santakukDi - Children Poem | RekhtaGujarati

સંતાકૂકડી રમે ચાંદલિયો સંતાકૂકડી રમે

રાતલડીને સમે ચાંદલિયો સંતાકૂકડી રમે.

કાળી કાળી વાદળીના ઘેરામાં ઘૂમતો

ઊગે ને આથમે–ચાંદલિયો.

કો’ક કો’ક વાદળીની પાછળ એને

ફુવારા છોડવા ગમે–ચાંદલિયો.

કોઈને માથે તો કોઈને ખભે

કોઈના ચરણે રમે–ચાંદલિયો.

કોઈક વાદળીના ખોળામાં સૂઈ જઈ

ક્યારેક વળી વિરમે–ચાંદલિયો.

દૂધની પિચકારી વાદળીના મોં પર

મારીને ભાગતો ભમે–ચાંદલિયો.

છોટી પકડવા આવે તો એને

દોડાવતો દમે–ચાંદલિયો.

મોટી જો પકડીને પૂરે તો એનું

હસતો હસતો ખમે–ચાંદલિયો.

હું પેલી નાનકડી વાદળીનો ભેરૂ,

કહો કોના છો તમે? ચાંદલિયો.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ