rangvadli - Children Poem | RekhtaGujarati

લીલા છે મોર, કાળી વાદળી રે,

એક વાર ઊભાં રો’ રંગવાદળી!

વરસ્યા વિણ શાને વહ્યાં જાવ રે,

એક વાર ઊભાં રો’ રંગવાદળી!

ઝૂરે બપૈયા ઝૂરે ઝાડવાં રે – એક વાર.

તરસ્યાં નદીઓ તે કેરાં તીર રે – એક વાર.

ઝાઝા દા’ડાના દીધા વાયદા રે – એક વાર.

બેઠાં આશાએ બાર માસ રે – એક વાર.

ઊંચા આકાશની અટારીએ રે – એક વાર.

ઊભાં શાને વિખેરી વેણ્ય રે – એક વાર.

ઓઢી છે ઇંદ્રધનુ-ઓઢણી રે – એક વાર.

મેલ્યા બે છેડલા ઢળંત રે – એક વાર.

આષાઢી બીજની આડ્યો કરી રે – એક વાર.

તારાની ટીલડી લલાટ રે – એક વાર.

કાંડે તે વીજ કેરી કાંકણી રે – એક વાર.

વાદળગંગાનો ગળે હાર રે – એક વાર.

ઝાઝા તે કાળની વિજોગણી રે – એક વાર.

કાઢો છો કોને કાજ દોટ રે – એક વાર.

જળ રે દેવીની તમે દીકરી રે – એક વાર.

દાદા રૂડા તે રવિ ભાણ રે – એક વાર.

જનનીની પ્રીત ક્યમ વિસર્યાં રે- એક વાર.

દાદાના તાપ શેં સે’વાય રે – એક વાર.

આવો આકાશની અધીશ્વરી રે – એક વાર.

પૃથ્વીનાં પંખીડાં પોકારે રે – એક વાર.

ટાંપીટાંપીને મોર ટૌકીઆ રે – એક વાર.

આવો અમીની ભરેલી બેન રે – એક વાર.

(અંક ૫૫)

સ્રોત

  • પુસ્તક : કુમાર : પ્રથમ વીસીનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 24)
  • પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ
  • વર્ષ : 1991