ગયો હણાઈ;

કેવી હતી અંતર દેશદાઝ!

એનો કહું હું ઇતિહાસ આજ.

ટેક ને શૌર્ય તણો જમાનો,

સાંખી શકે વીર એક ટાણો;

ના યોગ કે કાળ કંઈ વિચારે,

ને પાર ધાર્યું મનનું ઉતારે.

ખૂણે ખૂણે યુદ્ધનિશાન વાગે,

કુટુંબનો એક સપૂત માગે;

ને એમ અર્પે સહુ સર્વ શક્તિ,

એવી હતી ઉત્તમ દેશભક્તિ.

કલ્યાણને કેવળ વૃદ્ધ માત,

હૈયે હતી એક વિયોગ વાત;

કલ્યાણ તો એકલ આશ જેની,

ચિંતા ધરે દિનરાત તેની.

‘બચ્ચા ઊઠો!’ એમ સિપાઈ માતા

બોલી ડંકા રણના સુણાતાં;

‘ને ભાઈ! યુદ્ધે મુજની તું ચિંતા

સ્હેજે ન; તારે શિર છે નિયંતા.

બેટા ઉમંગે રણમાં સિધાવો,

સિપાઈ માતા કૂખ દીપાવો;

દાદા તણો યે રણમાંહી સાખો,

જીતી મરી વા કુળલાજ રાખો.

તારા પિતાએ કંઈ યુદ્ધ ખેલ્યાં,

ને હાય! એણે તહીં પ્રાણ મેલ્યા;

આશિષ દેતાં તુજ તાત જાતો,

તું તો હજી આંગણ ખેલતો’તો.

છે ફર્જ ભાઈ! કરવી અદા એ;

ને ધ્યાન માનું ધરજે સદા યે;

જો સ્હાય માતા, દિન આજ સારો,

ને વાળ વાંકો થાય તારો.

ને રંક માતા તુજ રંક વેશ,

તું રંક એથી નહિ રંક દેશ;

શું રંક એથી તુજ દેશ ભાવિ?

શોભાવ બેટા! પળ ધન્ય આવી.

સાચો સિપાઈ નહિ શક્તિ યોદ્ધો

જુએ, ઘૂમે થઈ વીર જોદ્ધો;

જે મર્દ બચ્ચો, રણમાં ડગે ના,

પાછો હઠે કે ભયને ગણે ના.

જ્યારે વળી યુદ્ધવિરામ થાશે,

ચૌટે છચોકે ગરબા ગવાશે;

હોંશ હૈયે ધરી હું જીવું,

આજીવિકા માટે વસ્ત્ર સીવું.

ને કીર્તિ તારી જગમાં ગવાશે,

કીર્તિપ્રેમી કંઈ વીર થાશે;

આદર્શ તારો વળી ભાવિ વાત,

એવી વધારે શી મને નિરાંત!

બેઠા, ઊઠો! દેશ સપૂત માગે;

ચૌટે બધે ચોક નિશાન વાગે;

ના ધર્મમાં ઢીલ જરા કરાય,

શું દેશદ્રોહી મુજ પુત્ર થાય!’

કલ્યાણ હૈયે હતી દેશદાઝ,

વ્હાલી હતી થકી કુળલાજ;

માતા તણાં વેણ સુણી ઊઠ્યો એ,

ને કુળદેવી સ્મરીને નમ્યો એ.

‘ઓ પુણ્યશાળી મુજ માતૃભોમ,

દાઝ જાગો મુજ રોમરોમ;

હા દેશ મારો, મુજ દેશભક્તિ,

દેશ સાટે મુજ સર્વ શક્તિ.’

કલ્યાણ માથે શિરપેચ બાંધે,

ને વૃદ્ધ માતા તલવાર બાંધે,

વેર્યા પછી ત્યાંહી શકુનથાળ,

બાથે લપેટ્યો નિજ એક બાળ.

ને ગ્રામનાકે તહીં પુત્ર માતા

આવી ઊભાં, જ્યાં જયગીત ગાતા

કૈં વીર જેનું રણશૂર ખૂન,

સ્વાતંત્ર્યની કેવળ એક ધૂન.

*

સૌ યુદ્ધ અંતે પુરપાટ હાંકે,

ને વૃદ્ધ માતા ગઈ ગ્રામનાકે;

ત્યાં વૃદ્ધ માતા નિજ પુત્ર ધારી,

‘કલ્યાણ! કલ્યાણ!’ વદે બિચારી.

ને ને અહો યુદ્ધ જીતી પધારે!

સૌ ગ્રામહૈયાં ઊભરાય ત્યારે,

હર્ષઘેલાં સહુ લોક દોડે,

વ્હાલાં તણાં નામ જપાય મોઢે.

ત્યાં સૈન્યનો નાયક બોલ બોલ્યો,

એણે પ્હેલો જયભેદ ખોલ્યો :

‘કલ્યાણ હીરો રણમાં હણાયો,

પ્હેલો ધસ્યો જય તો ગણાયો.’

કલ્યાણ-માતા હતી હર્ષઘેલી,

એણે સુણી’તી જય-વાત પ્હેલી;

હર્ષને શોક અપાર ટાળ્યો,

કલ્યાણ પંથે નિજ પંથ વાળ્યો.

કલ્યાણ તો અક્ષય કીર્તિ પામ્યો,

ને આત્મ એનો સ્વરગે વિરામ્યો :

કલ્યાણ-ચોરો અહીં ચણાયો,

ને આત્મ એનો સહુમાં વણાયો.

આવે ફરી યુદ્ધપ્રસંગ જ્યારે,

સૌ વીર એની અહીં ભસ્મ ધારે;

ને ભસ્મ ધારી રણમાં પધારે,

કલ્યાણ-કીર્તિ હજીયે વધારે.

(અંક ૪૩)

સ્રોત

  • પુસ્તક : ઇલાકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સર્જક : ચન્દ્રવદન ચીમનલાલ મહેતા
  • પ્રકાશક : મૂળશંકર સોમનાથ ભટ્ટ
  • વર્ષ : 1933