kukDekuk kare - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સવારમાં સૌથી વહેલો, ઊઠીને ઊચરે!

સૂતેલાંને જાગૃત કરવા, કુકડેકૂક કરે! —સવારમાં...

પચરંગી પીછાં ખંખેરી, ઊંચો કંઠ ધરે,

હલાવતો શિર કલગી સુંદર, સૌને સાદ કરે. —સવારમાં...

ઊઠો ઊઠો! જાગો જાગો! ઊંઘ તજીને અરે!

ઉષા પ્રકાશે, પવન વિહરતો મીઠો મંદ સરે! —સવારમાં...

ઘણણ ઘણણ રવ ઘંટી કેરા, ઘર ઘરથી નીસરે,

ગોરસ-મંથનના ઘમકારા, મધુરા ઘોષ કરે! —સવારમાં...

પ્રભાતિયાંથી ભાવિક ભક્તો, ઈશ્વરસ્તવન કરે,

એની હલકમહીં જો ભમરા, મીઠી ગુંજ ભરે! —સવારમાં...

તરુવર પરનાં પંખી જાગી, કેવો કલરવ કરે,

અજવાળું ને અંધારું જો, મીઠી વાતો કરે! —સવારમાં...

આભમહીં આભા પ્રસરી ને, વાદળ રંગ ધરે!

મોજ જશે હમણાં ચાલી, ઊઠો જલદી અરે! —સવારમાં...

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945